હું પ્રશાંત દયાળ: ભાગ-46: હું વડોદરા જવા એસટી બસમાં નિકળ્યો ત્યારે મન બહુ વ્યાકુળ અને દુખી હતું. ખબર નહીં પણ મન ઉપર એક ભાર હતો અને પરાણે હું જઈ રહ્યો હોઉ તેવુ મને લાગી રહ્યુ હતું. મારી પાસે નોકરી ન્હોતી અને પાંચ મહિના પગાર વગર રહ્યો હોવાને કારણે મને સ્થિતિ ખરાબ છે તેનો અંદાજ આવી ગયો હતો. જેના કારણે હવે મારે દિવ્ય ભાસ્કરની વડોદરાની નોકરી કરવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. હું સાંજે વડોદરા પહોંચ્યો તે પહેલા વડોદરાના તંત્રી અને મારા મિત્ર સ્તવન દેસાઈને હું હાજર થવા આવી રહ્યો છું તેની કદાચ જાણકારી મળી ગઈ હશે તેવુ હું માનતો હતો. વડોદરાના અમિતનગર સર્કલ ઉપર ભાસ્કરની ઓફિસ હતી. હું બસમાંથી ઉતરી ઓફિસમાં પહોંચ્યો હતો ત્યાર મને સૌથી પહેલા મળવા માટે ઉર્વીશ પટેલ આવ્યો હતો. એકદમ નવો પત્રકાર હતો, તેણે થોડા સમય માટે અમદાવાદ કામ કર્યુ હોવાને કારણે તે મારા પરિચયમાં હતો, તેણે મને બહુ ઉમળકાથી આવકાર આપ્યો. હું સ્તવનને મળવા તેની ચેમ્બરમાં ગયો. મેં તેને વાત કરી કે હવે મારે વડોદરા એડિશનમાં કામ કરવાનું છે. તેણે મને આશ્ચર્ય વ્યક્ત કરતા કર્યુ અને તેના કહેવા પ્રમાણે તેને અમદાવાદ ઓફિસથી કોઈ સુચના મળી નથી. મને પણ આશ્ચર્ય થયુ કે અમદાવાદ ઓફિસે મને વડોદરા હાજર થવાનું કહ્યુ પણ અહિંયા તો કોઈને ખબર ન્હોતી. મેં બહાર આવી એચઆર મેનેજર રાહુલ ખીમાણીને ફોન કર્યો. તે ફોન ઉપર ગલ્લા તલ્લા કરવા લાગ્યા. મને બહુ વિચિત્ર લાગ્યુ કે તેમણે મને કહ્યુ કે સ્ટેટ એડિટર અવનીશ જૈન સાથે વાત કરૂ છું. થોડીવાર પછી તેમનો મને ફોન આવ્યો કે વડોદરા વાત થઈ ગઈ છે.  હું ફરી સ્તવનને મળવા માટે ગયો, તેણે મને કહ્યુ હા અવનીશ જૈનનો ફોન આવી ગયો છે. ત્યાર બાદ તેણે સ્થાનિક એચઆર મેનેજરને બોલાવી મને હાજર કરવા કહ્યુ અને કહ્યુ કે સવાર સાંજ પ્રશાંતની હાજરી લેવાની રહેશે.

મને આશ્ચર્ય પણ થયું અને ખરાબ પણ લાગ્યુ કે સ્તવન મારો મિત્ર હતો પણ તે જાણે મેનેજમેન્ટ વતી મારી સાથે વ્યવહાર કરતો હોય તેવો તેનો વ્યવહાર હતો. તેના વ્યવહારમાં તે અમદાવાદ રિપોર્ટીંગ કરતો તેવી લાગણી ન્હોતી, તે મને પ્રશાંતભાઈ કહીને જ વાત કરતો હતો છતાં તે તંત્રી અને હું રિપોર્ટર છું તેવો અહેસાસ અપાવતો હતો. તમામ ઓફિસમાં રિપોર્ટર્સ માટે કોઈપણ એક વખત કાર્ડ પંચ કરી હાજરી પુરવાની સુચના હતી પણ એકલા મારા માટે જ બે વખત કાર્ડ પંચ કરવાના હતા.  મેં સ્તવનને કહ્યુ મારે બે ત્રણ દિવસ અમદાવાદ અપડાઉન કરવુ પડશે. તેણે કહ્યુ તમારા ઘરની વ્યવસ્થા જલદી કરજો, તમે અપડાઉન કરો છો તેવી અમદાવાદ ખબર પડશે તો મને ઠપકો મળશે. મેં હા પાડી, તે દિવસે હું ત્યાં રિપોર્ટર જન્મેજય, મનિષ પંડ્યા, સમીર જાની, સંજય શાહ, ધીરજ ઠાકર, વિપુલ પંડ્યા વગેરેને મળ્યો. આ ઉપરાંત ફોટોગ્રાફર ભરત પારેખ, રણજીણ સુર્વે, પ્રણય શાહ અને વિપુલ માનેને પણ મળ્યો. ઘણા મિત્રો નવા હતા, ઘણાને હું પહેલા મળ્યો હતો. હજી મારે નવા ચહેરાઓ અને નવા મિત્રો સાથે પરિચય થવાનો હતો. જો કે આ નવા મિત્રો પ્રેમાળ હતા તેના કારણે સારૂ થશે તેવુ હું મારી જાતને કહી રહ્યો હતો. બે-ત્રણ દિવસ અપડાઉન કરી હું મારી બુલેટ મોટરસાયકલ ઉપર વડોદરા આવી ગયો કારણ હવે મારે વડોદરામાં રિપોર્ટીંગ માટે વાહનની જરૂર પડવાની હતી. હજી ઘરની વ્યવસ્થા થઈ ન્હોતી એટલે વડોદરા સરકીટ હાઉસમાં એક અઠવાડીયું રહેવાનો નિર્ણય કર્યો હતો.

