કિરણ કાપુરે (લોકડાઉન વિશેષ : ભાગ - 6): 1942ના વર્ષમાં ‘ભારત છોડો’ આંદોલન બાદ અંગ્રેજ સરકારે સરદાર, નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને આઝાદ સહિત અગ્રણી નેતાઓને મહારાષ્ટ્રમાં આવેલાં અહમદનગરના કિલ્લામાં કેદ કર્યા હતા. આ કિલ્લાનું ઐતિહાસિક મૂલ્ય વધ્યું તે આ આગેવાનોનાં અહીંના લાંબા ગાળા સુધી કેદના કારણે. આ તમામ આગેવાનો અહીં સાથે રહ્યાં, તેમણે આ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃત્તિ વિશે રાજમોહન ગાંધીએ ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તે નીચે પ્રમાણે છે :

સન 1943ના પૂર્વાર્ધમાં અહમદનગર જિલ્લાના કલેક્ટર દર અઠવાડિયે કેદીઓના વાડાની મુલાકાતે આવતા. વલ્લભભાઈએ પોતાના ઓરડાની બહાર જાળી પર ચમેલીની વેલ ચડાવવા માટે ઉઠાવેલી જહેમત તેમને યાદ રહી ગઈ. આ વેલ માટે કેદીઓના વાડામાં ઘણી ચર્ચા થયેલી. સીતારામૈયા પટ્ટાભિ નોંધે છે. 

સરદારે પોતાના રવેશની બહાર વાદળી રંગના ફૂલ ઉગાડ્યાં છે. સવારથી સાંજ સુધી આ વાદળી રંગનાં ફૂલ થોડાં કેસરી ફૂલો જોડે મળીને એવાં સુંદર દેખાય છે કે આપણને સ્વર્ગની શોભા યાદ આવી જાય. ગુલાબનાં બે સુંદર કૂંડાઓ વચ્ચે સરદારે વેલીની કમાન બનાવી હતી. સરદારને પોતાનાં ફૂલઝાડો માટે બહુ ગૌરવ હતું અને આ વિસ્તારને તેમણે શકુંતલા કુંજ એવું નામ આપ્યું હતું.

પણ બધા કેદીઓમાં શ્રેષ્ઠ માળી તો જવાહરલાલ હતા. જે. બી. કૃપાલાણીએ નોંધ્યું છે તેમ ‘ઘાસનું તણખલું પણ ન હતું તેવા ઉજ્જડ અને ખરાબ કમ્પાઉન્ડને’ પલટી નાંખીને તેમાં ‘આનંદ અને સૌંદર્ય ફેલાવનાર બગીચો’ બનાવવનો મુખ્ય યશ જવાહરલાલને મળવો જોઈએ. પટ્ટાભિએ કહ્યું છે તેમ ‘ધોમ ધખતા તાપમાં માથે ટોપો પહેરીને અને વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરીને જવાહરલાલ સતત ખોદાણ કરતા, બી વાવતા, સાફસફાઈ કરતા, ડાળીઓ કાપતા, પાણી પાતા અને નકામું ઘાસ કાઢી નાખતા.’ આ કામમાં વલ્લભભાઈ તેમને મદદ કરતા, ક્યારા બનાવતા, વેલાઓને સાચવતા અને બીજાઓને પણ કામે લગાડતા. એચ. કે. મહેતાબે લખ્યું છે કે, ‘ક્યારેક વલ્લભભાઈ મને થોડાં ઝાડને પાણી પાવાના કામે વળગાડી દેતા.’ જવાહરલાલે ડાયરીમાં આશ્ચર્યપૂર્વક નોંધ્યું છે કે વલ્લભભાઈ ‘બગીચામાં બરાબર રસ લે છે અને તેમની જાણકારી પણ ઘણી છે.’

ચરખો કાંતવામાં સરદાર અનિયમિત હતા. કૃપાલાણી, પટ્ટાભિ, પ્રફુલ્લ ઘોષ અને શંકરરાવ દેવ આ ચાર બરાબર નિયમિત કાંતનાર હતા. દેવને આખી ગીતા મોઢે હતી, અને રોજ આખી બોલી જતા. બ્રિજની રમતમાં સરદાર સૌથી આગળ હતા. મહેતાબે તેમને ‘બ્રિજના ઝમકદાર ખેલાડી’ ગણાવ્યા છે. 

[‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’માંથી]