મેરાન્યૂઝ નેટવર્ક.પાટણઃ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી પોલીસકર્મીઓ ગ્રેડ પેના વધારાને લઈને સોસીયલ મીડિયા મારફતે મુહિમ ચલાવી રહ્યા હતા. આ મુહિમ હવે આંદોલન તરફ વળી રહી હોય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગઈ કાલે સોમવારે અમદાવાદમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી હાર્દિક પંડ્યાએ વિધાનસભા આગળ ધરણા ઉપર બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જે બાદ તેની અટકાયત કરવામાં આવી હતી અને રરાતે તેને છોડી દેવામાં પણ આવ્યો હતો. તેવી જ રીતે આજે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી નિલમે અન્ન-જળ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ આ મહિલા પોલીસકર્મીની પણ અટકાયત થયાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર નિલમની અટકાયતાના સમાચાર ખોટા છે.

આ આંદોલન ધીએ ધીમે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માગણીઓને લઈને અલગ અલગ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. પાટણમાં પણ પોલીસ કર્મચારીઓના પરિવારજનો થાળી વગાડતા રોડ પર નીકળ્યા હોવાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ પરિવારની મહિલાઓ થાળી વગાડતા વગાડતા પાટણમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ગ્રેડ પેમા વધારો માગી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે 2019થી અમારી આ લડાઈ ચાલી રહી છે પરંતુ મહામારીને ધ્યાનમાં રાખતા અમે અમારી ચળવળને ધીમી રાખી હતી પરંતુ હવે મોંઘવારીને ધ્યાનમાં રાખતા આટલા ઓછા પગાર ધોરણે અમારું ઘર ચાલતું નથી જેના કારણે અમારો ગ્રેડ પે વધારવામાં આવે. સરકારના ત્રીજા વર્ગના કર્મચારી પ્રમાણે કૉન્સ્ટેબલને 28 હજાર, હેડ કૉન્સ્ટેબલને 36 હજાર અને એએસઆઈને 42 હજારનો પગાર, માસિક 20 રૂપિયા સાઇકલ ઍલાઉન્સ વધારીને 500 રૂપિયા, પોલીસ કૉન્સ્ટેબલને વીકલી-ઑફ અને જો ઇમર્જન્સીમાં વીકલી-ઑફ ન મળે તો 1000 રૂપિયાનું ભથ્થું તેમજ ડ્રેસ અને શૂઝ ઍલાઉન્સમાં વધારો થાય એ અમારી માગો છે.