ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વાહનોના ધુમાડીયામાં વપરાતી ધાતુ પ્લેટિનમે બેવડી ઉપયોગિતા ધારણ કરી છે, અત્યારે તે મૂડીરોકાણનું સ્વર્ગ, ઉપરાંત કોમોડિટી તરીકે પ્રતિસ્થા પ્રાપ્ત કરીને નફાકારક કીમતી ધાતુ બની છે. એવું બને કે ૨૦૨૧માં પ્લેટિનમની અછત સંકડાઈ જાય. વર્લ્ડ પ્લેટિનમ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના તાજા અહેવાલમાં કહેવાયું છે કે ૨૦૨૧મા પ્લેટિનમની માંગ ૭૯ લાખ ઔંસ (પ્રત્યેક ૩૧.૧૦૩૪૭ ગ્રામ) સામે પુરવઠા ખાધ ૬૦,૦૦૦ ઔંસ રહેશે. પણ ઇલેક્ટ્રિક વહીકલની વધતી માંગ, લાંબાગાળે પ્લેટિનમ સામે નવા પડકારો ઊભા કરીને ભાવને નીચે જવા દબાણ સર્જશે.

પ્લેટિનમના વર્તમાન ભાવ ૧૨૩૧ ડોલર, ફેબ્રુઆરી ૨૦૧૫ પછીની ઊંચાઈએ ગયા છે, બરાબર એક વર્ષ અગાઉ ૧૯ માર્ચ ૨૦૨૦ ના રોજ ભાવ ૫૮૫ ડોલરના તળિયે હતા. કાઉન્સિલ કહે છે કે ૨૦૨૦માં કોરોના મહામારી વચ્ચે ઑટોમોબાઇલ બજારમાં મંદી આવી હતી, જ્વેલરી અને ઔધ્યોગિક માંગ ઘટી હતી, પણ સામે લગડી, સિક્કા અને ઇટીએફ સ્વરૂપે ઈનવેસ્ટમેન્ટ માંગ વર્ષાનુવર્ષ ૨૪ ટકા વધી હતી.

૨૦૨૦માં કોરોના મહામારીને લીધે ખાણો બંધ પડી હોવાથી સપ્લાયમાં ૨૦ ટકાનું ગાબડું પડ્યું હતું પરિણામે આ ડેફિસિટનો આંકડો ૧૦ લાખ ઔંસ હતો. તદુપરાંત, એન્ગ્લો અમેરિકન પ્લેટિનમ કનવર્ટર પ્લાન્ટ બંધ પડ્યો હતો, સાથે જ મેટલની રિસાયકલ પણ ઓછી આવી હતી. અલબત્ત, અહેવાલમાં એમ પણ કહેવાયું હતું કે દક્ષિણ આફ્રિકાની ખાણોને અપૂરતી વીજળી ઉપલબ્ધ કરાવતા સપ્લાય સામે જોખમ વધી ગયું હતું.


 

 

 

 

 

વધુમાં સોનાની તુલનાએ હવે પ્લેટિનમના ભાવ ૧.૫ ગણાય ઓછા રહ્યા છે. આ બે ધાતુની માંગ પુરવઠાની સ્થિતિ જોતાં આપણે એવી આશા રાખી શકીએ કે સોના કરતાં પ્લેટિનમના ભાવ ઊંચે જતાં રહેશે. વધુમાં પ્લેટિનમે હાલમાજ ૬ વર્ષની ઊંચાઈ પ્રાપ્ત કરી છે જયારે સોનાએ ગતવર્ષે ઓલટાઈમ હાઇ ભાવ જોયા હતા. પણ હવે સોનું ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે જ્યારે પ્લેટિનમ નવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે.

ગયા મહીંને પેલેડિયં અને રોહડિયમની તીવ્ર અછત સર્જાતાં, ભાવ આસમાને ગયા હતા. તેને પગલે દક્ષિણ આફ્રિકાની પ્લેટિનમ ખાણોને એક દાયકા પછી પહેલી વખત ભરપૂર નફો પ્રાપ્ત થયો હતો. પ્લેટિનમ ગ્રુપ મેટલના સૌથી વધુ વપરાશકાર ઓટો ઉધ્યોગમાં પેટ્રોલ અને ડીજલ કાર ઉત્પાદકો સામે પોલ્યુશન નિયંત્રણ બાબતે વ્યાપક અંકુશો લાદવામાં આવતા ઓટો-કેટેલિસ્ટ તરીકે પીજીએમ મેટલના વપરાશમાં વધારો થવાની સંભાવના છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલની માંગને લાંબી મજલ કાપવાની છે ત્યારે ખાણ ઉધ્યોગને મોટો લાભ થશે, પણ પીજીએમ મેટલનું લાંબાગાળાનું ભાવિ ઉજળું નથી. 
સીબાને સ્ટીલવોટર કંપનીના સીઇઑ કહે છે કે ઓટો ઉત્પાદકો વધુ મોંઘી થયેલી પેલેડિયમના વિકલ્પ તરીકે ડીજલ ઓટો ઉત્પાદકો ધુમાડીયામાં વૈકલ્પિક અને પ્રમાણમાં સસ્તી ધાતુ પ્લેટિનમનો ઉપયોગ વધારશે. આ જોતાં ૨૦૨૫ સુધીમાં પ્લેટિનમનો વપરાશ ૬૬ ટકા વધીને ૪૫ લાખ ઔંસ થશે. આથી કહી શકાય કે આગામી ૧૦ વર્ષ સુધી વપરાશનું આ વલણ જળવાઈ રહેશે. આ બધા વચ્ચે પ્લેટિનમ ખાણ કંપનીઓ, જે છેલ્લા એક દાયકાથી નવું ઇન્વેસ્ટમેન્ટ કરતાં નોહતા તેઓ માટે સારા દિવસો આવી લાગ્યા છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)