રવિ ખખ્‍ખર (મેરાન્યૂઝ.વેરાવળ):વેરાવળની સરકારી કોવીડ હોસ્‍પીટલમાં બે માસ પૂર્વે ફરજ બજાવી રહેલ ખાનગી તબીબ પર સારવાર દરમ્‍યાન મૃત પામેલ દર્દીના પરીવારજનોએ હુમલો કરી હોસ્‍પી.માં તોડફોડ કર્યાની ઘટનાના એક આરોપીની પાસા હેઠળ ફરી ઘરપકડ કરી જેલ હવાલે કરેલ છે. કોરોના મહામારીના કહેર વચ્‍ચે કોરોના વોરીયર્સ એવા તબીબો અને નર્સીગ સ્‍ટાફ પર હુમલો કરનાર આરોપી સામે સૌરાષ્‍ટ્રમાં પ્રથમ વેરાવળ પોલીસે પાસાની કડક કાયદાકીય કાર્યવાહી સાથે જેલહવાલે કરી સમાજ સમક્ષ દાખલો બેસાડયો છે.

કોરોનાના કહેર વચ્‍ચે જાનના જોખમે સેવા કરતા તબીબ અને નર્સીગ સ્‍ટાફ પર થઇ રહેલા હુમલા વચ્‍ચે રાજય સરકારે હુમલાખોર તત્‍વો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. જેની ગીર સોમનાથના તંત્રએ અમલવારી કરી સમાજમાં દાખલો બેસાડયો છે. જેની વિગત આપતા સીટી પીઆઇ ડી.ડી.પરમારએ જણાવેલ કે, વેરાવળમાં કાર્યરત સરકારી કોવીડ હોસ્‍પીટલમાં બે માસ પૂર્વે રાત્રીના સમયે સારવારમાં રહેલ એક દર્દીનું મૃત્‍યુ નિપજેલ હતું. જેનું મનદુ:ખ રાતી મૃતકના પરીવારજનોએ હોસ્‍પીટલની લોબીમાં ફરજ પરના તબીબ ઉપર હુમલો કરી મારમારી તોડફોડ કરી સરકારી મિલ્કતને નુકસાન તથા તબીબની ફરજમાં રૂકાવટ કર્યાની ઘટના બની હતી.


 

 

 

 

જે અંગે કેન્‍દ્ર તથા રાજય સરકારના નોટીફીકેશન મુજબ એપીડેમીક એકટ, જીલ્‍લા મેજી.ના જાહેરનામાનો ભંગ, એન.ડી.પી.સી. તથા આઇપીસીની કલમો હેઠળ ગુનો નોંઘી આરોપીઓની ઘરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના આરોપી મહમદ સોહીલ રફીક સીરાજ રહે. અજમેરી કોલોની-પ્રભાસપાટણવાળો જામીન પર મુકત થયેલ હતો. જેની સામે ગણતરીના દિવસોમાં પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠી મારફતે જીલ્‍લા કલેકટર અજયપ્રકાશને મોકલવામાં આવેલ હતી. જેને રાજય સરકારની ગાઇડલાઇન મુજબ જીલ્‍લા કલેકટરએ ત્‍વરીત મંજુર કરી હતી.

જેના પગલે સીટી પોલીસના સર્વેલન્‍સ સ્‍ટાફના પીએસઆઇ એચ.બી.મુસાર, નટુભા બસીયા, દેવદાનભાઇ, સુનીલભાઇ, મયુર મેપાભાઇ, ગીરશ મુળાભાઇ, કમલેશ અરજણભાઇ, અશોક હમીરભાઇ, પ્રવિણ હમીરભાઇ, અંકુર ભગવાનભાઇ સહિતના સ્‍ટાફએ આરોપી મહમદ સોહીલ રફીક સીરાજ રહે.અજમેરી કોલોની-પ્રભાસપાટણવાળોની પાસા હેઠળ ઘરપકડ કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલવા તજવીજ હાથ ધરેલ છે.

અત્રે નોંઘનીય છે કે, કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ એેવા તબીબ-નર્સીગ સ્‍ટાફ પર હુમલા કરતા અસામાજીક તત્‍વો સામે કડક કાર્યવાહી કરવાના રાજય સરકારના આદેશનું ગીર સોમનાથ કલેકટર અને જીલ્‍લા પોલીસ વિભાગએ ત્‍વરીત અમલ કરી સૌરાષ્‍ટ્રમાં કોરોના વોરીયર્સ તબીબ પર હુમલાના આરોપી સામે ત્‍વરીત પાસાની કડક કાર્યવાહી કરી સુરક્ષતિ સમાજનો સામાજીક સંદેશો પહોચાડયો છે.