મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં મોભા વાળી ગણાતી ત્રણથી ચાર જિલ્લામાં હુમક કરતી રેન્જ વડાની વિશાળ સત્તામાં આરઆર સેલ પર ચોક્કસ પ્રકારની પાબંધીઓ આવી તે પછી રાજ્ય પોલીસ વડા દ્વારા રેન્જ વડાની અને જિલ્લા વડાની ઈન્સ્પેક્ટર (પીઆઈ) અને પોલીસ સબ ઈન્સપેક્ટર (પીએસઆઈ)ની આંતરિક બદલીઓની સત્તા આંશિક રીતે છીનવાઈ છે.

ડીજીપી શિવાનંદ ઝા દ્વારા રેન્જ કક્ષાએ પીઆઈ અને પીઆઈની રેન્જ વડાઓ દ્વારા કરાતી આંતરિક બદલી ન કરવાની સૂચના આપવા સાથે જરૂરિયાતના સમયે ડીજીપી કચેરીની પૂર્વ મંજુરી લેવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં થયેલી પીટીશન સંદર્ભે બોમ્બે પોલીસ (ગુજરાત એમેડમેન્ટ) એક્ટ 2007માં સુધારો કરીને પીઆઈ પીએસઆઈ જિલ્લા ફેરબદલીની સત્તા પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ બોર્ડને આપવામાં આવી છે.

હવે રેન્જ વડાઓએ પીઆઈ-પીએસઆઈની બદલી કેમ કરવા માગે છે તેના કારણો સાથેની દરખાસ્ત ડીજીપી ઓફીસને કરવી પડશે. જે બાદ ડીજીપી ઓફીસની મંજુરી સાથે જ બદલી કરી શકાશે નહીં તો નહીં કરી શકાય. પીઆઈ-પીએસઆઈની સારી કામગીરી છતાં વારંવાર થતી બદલીઓ સંબંધક અધિકારીઓના મનોબળ પર અસર કરતી હોવાનું સામે આવ્યા પછી બે વર્ષથી ઓછા સમયમાં બદલી કરવાની થાય ત્યારે ડીજીપી ઓફીસને દરખાસ્ત કરવા તથા પીઆઈ-પીએસઆઈનું મહેકમ ખાલી હોવા છતં લીવી રિઝર્વમાં ઓર્ડર કરવાનો હુકમ કરવા સામે પણ ડીજીપીએ નારાજગી વ્યક્ત કરી છે. હાલમાં જ સુરત સહિત કેટલાક જિલ્લાઓમાં થયેલા હુકમો અંગેની બાબતો ગૃહમંત્રાલય સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ડીજીપીના આ ઓર્ડરથી રેન્જ કક્ષાના અધિકારીઓની સત્તા આડકતરી રીતે છીનવાઈ છે પરંતુ પીઆઈ-પીએસઆઈ કક્ષાએ આ ઓર્ડરને કારણે ખુશીની લહેર જોવા મળી છે.