ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકન નેચરલ ગેસ વાયદો તળિયું સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, પણ નબળી માંગ, કમર્સિયલ બોટમઆઉટ થવાની જગ્યા કરવા તૈયાર નથી, તેથી ભાવ પર દબાણ વધી રહ્યું છે. ભાવ સતત ચાર ટ્રેડીંગ સત્રમાં વધીને નાયમેકસ જુલાઈ વાયદો ૧.૭૭ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ સોમવારે બોલાયો હતો. શક્ય છે કે વર્તમાન સપ્તાહમાં ૧.૮૦ ડોલરનો રેસીસટન્સ પાર કરી જાય. એનાલીસ્ટ્સ કહે છે કે બજારમાં ઉભા ઓળિયા (ઓપન ઈન્ટરેસ્ટ) અને વોલ્યુમ બન્નેમાં વધારો થવાનો આશાવાદ ટૂંકાગાળામાં ભાવને નીચે જવાના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

પણ ન્યુયોર્ક સીએમઈ ગ્રુપનાં નેચરલ ગેસ બજારના ડેટા કહે છે કે છેલ્લા સતત ચાર સત્રમાં ઓપન ઇન્ટરેસ્ટ (ઉભા ઓળિયા) ઘટી ૧.૬૩ લાખ કોન્ટ્રેક્ટ થઇ ગયા હતા. આ જ ધોરણે વોલ્યુમ પણ ઘટીને ૫.૧૫ લાખ કોન્ટ્રેકટ રહ્યું હતું. એસએન્ડપી ગ્લોબલ પ્લાત્સ મુજબ હેન્રિ હબ અને અન્ય ફીઝીકલ અમેરિકન વાયદાના ફીઝીકલ ડીલીવરી સેન્ટરો પર બેન્ચમાર્ક હાજર ભાવ બે દાયકાના તળિયે તેમજ લિક્વિફાઇડ નેચરલ ગેસના ભાવ ૧૪ વર્ષની બોટમે જતા રહ્યા છે.

હેન્રિ હબ હાજર ૧.૩૮ ડોલર, કોલમ્બિયા ગલ્ફ મેઈન તૂટીને ૧.૨૮ ડોલર અને ટ્રાન્સકો ઝોન ચાર ૧.૩૬ ડોલર, આ બધાજ હાજર ભાવ ડીસેમ્બર ૧૯૯૮ પછીના તળિયે મુકાયા હતા. ભાવ આટલા બધા ઘટી ગયા તેની પાછળ મૂળ કારણ અમેરિકન એલએનજી માંગમાં ધરખમ ઘટાડો છે. ખાસ કરીને યુએસ ગલ્ફ કોસ્ટ પર નિકાસ ૧૪ મહિનામાં સૌથી ઓછી ડીલીવરી દૈનિક સરેરાસ ૩.૭૨ અબજ ક્યુબીક ફૂટ ધોરણે ઘટી હતી. આ અગાઉ મેમાં દૈનિક ૬.૭ અબજ ક્યુબીક ફૂટ અને એપ્રિલમાં ૮.૨૭ અબજ ક્યુબીક ફૂટ થઇ હતી.

ક્રુડ ઓઈલની ૪૦ ડોલર ઊંચા ભાવની રેન્જને પગલે ઉત્પાદકોએ ઉત્પાદન વધાર્યું તેનો અર્થ એ પણ થાય કે નેચરલ ગેસનું ઉત્પાદન પણ વધ્યું છે. આથી એક બાજુ લોક્ડાઉનખુલવા સાથે અર્થતંત્રો જીવંત બની રહ્યા છે, બીજી તરફ સપ્લાય સ્થિતિ મંદી તરફી બની રહી છે. તેજીવાળા ઈચ્છે છે કે ઉનાળો ગરમ થાય અને ભાવને ઉપર જવા જગ્યા મળે.     

(અસ્વીકાર સુચના: Commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)