મેરાન્યૂઝ નેટવર્ક.કોલકાતા : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાન પર ટેસ્ટ સિરીઝની બીજી મેચ ભારતે એક ઇનિંગ અને 46 રનથી જીતી છે. ભારત એક ઇનિંગ્સના માર્જિનથી સતત ચાર મેચ જીતનાર પ્રથમ દેશ બન્યું છે. ટીમ ઇન્ડિયાએ તે સાથે જ સતત સાતમી ટેસ્ટ જીતી છે. પિંક બોલ અને પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ભારતે આ ઐતિહાસિક જીત મેળવી છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસ ભારતે બાંગ્લાદેશને માત્ર 195 રનમાં ઓલઆઉટ કર્યું છે. આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 106 રન પર સમેટાઈ હતી. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ 9 વિકેટે 347 રન બનાવી પહેલી ઇનિંગ ડિક્લેર કરી હતી.

મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશની બીજી ઈનિંગ માત્ર 195 રનમાં ઓલઆઉટ થઈ. આ સાથે ટીમ ઇન્ડિયા ઐતિહાસિક પિંક બોલ ડે-નાઇટ મેચ જીતી. બોલિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયા તરફથી ઇશાન્ત શર્મા અને ઉમેશ યાદવ સૌથી સફળ બોલર રહ્યા છે. ઇશાંતે બાંગ્લાદેશની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં 4 વિકેટ લીધી છે. ત્યાર બાદ ઉમેશ યાદવે પહેલી ઇનિંગમાં 3 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ પોતાના નામે કરી છે. મોહમ્મદ શામીએ પણ પહેલી ઇનિંગમાં બે વિકેટ લીધી હતી. 

ભારતીય બેટિંગની વાત કરીએ તો પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીએ 136 રનની કપ્તાની ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી. ઉપરાંત ચેતેશ્વર પુજારાએ 55 રન અને અજિંક્ય રહાણે 51 રન બનાવી અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા 21 રન બનાવી આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી એકમાત્ર મુશ્ફિકુર રહીમે સંઘર્ષ કર્યો. તે 74 રન બનાવીને આઉટ થયો. રહીમને ઉમેશ યાદવે રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવી આઉટ કર્યો છે.

આ મેચ જીતીને ભારતે સતત ચોથી ટેસ્ટ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી છે. અગાઉ 1992 અને 1993માં ટીમે સતત ત્રણ મેચ એક ઇનિંગ્સના માર્જિનથી જીતી હતી. કોહલીની કપ્તાનીમાં ટીમે રેકોર્ડ 11મી વાર એક ઇનિંગ્સના માર્જિનથી મેચ જીતી છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોની હેઠળ 9 વાર આ રીતે મેચ જીતી હતી.