મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતભરના લોકો રેમડેસિવિર ઈન્જેક્શન માટે છેલ્લા ઘણા સમયથી લાઈનોમાં ઊભા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનનું સુરતમાં મફત વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેને લઈને તેમની વિરુદ્ધ અન અધિકૃત રીતે રેમડેસિવિર ઈન્જેક્શન્સની ખરીદી અને ગેરકાયદે વિતરણ મામલાની રીટ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પિટિશન ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા દાખલ કરવામાં આવી છે.

સુરતમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ દ્વારા 5000 ઈન્જેક્શન્સની મફત વિતરણની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ આ મામલો વિવાદે ચઢ્યો હતો. આ કારણે રુપાણી અને પાટીલ વચ્ચેનો આંતરિક ખટરાગ પણ લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જ્યાં હાઈકોર્ટે પોતે કોરોના મહામારીને લઈને સુઓમોટો પીઆઈએલ પર સુનાવણી હાથ ધરી છે ત્યાં રેમડેસિવિર ઈન્જેક્શન્સ પણ લોકોને પેરાસિટામોલ દવાની જેમ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કેમ નથી તેવો સવાલ કર્યો હતો. હવે આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ સામે હાઈકોર્ટમાં રીટ થાય તે ઘણા માટે ચોંકાવનારું પણ હતું.


 

 

 

 

 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, હાલ રાજ્યની સ્થિતિ ખુબ જ નાજુક છે, સામાન્ય માણસને એક ઈન્જેક્શનો માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે તેમ છતાં મળી રહ્યા નથી. તો પછી ભાજપના કાર્યાલય પરથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રેમડેસિવિર ઈન્જેક્શન કેવી રીતે લાવ્યા? 5000 ઈન્જેક્શનો ભાજપ કાર્યાલયમાંથી જરૂરિયાતમંદોને કેવી રીતે મળી રહ્યા છે? રેમડેશિવિર ઇન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા બદલ આ પીટિશન દાખલ થઈ છે.