મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: પારૂલ યુનિવર્સિટીના સ્થાપક અને પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલનું 72 વર્ષની વયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે 10:30 વાગ્યે મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ પોતાની જ કોલેજની એક વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં આરોપી હતો અને વડોદરા જેલમાં હતો.

વડોદરા જેલમાં જયેશ પટેલની તબિયત લથડતા છેલ્લા 10 દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આઈકેડી (કિડની હોસ્પિટલ) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જયેશ પટેલને લિવર સોરાયસિસની પણ તકલીફ હતી અને તેના માટે પણ તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર જયેશ પટેલના અંતિમ સંસ્કાર પારૂલ યુનિવર્સિટીના કેમ્પસમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ડો. જયેશ પટેલે 1992માં પ્રથમ હોમિયોપેથીક કોલેજ અમદાવાદમાં શરૂ કરી હતી. 1996માં રાજકોટમાં હોમિયોપેથીક કોલેજ શરૂ કરી હતી. 2002માં વડોદરા નજીક વાઘોડિયાના લીમડા ખાતે એન્જિયરિંગ અને હોમિયોપેથીક કોલેજ શરૂ કરી હતી. ત્યારબાદ તેને 2015માં પારૂલ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી વાઘોડિયા બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં જયેશ પટેલનો પરાજય થયો હતો.