મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ લોકડાઉનનો સહારો લઇ રહ્યા છે મોડાસા શહેર સહીત જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા રોકેટ ગતિએ વધવાની સાથે સતત લોકો ટપોટપ મોતને ભેટતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોડાસા,બાયડ, ધનસુરા અને ભિલોડા સહીત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા ૭ થી ૧૦ દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉનની વેપારીઓ,ધંધાર્થીઓ અને વિવિધ વેપારી મંડળો દ્વારા બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જીલ્લા પુરવઠા તંત્રએ પણ કોરોનાના સંક્રમણ ખાળવા ૧૦ દિવસ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો બંધ રાખવાની જાહેરાત કરી છે જીલ્લામાં માર્કેટયાર્ડના વેપારીઓએ પણ ૭ થી ૩ દિવસ ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ યથાવત રહેશે.

મોડાસા શહેરમાં  કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મંગળવાર સાંજથી  સાત દિવસ માટે સ્વંયભુ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.તેમજ બાયડમાં ૨૨ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી અને ધનસુરામાં બુધવાર થી ૧૦ દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ભિલોડામાં પણ તમામ બજારો સાંજે ૪ વાગ્યા પછી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્વૈચ્છીક લોકડાઉનની અમલવારી કરી રહ્યા છે.

મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા કોરોનાનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે તમામ સ્થળોએ ભારે ભીડ ઉમટતી હોવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ પણ નહિ જાળવતા વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ સ્થાનીક પ્રશાસન તંત્ર સાથે બેઠક યોજી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરી કોરોનાની ચેન તોડવા માટે અને લોકોની સુખાકારી માટે નિર્ણય લેવામાં આવ્યો છે.