મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલા યુદ્ધનો લાભ ભારતીય ગ્રાહકોને મળી રહ્યો છે. સતત સાતમા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ 6 દિવસમાં 2.9 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં લિટર દીઠ 2.33 રૂપિયા ઘટાડો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે પેટ્રોલનો ભાવ 2.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 2.33 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટ્યા છે. રિપોર્ટ પ્રમાણે બુધવારે અમદાવાદ ખાતે પેટ્રોલ રૂ.67.84 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ.65.94 રૂપિયા પ્રતિ લીટર સુધી બોલાઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થતા લોકોએ થોડો હાશકારો અનુભવ્યો છે.

દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર એક રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી, સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે તેલ કિંમતના યુદ્ધને કારણે સોમવારે આંતરરાષ્ટ્રીય વાયદાના બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 31 ટકાનો ઘટાડો થયો હતો.

આનાથી ભારતને આર્થિક ફાયદો થઈ શકે છે, કારણ કે આપણો દેશ પેટ્રોલિયમ ઇંધણની આયાત પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. ભારત તેની જરૂરિયાતના 84 ટકા કરતા વધારે તેલની આયાત કરે છે. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો દેશના આયાત બિલને ઘટાડશે અને છૂટક કિંમતોમાં પણ ઘટાડો કરશે. જો કે ઓએનજીસી જેવી કંપનીની હાલત ખરાબ થઈ જશે જે પહેલાથી દબાણમાં છે.

વિવિધ ક્ષેત્ર માટે ખર્ચમાં ઘટાડો થવાને કારણે દેશની અર્થવ્યવસ્થાને થોડો ટેકો મળશે. આનાથી ઘણા વિસ્તારો માટે કાચા માલની કિંમત ઓછી થશે. બુધવારે જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી પ્રાઈસ નોટિફિકેશન મુજબ સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 70.20 રૂપિયા પર પહોંચી ગઈ છે.

કાચા તેલના ભાવમાં એક ડૉલરના ઘટાડાથી ભારતનું આયાત બિલ 2,963 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એવી જ રીતે ડૉલરની સામે રૂપિયાની કિંમતમાં એક રૂપિયે પ્રતિ ડૉલરનો ફેરફાર આવવાથી ભારતનું આયાત બિલ 2,729 કરોડ રૂપિયાનું અંતર પડે છે.