મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વાવાઝોડા થી મોડાસા,ભિલોડા,મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક નુકશાન થવાની સાથે ૬૦ થી વધુ મકાનો અને તબેલાના પતરા ઉડી જતા લોકો બે ઘર બન્યા હતા ૫ પશુઓના મોત નિપજવાની સાથે ૧૦૦ થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતા ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો મોડાસા-રાજેન્દ્ર નગર હાઈવે પર ઝાડ આડા પડતા ૧૦ કિમી લાંબો ટ્રાફિક જામ થતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા જવાબદાર તંત્ર દ્વારા રોડ પર પડેલા ઝાડ હટાવવાની તાબડતોડ કામગીરીના અંતે ૩ કલાક પછી વાહન વ્યવહાર પૂર્વરત થયો હતો મોડાસામાં લઘુમતી વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા ભારે હાલાકી પડી હતી.

શુક્રવારે રાત્રીના સુમારે અરવલ્લી જીલ્લામાં ૪૫ કિમી ઝડપે પવન ફૂંકાતા શામળાજી, ટીંટોઈ, કુડોલ, ભીલ કુવા, સુનોખ, વાવકંપા, જીતપુર, બીટી કંપા, ઉમેદપુર, જાલીયા, બોલુન્દ્રા, ઈસરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તબાહી સર્જતા મકાનો અને તબેલાના શેડ ઉડતા વ્યાપક નુકશાન થતા લોકોની હાલત દયનિય બની છે. પવનની ઝડપના પગલે શેડના ભારેખમ પતરા ઉડી ઝાડ પર અને વીજતાર પર લટકેલા જોવા મળ્યા હતા બે વ્યક્તિઓ વાવાઝોડામાં ઈજાગ્રસ્ત બની હતી.

મોડાસા-રાજેન્દ્ર નગર અને મોડાસા-શામળાજી રાજ્યધોરીમાર્ગ પર મીની ચક્રવાત થી ઝાડ ઉખડી રોડ પર પડતા વાહનવ્યવહાર થંભી ગયો હતો ૨૦ થી વધુ નાના-મોટા વાહનો ઝાડ નીચે દબાતા વાહનોને ભારે નુકશાન થયું હતું. વીજપોલ ધરાશાયી થતા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮ કલાક થવા છતાં વીજપુરવઠો પૂર્વરત ન થતા રાત્રીના સુમારે અંધારપટ છવાયો હતો. શનિવારે સવારે લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

અચાનક બદલાયેલા વાતાવરણ અને વાવાઝોડા સાથે માવઠું થતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અચાનક આવેલા કમોસમી વરસાદે ઉભા પાકને નુકશાન પહોંચાડ્યું છે. મોડાસા પંથકમાં બાજરી અને મકાઈના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ઉભા પાકનો સોંથો વળી ગયો છે અરવલ્લી- સાબરકાંઠામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાના પગલે  તેજ પવનની સાથે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકવાની હવામાન ખાતાની સંભાવનાના પગલે ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ હતી.