મેરાન્યૂઝ નેટવર્ક, વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોદી તો ગઇકાલે જ જીતી ગયા હતા પરંતુ હવે પોલિંગ બૂથ જીતવાના છે. હું પણ બૂથ કાર્યકર્તા રહી ચુક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચોંટાડવાનું સૌભાગ્ય મળી ચુક્યું છે. જેમ શ્રીકૃષ્ણએ સંગઠનમાં શક્તિ દેખાડી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તેવી જ રીતે હું પણ ઇચ્છું છું કે તમે બધા મળીને પોલિંગ બૂથ જીતો. બનારસની ચૂંટણી એવી હોવી જોઈએ કે રાજકીય પંડિતોએ તેના પર પુસ્તક લખવું પડે.

મોદીએ કહ્યું હતું કે ગઇકાલે રોડ શો માં મેં જે દ્રશ્ય જોયું તેમાં મને તમારા પરિશ્રમ, તમારા પરસેવાની મહેક આવી રહી હતી. ચૂંટણી તો હું ગઇકાલે જ જીતી ગયો હતો હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. આપણે હજુ કેટલાક રેકોર્ડ તોડવાના છે. પોતાને રેકોર્ડ તોડ મતથી જીતાડવાની અપીલ કરતા મોદીએ કહ્યું કે હું જે ગુજરાતમાં ન કરી શક્યો તે હવે ઇચ્છું છું કે બનારસના કાર્યકર્તા આ કામ કરે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે મીડિયાવાળાને બનારસની ચૂંટણીમાં હવે કોઈ રસ નહી રહે, તેમની ટીઆરપી સમાપ્ત થઇ ગઇ છે. મીડિયાવાળા માની લેશે કે મોદી ગઇકાલે જ બનારસ જીતી ગયા.