ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સોના અને ચાંદીના ભાવ વેગથી વધી રહ્યા છે, છતાં દરેક ઘટાડે તેમાં દાખલ થવાનો હજુ ઘણી તકો છે. વધુ એકાદબે પ્રેસિયસ મેટલ એવી છે જેમાં તેજીની સાયકલ સવારી શરુ નથી થઇ. છેલ્લા ત્રણ સપ્તાહમાં સોનું ૧૫ ટકા ચાંદી ૬૦ ટકા અને પ્લેટીનમ ૨૦ ટકા વધી છે. સટ્ટોડીયાઓનાં મતે તેજીમાં વધુ ઇંધણ પુરાવાનું બાકી છે, પણ યાદ રાખો “ચઢે છે તે પડે છે.” અમારો કહેવાનો આશય તેજી અહી પૂરી થાય છે, એવું હરગીઝ નથી. પણ બજારના વાસ્તવિક નિયમોથી તમે પીછો છોડાવી શકતા નથી.  

આ આર્ટીકલ વાંચતા સરેરાશ રોકાણકારોનાં મનમાં બે સવાલ ઉઠવા વાજબી છે. શુ સોનામાં તેજીનો ઉભરો આવ્યો છે? જો નાં, તો શુ સોનામાં દાખલ થવાનો હજુ પણ સમય છે? બન્ને જવાબ કૈંક આવા છે, નાં સોનામાં હજુ બબલ જેવી સ્થિતિ નથી સર્જાઈ અને હા, વર્તમાન ભાવે પણ ખરીદી વળતરદાયી છે. પણ હા, પ્લેટીનમ તેજીના ઉંબરે આવીને ઉભી છે. અમેરિકન સ્પેક્યુંનોમીસ્ટ કુશલ ઠાકર કહે છે કે હા અમે તેજીમાં છીએ, અને રહીશું, પણ સોના અને ચાંદી જેવી તેજીનું વાતાવરણ હજુ સર્જાયું નથી.

અમે ત્રણ સપ્તાહ અગાઉ પ્લેટીનમમાં મંદી ધ્યાને સોદા ગોઠવતા હતા. આરએસએડવાઇઝરીસનાં કોમોડીટી સ્ટેતટેજીસ્ટ રીતુ શાહ કહે છે કે હવે પછીની ચાલમાં પ્લેટીનમ ૧૧૦૦થી ૧૨૦૦ ડોલર થવી જોઈએ. શુક્ર્વારે સપ્તાહાંતે તમામ પ્રેસીયસ મેટલની ત્રણ સપ્તાહની તેજી પછી નફાબુકિંગ આવ્યું હતું. ઓક્ટોબર પ્લેટીનમ ૧૦૩૫.૫૦ ડોલરની ઇન્ટ્રાડે ઉંચાઈએથી સટ્ટોડિયાઓ જબ્બર નફો ખાઈ જતા ભાવ તૂટીને ૯૮૧ ડોલર બંધ થયો હતો. મારું માનવું છે કે સોના અને ચાંદી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરશે. મને લાગે છે કે સોના ચાંદીની તેજીને કેચ કરવાની પ્લેટીનમને અહીંથી ઘણી જગ્યા છે.     

કુશલ ઠાકર કહે છે કે કોઈએ એ ભૂલવું ન જોઈએ કે પ્લેટીનમને હજુ પણ ઇન્ડસ્ટ્રીયલ મેટલ ગણવામાં આવે છે. હાલમાં તે ચાલણી નાણાની સંજ્ઞામાં નથી બેસતી. અલબત્ત, તે જવેલરી માટે આજે પણ પ્રતિષ્ઠા ધારાવે છે, તેથી તેને પ્રેસિયસ મેટલનો દરજ્જો મળે છે. આથી તેને વાયા સોના અને ચાંદી સાથે પ્રેસિયસ મેટલ કોમ્પ્લેક્સમાં સ્થાન આપવામાં આવે છે. જો સોના ચાંદી સાથે આ રીતે એક કોમોડીટી તરીકે પ્લેટીનમની મુલવણી કરવામાં આવે તો તેમાં પણ તેજી અનિવાર્ય ગણાય.

રીતુ શાહ કહે છે કે, હું રોકાણકારોને એવી સલાહ આપીશ કે તેઓ જો સોના ચાંદીમાં ઉચા ભાવે દાખલ થવામાં ગભરાટ અનુભવતા હોય તો હજુ પ્લેટીનમ, સારો નફાકારક વિકલ્પ છે. અત્યાર સુધીમાં પ્લેટીનમ અને પેલેડીયમે બોટમ છોડી દીધી છે, પણ તે તેમની ઓલ ટાઈમ હાઇથી ખુબજ નીચે છે. ભાવનું વલણ જોતા કહી શકાય કે તેમાં તેજીનો કરંટ આવી ગયો છે, પણ તે ક્યારે સ્વીચ થશે, તે કહેવું મુશ્કેલ છે. એક દિવસ સમાચાર તેજીના તો બીજા દિવસે ભાવ તૂટવાના આવે છે. પણ બજારનું વલણ નક્કી થવા માટે જે તે સમયે તેનું પૃથ્કરણ કઈ રીતે કરવામાં આવે છે તેના પર આધારિત હોય છે.

૨૦૧૫મા જ્યારે એવું નિર્ધારિત થયું કે ડીઝલ કાર ગ્રીન ફ્યુઅલ નથી, ત્યારથી પ્લેટીનમે પેલેડીયમ સામેનો સંઘર્ષ ગુમાવી દીધો હતો અને પ્લેટીનમ મોટી મંદીમાં સારી પડી. ડીઝલ કારના ધુમાડીયામાં કોટિંગ કરવા પ્લેટીનમનો ઉપયોગ થાય છે. જ્યારે પેલેડીયમ પેટ્રોલ કારમાં પસંદ કરવામાં આવે છે. આથી પેલેડીયમનાં ભાવ ધુમાડે ગયા અને પ્લેટીનમ તળિયે બેઠી. આ બધું કઈ નાટ્યાત્મક રીતે નથી બન્યું, છેલ્લા એક દાયકામાં આ સૌથી નબળી ધાતુ પૂરવાર થઇ છે. અન્ય કોઈ ધાતુમાં ન જોવાયેલું વલણ, ૨૦૦૮માં તળિયેથી ઊંચકાઈને પ્લેટીનમે ૨૦૧૧મા ઓલ ટાઈમ હાઈ ૧૮૭૫ ડોલરની બનાવી હતી.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)