મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામા હુમલા બાદ સર્જાયેલી તંગ સ્થિતિમાં ગત રોજ પાયલટ અભિનંદનની પાકિસ્તાને ધરપકડ કરી હતી. જે બાદથી જ પાયલટને છોડાવવા સોશ્યલ મીડિયાથી માંડી રાજકીય બેઠકોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી.
જે બાદ ભારતીય એરફોર્સના પાયલટ અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાન તૈયાર થઈ ગયું છે. જોકે, આ માટે પાકિસ્તાને ભારત સામે એક શરત રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ પાકિસ્તાની મીડિયાને નિવેદન આપતા કહ્યું કે હાલત સામાન્ય થશે તો તેઓ ભારતીય પાયલટને મુક્ત કરવા અંગે વિચારી શકે છે. શાહ મેહમૂદ કુરૈશીનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પાકિસ્તાને પોતાના સરહદી વિસ્તારમાં બે ભારતીય પ્લેનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુ સેનાના હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન એક સરકારી સૂત્રનું કહેવું છે કે, પાકિસ્તાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કાર્યવાહી કરી છે, એટલું જ નહીં ભારતીય પાટલટ અભિનંદનને બહુ ઝડપથી ભારત પરત મોકલવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ-એ-મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે બુધવારે આ ત્રણેય રાષ્ટ્રોએ જૈશને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવમાં કાશ્મીરના પુલવામા હુમલાનો હવાલો આપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે બુધવારે પાકિસ્તાનના વાયુસેનાના હુમલાનો જવાબ આપતી વખતે ભારતીય વાયુસેનાનું એક મિગ-21 ક્રેશ થઈને પાકિસ્તાનની સીમામાં પડ્યું હતું. આ વિમાનના પાયલટને પાકિસ્તાની સેનાએ પોતાની કસ્ટડીમાં લઈ લીધો હતો. પાકિસ્તાને પહેલા બે ભારતીય પાયલટની ધરપકડ કર્યાનો દાવો કર્યો હતો. જોકે, બાદમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે એક જ ભારતીય પાયલટ તેના કબજામાં છે.