મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઓઈલની કિંમતોમાં ઘટાડો થવાને કારણે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો રવિવારે પણ સતત ચોથા દિવસે જોવા મળ્યો હતો. દિલ્હીમાં અંદાજે બે સપ્તાહ બાદ પેટ્રોલ 74 રૂપિયા લીટરથી ઓછા ભાવમાં મળવા લાગ્યું છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.83 રૂપિયા અને ડીઝલનો ભાવ 67.03 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ઓઈલ કંપનીઓએ દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં રવિવારે 12થી 16 પૈસા પ્રતિ લિટર ઘટાડ્યા છે.

સતત ચાર દિવસની કાપ બાદ દિલ્હીમાં પેટ્રોલ 72 પૈસા સસ્તું થયું છે અને ડીઝલનો ભાવ પણ 46 પૈસા પ્રતિ લીટર ઘટ્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ઘટાડીને ક્રમશઃ 73.89 રૂપિયા, 76.53 રૂપિયા, 79.50 રૂપિયા અને 76.74 રૂપિયા પ્રતિ લીટર કરાયો છે. સાથે જ ડીઝલનો ભાવ પ્રતિ લીટર ક્રમશઃ રૂ. 67.03, રૂ. 69.39, રૂ. 70.27 અને રૂ. 71.81 થયો છે. આ શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ચાર દિવસ પહેલા 80થી માંડીને 74 રૂપિયા સુધીનો હતો અને ડીઝલનો ભાવ 67થી માંડી 71 રૂપિયા પ્રતિ લીટરનો હતો.