સુબ્હાન સૈય્યદ (મેરાન્યૂઝ.અમદાવાદ): લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે અને તેમાં અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલાં શ્રમિકો, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને પોતાના વતન જવાની છૂટ મળી છે. કેન્દ્ર સરકારે જ્યારે આ જાહેરાત કરી ત્યારે તેનું આયોજન સઘન રીતે થયું છે અને તે પ્રમાણે પરપ્રાંતિય શ્રમિક વર્ગ થોડી પ્રક્રિયાથી વતન પાછા ફરી શકશે તેવી હૈયાધારણા આપી હતી, પણ જેમ લોકડાઉન છતાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે અને જે દાવાઓ થતાં હતાં તે પ્રમાણે આયોજન દેખાઈ રહ્યું નથી, તેવું જ કંઈક શ્રમિક વર્ગને પાછા વતન જવાને લઈને પણ થયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને આદેશ કરવામાં આવ્યો હતો કે શ્રમિકવર્ગને વતન પાછા લઈ જવા માટે રાજ્યો એક કમિટિ બનાવે. આ કમિટિનું કાર્ય નોડલ ઓફિસરના ઇનપુટના આધારે થાય. આ પૂરી કામગીરી પર દેખરેખ માટે આઈએએસ અને આઈપીએસની અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. આ પૂરી પ્રક્રિયામાં જિલ્લા સ્તરે પ્રાંત અધિકારી, મામલદાર અને વિસ્તાર પ્રમાણે સર્કલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ રીતે પરપ્રાંતિઓને પોતાના વતન મોકલવાનો રોડમેપ ઘડવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

આ જાહેરાત થતાં જ દરેક વિસ્તારમાંથી અન્ય રાજ્યોના શ્રમિક વર્ગ પ્રક્રિયા માટે દોડ્યા અને જે-તે વિસ્તારના સામાજિક કાર્યકરો પાસે જઈ પહોંચ્યા. સામાજિક કાર્યકરો દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે અને તેમના નામ, સરનામાં નોંધીને તેઓની યાદી જે-તે અધિકારીઓને મોકલવા માંડ્યા છે. પરંતુ અહીંયા કેટલાંક અધિકારીઓ પૂરી જવાબદારીમાંથી છટકવા માંગતા હોય તેમ ફોન ઉપાડી રહ્યા નથી. કેટલાંક અધિકારી જાહેર થયેલો ફોન નંબર સ્વિચ ઓફ કરી દીધો છે અને ઘણાં કિસ્સામાં સામાજિક કાર્યકર્તાઓના નંબરને અધિકારીઓએ વ્હોટ્સ-અપમાં બ્લોક કરી દીધા છે.

અત્યાર સુધી રાજ્ય-કેન્દ્ર સરકાર પોતાની કોરોના સામેની લડતની તૈયારી સારી છે તેવું કહેતી રહી. કેસ મર્યાદિત હતા ત્યાં સુધી આયોજનમાં ક્યાંય ખામી ન દર્શાઈ, પણ હવે જેમ-જેમ કેસ વધી રહ્યાં છે તેમ આયોજનમાં કેટલી મોટી ખામી રહી છે તેવું બધા જોઈ શકે છે.