મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ: ઘણી વખત સરકારી જાહેરાત અને વાસ્તવિકતા વચ્ચે એટલું અંતર હોય છે કે, આપણી નજર સમક્ષ જયારે આવી કોઈ વિરોધાભાસ દર્શાવતી હકીકત આવે ત્યારે સરકારી સિસ્ટમ ઉપર આપણને શરમ આવે છે. આવું જ કઈંક કચ્છ જિલ્લામાં આવેલા લખપત તાલુકા મથક દયાપરમાં થયું છે. જેમાં આરોગ્ય મથકની સાવ નજીક એક તરફ જ્યાં ગંદકીનો ગંજ ખડકાયેલો છે ત્યાં બીજીબાજુ એ જ ગંદકીના ઢગલા ઉપર સરકારનું ડિજિટલ ક્રાંતિ અંગેનું જાહેરાતનું મોટું બોર્ડ જોવા મળે છે.

લખપત તાલુકાનું મુખ્ય મથક એવા દયાપર ગામે, જયાં આજુબાજુના 30-35 ગામડાનાં લોકો આવતા હોય છે. આ વિસ્તારોમાં જ પ્રાથમિક સુવિધાઓ ના હોય તો પછી ગામડાઓની હાલત વિશે શું વિચારવું એ સમજવું મુશ્કેલ છે. દયાપર ગામના મુખ્ય વિસ્તાર કે જે જગ્યા પર તાલુકાની મુખ્ય આરોગ્ય હોસ્પિટલ હોય તેની બિલકુલ નજીકમાં જ એક સરકારની જાહેરાતનું પોસ્ટર હાસ્યનું કેન્દ્ર બન્યું છે.

એક તરફ સરકાર પ્રજાને નીત નવા સપના બતાવી રહી છે તો બીજી તરફ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. દયાપરના મુખ્ય વિસ્તાર કે, જે જગ્યા પર સરકારી કચેરીઓ તેમજ રહેણાંક વિસ્તારમાં ડીઝીટલ ક્રાંતિનું પોસ્ટર લગાડવામાં આવ્યું છે, તેની બિલકુલ નીચે રોગ ઉછેર કેન્દ્ર હોય હોય એવું તસ્વીરમાં પ્રતીત થઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી હતી તેનું પણ હવે લાગે છે કે અહીં બાળમરણ થવા પામ્યું છે. દયાપર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સદસ્યને આ ડિઝિટલ ક્રાંતિ લાવવમાં રસ હોય એ સારી વાત છે, પરંતુ સાથે સાથે સ્વચ્છતા અંગેનો પણ ખ્યાલ રાખવો એટલો જ જરૂરી છે.