મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: હડાળાના સુરેશભાઇ પટેલની વાડીમાં ખેત મજૂરી કરતો આદિવાસી પરિવાર પખવાડિયાથી ગુમ થયો છે. જેમાં બે બાળકો સાથે દંપતિ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા છતાં પરિવારની ભાળ ન મળતા આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત ધારાસભ્યએ રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને રજૂઆત કરી આ પરિવારને તાત્કાલિક શોધી કાઢવાની માંગ કરી છે.

મૂળ છોટાઉદેપુરના બેડિયા ગામના અને છેલ્લા 2 વર્ષથી હડાળા ગામના સુરેશભાઇ પટેલની વાડીમાં રહેતો અને ત્યાં જ ખેતમજૂરી કરતો પરિવાર ગત તા.24-11ના રોજ અચાનક લાપતા બન્યો હતો. શૈલેષ પારશીગ રાઠવા તેની પત્ની સંગીતા, પુત્ર યુવરાજ, પુત્રી ચંદ્રિકાની શોધખોળ કરવા છતાં પતો લાગ્યો નહોતો. જેને લઈને કુવાડવા પોલીસ મથકમાં આ અંગેની જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પખવાડિયાથી લાપતા થયેલા પરિવારની ભાળ ન મળતાં આદિવાસી સમાજના અગ્રણીઆેએ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને લેખિતમાં રજૂઆત કરી હતી.