પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.પાટણ): દૂધ સાગર  ડેરીમાં ફરજ બજાવતી યુવતી કોઈ અગમ્ય કારણસર પાટણ ટ્રેનમાંથી ઉતર્યા બાદ પાટણ રેલવે સ્ટેશન ઉપ ઝેર પી લીધુ હતું અને ત્યાર બાદ તે તેવી જ સ્થિતિમાં ઘરે પહોંચતા  બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પાટણ બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો પરંતુ મામલો રેલવેની હદમાં હોવાને કારણે આગળની તપાસ રેલવે પોલીસને સુપ્રત કરવામાં આવી છે, સુત્રોની જાણકારી પ્રમાણે રાજ્ય મંત્રી મંડળના સભ્ય રહી ચુકેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાને કારણે યુવતીએ જીવનનો અંત આણવાનો પ્રયત્ન કર્યો હતો.

દૂધ સાગર ડેરીમાં ફરજ બજાવતી વણીક યુવતી ઘણા દિવસથી કોંગ્રેસના એક નેતાને કારણે પરેશાન હતી. કોંગ્રેસના આ નેતા અગાઉ તમામ રાજકીય પાર્ટીના સભ્ય રહી ચુકેલા છે, તેમજ મંત્રી મંડળમાં ગૃહ વિભાગનો હવાલો પણ સંભાળતા હતા. આ નેતા સામે ભ્રષ્ટાચારની પણ અગાઉ થયેલી ફરિયાદ હાલમાં પડતર છે ત્યારે યુવતીના આત્મહત્યાના પ્રયાસને  કારણે નેતાની મુશ્કેલી વધી શકે છે. યુવતીના પિતાએ પાટણ પોલીસમાં આપેલી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે જો કે યુવતી હાલમાં હોસ્પિટલમાં બેભાન હોવાને કારણે પોલીસ તેનું નિવેદન નોંધી શકી નથી.

પાટણ પોલીસે આ બનાવની વધુ તપાસ રેલવે પોલીસને સુપ્રત કરી છે, જો કે મોટા નેતાના સંડોવણી હોવાને કારણે રેલવે પોલીસના કોઈ પણ અધિકારીઓ આ મામલે  કોઈ ફોડ પાડતા નથી.