મેરાન્યૂઝ નેટવર્ક.પાટણઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્નીથી છૂપાઈને પાટણ આવવાનું થયું છે, આવું ખુદ હર્ષ સંઘવી એ જ જણાવ્યું છે. સિદ્ધપુરની પોતાની એક મહામ્યતા છે. અહીં માતૃવંદના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી છે. પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ કાર્યક્રમ આયોજીત કરાયો છે. જે દરમિયાન હર્ષ સંઘવી થોડા મજાક મસ્તીના મુડમાં જોવા મળ્યા હતા.

Advertisement


 

 

 

 

 

પાટણના સિદ્ધપુરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે મારી પણ તમારા જેવી હાલત છે, પાટણ જઈએ તો ઘરેથી પટોળું લાવજો કહે છે, મારે પણ પત્નીથી છૂપાઈ છુપાઈને પાટણ આવ્યો છું. પત્નીને ખબર પડે તો માટે પટોળું લઈ જવું પડે. તેમની આ વાતથી લોકોમાં એક હાસ્ય છૂટી નિકળ્યું હતું. તેમણે માતૃવંદના કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. હર્ષ સંઘવીએ આ ઉપરાંત કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટણ જીલ્લાના માતૃતર્પણના એક માત્ર સ્થળ તથા રાણકી વાવ અને પાટણના પટોળાને ઉજાગર કરવા જે પ્રયત્નો કર્યા તે આજે સફળ બન્યા છે આજે વિશ્વમાં લોકો તેને ઓળખતા થયા છે. આ કાર્યક્રમમાં પાટણી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાટણના પટોળા આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેની માગ પણ ઘણી છે. આશરે 900 વર્ષ જુની આ કલાના જાણકાર અહીં એક જ પરિવાર છે જે 30 પેઢીથી આ ધંધામાં છે. પટોળા બનાવવાની પ્રક્રિયા થોડી મુશ્કેલ પણ છે તેને બહુ બારીક કામની જરૂર હોય છે એક દોરો પણ ખરાબ થાય તો આખી સાડીનું નુકસાન આવે છે. કહેવાય છે કે, કુમારપાળ રાજાએ 900 વર્ષ પહેલાં 700 સાલવી પરિવારોને પાટણ લાવી પટોળા બનાવવાની શરૂવાત કરાવી હતી. પટોળું બનાવવામાં ચાર વ્યક્તિ સાથે કામ કરે તો પણ છ મહિના જેટલો સમય સારુ પટોળું તૈયાર કરવામાં થઈ જાય છે. આ પટોળા મોંઘા હોય છે જેની કિંમત સવા લાખથી માંડીને પાંચ લાખ કે તેનાથી પણ વધુ હોય છે. આ પટોળા ઓર્ડર પર જ તૈયાર થતા હોય છે. ગુજરાતનાં ચલચિત્ર નામાંકિત લેખક અવિનાશ વ્યાસ દવારા પટોળા પર ગીત પણ લખવામાં આવ્યું હતું. છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો.