પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ઊંઝા): એક તરફ દેશમાં નવા નાગરિક સંસોધન કાયદાના કારણે તંગદીલીનો માહોલ છે અને રસ્તાઓ પર ટોળાઓ હિંસાનો આસરો લઈ રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના ઊંઝા ખાતે થઈ રહેલા માઁ ઉમિયાના લક્ષચંડી યજ્ઞમાં ઉત્તર ગુજરાતના મુસ્લિમોએ જે પગલું ભર્યું છે તે ચોક્કસ જ ગુજરાતની શાંતિને યથાવત રાખવાનો પ્રયત્ન કરશે.

એનસીઆર અને સીએએના કાયદાના કારણે જ્યારે સમગ્ર દેશમાં એક બીજા પર આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ઊંઝાના માઁ ઉમિયાના શરણે થઈ રહેલા લક્ષચંડી યજ્ઞમાં વિશ્વભરના પાટીદારો ઊંઝા આવી રહ્યા છે તેમની સેવા કરવાનું બીડું ઊંઝાના મુસ્લીમ હોટલ માલીકોએ ઝડપ્યું છે.

ઊંઝાથી દસ કિલોમિટર દૂર આવેલી જાણિતી મીરા દાતાર દરગાહના ચેરમેન વારીસ અલી સૈયદ જેમની પોતાની પણ નજીકમાં એક હોટલ આવેલી છે. તેમણે આસપાસની 32 હોટલ માલીકોની એક મીટિંગ બોલાવી હતી. તેમણે આ મીટિંગમાં મુસ્લિમ હોટલ માલીકોને અપીલ કરી હતી કે, જ્યારે માઁ ઉમિયાનો યજ્ઞ થઈ રહ્યો છે અને લાખો શ્રદ્ધાળુઓ ઊંઝા આવી રહ્યા છે ત્યારે આપણે પણ આ મહાયજ્ઞના હિસ્સેદાર બનવું જોઈએ.

વારીસ અલી સૈયદની વાત તમામ હોટલ માલીકોએ વધાવી લીધી અને તેઓ સામુહીક રીતે ઉમિયા ટ્રસ્ટના ટ્રસ્ટિઓને મળવા ગયા હતા. તેમણે તેમની સામે પ્રસ્તાવ મુક્યો કે આસપાસના વિસ્તારમાં આવેલી 32 હોટલ્સ અમે શ્રદ્ધાળુઓ, પોલીસ અને ફરજ પરના સરકારી કર્મચારીઓ માટે ખુલ્લી મુકી દઈશું. અહીં દર્શને આવનાર શ્રદ્ધાળુઓને રહેવા, જમવા, સહિત ચા-પાણીની તમામ વ્યવસ્થા આ હોટેલ્સમાં વિના મુલ્યે કરવામાં આવશે. ઉમિયા ટ્રસ્ટે પણ મુસલમાનોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

હાલમાં ચાલી રહેલા લક્ષચંડી યજ્ઞમાં આવી રહેલા શ્રદ્ધાળુઓની સેવાની તક પોતાને મળે તે માટે હોટલ માલીકો અને તેમના સ્વજનો પણ હોટલ નજીક મુખ્ય રસ્તા પર ઊભા રહી યાત્રાળુઓને પોતાને ત્યાં આવકારે છે. મિરા દાતાર ટ્રસ્ટના ચેરમેન વારીસ અલી સૈયદે જણાવ્યું કે, અમે ભૂતકાળમાં પણ માઁ ઉમિયાની સેવા કરવાની તક ઝડપી હતી. મિરા દાતાર દરગાહ પર આવનાર શ્રદ્ધાળુઓ પૈકી 70 ટકા શ્રદ્ધાળુઓ હિન્દુ હોય છે તો ત્યારે અમે પણ માઁ ઉમિયાની સેવાનો હિસ્સો બનીએ તે અમારા માટે આનંદની વાત છે. મિરા દાતાર અને ઉમિયા મંદિર વચ્ચે સામ્યતા એ છે કે, આ બંને ધાર્મીક સ્થળોની આસપાસ દિવાલ બનાવવાનું કામ ગાયકવાડ સરકારે કરેલું છે. હવે અમને આનંદ છે કે અમે આ મહાયજ્ઞનો હિસ્સો બની શક્યા છીએ.