પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): પુલવામા હુમલો પછી આખો દેશ નારાજ થઈ ગયો હતો, તેની નારાજગીમાં તેમનો ગુસ્સો પણ હતો, કીડી મકોડાની જેમ આપણા જવાનોને મારી નાખતા આંતકીઓ સામે લડાયક બનવુ જોઈએ તેવો તેમનો સુર હતો. આવુ જ થવું જોઈએ તેમાં કોઈ બે મત નથી, પણ દેશનો એક મોટો હિસ્સો પાકિસ્તાન સાથે યુધ્ધ કરોની બુમો પાડી રહ્યો હતો, યુધ્ધ કરો તેવું બોલવું જેટલુ સરળ છે એટલું યુધ્ધ સરળ નથી. આપણે અને વિશ્વએ યુધ્ધની  ભયાનકતા જોઈ છે. જે પરિવારોએ યુધ્ધમાં પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમને તો એક વખત પુછો કે યુધ્ધ કેટલુ પીડાદાયક હોય છે. પુલાવામા હુમલા પછી આપણા  ફાઈટર પ્લેન એલઓસી ક્રોસ કરી પાકિસ્તામાં ઘુસી ગયા હતા  જેમાં પાઈલોટ અભિનંદન પકડાઈ ગયો હતો, આ જ દિવસે આપણું એક હેલીકોપ્ટર પણ ક્રેસ થયું જેમાં બે પાઈલોટ માર્યા ગયા હતા, પાકિસ્તાન દાવો કરે છે આ હેલીકોપ્ટર તેમણે તોડી પાડયું હતું.

ખેર કોણે હેલીકોપ્ટર તોડયું તે ગૌણ બાબત છે, પણ હેલીકોપ્ટરના પાઈલોટની પત્નીએ કહ્યું યુધ્ધ ક્યારેય ઉકેલ હોઈ શકે નહીં, તેણે કહ્યું મને મારા પતિની મૃત્યુની પીડા સમજાય છે છતાં કહું છું કે યુધ્ધ કરશો નહીં. યુધ્ધ કરોની બુમો પાડતા મોટા ભાગના લોકો શહેરી હતા જેઓ સરહદથી કિલોમીટરો દુર રહે છે. યુધ્ધ જીંદગીને કેટલી બરબાદ કરે છે તે માત્ર સૈન્યને જ નહીં પણ સરહદી વિસ્તારના ગામોમાં રહેતા કોઈ ગામડાના માણસોને પુછો તો સમજાશે કે યુધ્ધ કરવુ જોઈએ કે નહીં, જેઓ સરહદને અડીને રહે છે તેમનો જીવ કાયમ તાળવે ચોટી રહે છે. યુધ્ધના નગારા વાગતા તેઓ પોતાના ઘર અને સંપત્તી છોડી જીવ બચાવવા ભાગી છુટે છે. જેમને યુધ્ધમાં સીધી રીતે કઈ ગુમાવવાનું નથી તેવા જ લોકો યુધ્ધ કરો હિમાયત કરતા હોય છે, જેમ ભારતમાં સારા લોકો રહે છે તેવા જ સારા લોકો પાકિસ્તાનમાં પણ રહે છે. પુલાવામાં હુમલા પછી પાકિસ્તાનમાં પણ સેકડો લોકો રસ્તા ઉપર મીણબત્તી લઈ ઉતરી પડયા હતા અને તેમણે પુલાવામા હુમલાની નિંદા કરી હતી, પરંતુ આપણુ મીડિયા તે આપણને બતાડતુ નથી તેના સમાચારો પણ આપતુ નથી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને પણ બહુ સુચક વાત કહી હતી, જો તમે ઈમરાનખાનના સારા પગલાની વાત ભારતમાં કરો તો તમારી ઉપર દેશ વિરોધીનો થપ્પો વાગી જવાનો ભય સતત રહે છે. જેમ ભારતમાં યુધ્ધ કરોના નારા લાગી રહ્યા હતા તેવી જ સ્થિતિ પાકિસ્તાનમાં પણ હતી. ભારતીય વાયુ સેનાએ એરસ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાનમાં પણ ઈમારનખાન વિરૂધ્ધ દેખાવ થયા હતા અને શરમ કરો-શરમ કરોના નારા લાગ્યા હતા કરો. પાકિસ્તાનમાં પણ પાગલોનું એક મોટુ ટોળુ યુધ્ધ કરો તેવી માગણી કરી રહ્યું હતું. ત્યારે ઈમરાનખાને બહુ સુચક નિવેદન કર્યું કે, જો યુધ્ધ થયુ તો મારા (ઈમરાનખાન) અને નરેન્દ્ર મોદીના હાથમાં તેનું નિયંત્રણ રહેશે નહીં, યુધ્ધની કિંમત એક પેઢી ચુકવતી નથી, પણ ત્રણ-ચાર પેઢીઓ યુધ્ધની ભરપાઈ કરવી પડે છે. યુધ્ધ કરનાર પ્રત્યેક દેશ એક દસકો પાછળ જતો રહે છે.

એર સ્ટ્રાઈક પછી ગેલમાં આવી ગયેલા ભારતીય અને મીડિયા હાઉસીસના મનમાં આવે તેવુ તમામ નિયમો બાજુ ઉપર મુકી બેફામ નિવેદનો કરતા હતા, પણ આ વખતે જેમનો પુત્ર, પતિ, ભાઈ, બહેન, પત્ની અને પુત્રી સેનામાં હતા તેમના પરિવારને જોઈ પુછો કે, આ વખતે તમારી માનસીક સ્થિતિ કેવી હતી. જેમના પરિવારના સભ્યો સેનામાં છે તેમને  યુધ્ધ શબ્દ ઉનાળાની ગરમીમાં પણ ધ્રુજાવી નાખે છે. કારણ તેમનું સ્વજન સરહદ ઉપર છે અને તેમને ડર લાગે છે કે જો યુધ્ધ થશે તો તેમનું સ્વજન ઘરે પાછું આવશે કે નહીં, જોકે સ્વજનને મળેલી દેશ સેવાની કામગીરીનો ગર્વ પણ હોય છે પણ આ ભયની ભાવના પણ તેમના મનમાં ઊભી થાય છે.

ગુજરાતની એક મહિલાએ જેનો પતિ સેનામાં ફરજ બજાવે છે. તેને  ટીવીમાં આવી રહેલા સમાચાર જોઈ એટલો ડર લાગ્યો કે તેણે આત્મહત્યા કરી લીધી હતી. આપણે પાકિસ્તાન સામે બેફામ બોલી રહ્યા હતા ત્યારે કલ્પના કરો કે અભિનંદનના પરિવારની કેવી સ્થિતિ હશે, કારણ તેમનો પતિ-પુત્ર અને પિતા પાકિસ્તાનની કસ્ટડીમાં હતો, આમ જેમને કઈ ગુમાવવાનું જ નથી તેવા જ લોકો યુધ્ધના નાગરા વગાડી રહ્યા છે.