આ દરમિયાન અમદાવાદના મારા એક મિત્ર જયેશ શાહને ખબર પડી કે મારી બદલી વડોદરા થઈ છે. તેમણે મને ફોન કરી કહ્યુ પ્રશાંત મારા મામા-મામી વડોદરા રહે છે અને  નિવૃત્ત છે, તેમને પૈસાની પણ જરૂર છે. તેમના ઘરની ઉપર એક રૂમ છે તે તમને ભાડે આપી શકે અને તેમને પણ મદદ મળી શકે. મારા માટે આ વાત ઉત્તમ હતી. હું તેમનું ઘર જોવા ગયો, તે પણ હરણી-વારસીયા રોડ ઉપર ભાસ્કરની ઓફિસની પાસે જ હતું. એક સુંદર વૃધ્ધ દંપત્તી હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં તેમનો વિશ્વાસ હતો. હું તેમને મળ્યો. તેમણે મને એક નાનકડો રૂમ બતાડ્યો. એક પલંગ હતો અને એક ટેબલ ખુરશી હતા. એટેચ ટોયલેટ, બાથરૂમ હતા. મારા માટે ઉત્તમ વ્યવસ્થા હતી. તેમણે કહ્યુ પીવાનું પાણી અમે ભરી આપીશુ અને સવારની ચ્હા અમારે ત્યાં પીજો. મેં હા પડી અને હું મારા નવા સરનામા ઉપર રહેવા આવી ગયો. હું પણ તેમને મામા-મામી તરીકે સંબોધતો હતો. તેમણે મને કહ્યુ કે સારૂ થયુ તમે રહેવા આવ્યા, અમને કોઈ ભરોસોવાળો માણસ રહે તેવી ઈચ્છા હતી. કોઈ દારૂ પીનારી વ્યક્તિ આવી જાય તો અમને પસંદ પડે નહીં. આ વાક્ય સાંભળી મેં મારી જાતને સાવચેત કરી. હવે મારે તેમનું મન રાખવા પણ હું દારૂ પીવુ છું તે વાત ખાનગી રાખવાની હતી. મારા માટે વડોદરાનું રિપોર્ટીંગ નવું હતું. વડોદરા મારૂ મોસાળ હતું પણ હવે મારી નવી કર્મભુમી હતી. હું વડોદરા આવ્યો છું તેવી ખબર મળતા આઈપીએસ અધિકારી મનોજ શશીધરનો મને ફોન આવ્યો. તેમણે મને કહ્યુ તમે જે મુદ્દે લડાઈ લડ્યા તેની મને ખબર છે. તમારી હિંમત અને તમારા પ્રયત્નને સલામ કરુ છું. તમે વડોદરામાં કોઈ ચિંતા કરતા નહીં હું ત્યા મારા પરિચિત પોલીસ ઈન્સપેક્ટર છે પ્રદિપસિંહ જાડેજા, તેમને કહી રાખુ છું તમે તેમને મળી લેજો.  તેવી જ રીતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર અને મિત્ર રાજેન્દ્રસિંહ સરવૈયા અને ભાવેશ રોઝીયાએ પણ વડોદરાના તેમના પોલીસ અધિકારીઓને મને સહાય કરવાનું કહ્યુ હતુ. હું વડોદરાની ભુગોળથી અપરિચીત હતો, માટે રોજ ચાલતો વડોદરાના રસ્તા ઉપર નિકળી પડતો હતો. રોજના આઠ દસ કિલોમીટર ચાલી નાખતો હતો.

ઈન્સપેક્ટર પ્રદિપસિંહને મળ્યો. તે મઝાના માણસ હતા. તેવી રીતે પોલીસ ઈન્સપેક્ટર વિક્રમસિંહ રાઠોડને પણ મળ્યો. એકદમ પોલીસ અધિકારી તરીકે શોભે તેવો તેમને વ્યવહાર હતો. વિક્રમસિંહને ખબર હતી કે હું એકલો જ વડોદરા રહુ છું એટલે જો હું બપોરના સુમારે તેમની ઓફિસમાં પહોંચુ તો તેમના ટિફિનમાં જ મને જમાડી દેતા હતા. આ પ્રકારનો એક જુદો જ અનુભવ હતો. હું પરિવારથી દુર હતો પણ મારી સંભાળ લેનાર અનેક મિત્રો હતા. જન્મેજય પણ આગ્રહ કરી તેના ઘરે મને જમવા લઈ જતો હતો. અમદાવાદમાં લારી ઉપર સરસ જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા ત્યાં ન્હોતી. વડોદરામાં સેવઉસળ-પાવની ઠેર ઠેર લારીઓ હતી. હવે મારે સેવઉસળ અને પાંવ ખાવાની ટેવ પાડવાની હતી. વડોદરા શહેર અમદાવાદની સરખામણીમાં વહેલુ સુઈ જનારૂ શહેર હતું. મારી નોકરી પુરી કરી મારે ક્યાં જવું તે પ્રશ્ન હતો કારણ ઘરે જઈને પણ કોઈ કામ ન્હોતુ અને હું જ્યાં ભાડે રહેતો ત્યાં ટીવી પણ ન્હોતુ એટલે કોઈ કામ નહીં હોવાને કારણે હું ઓફિસમાં જ મોડે સુધી બેસી રહેતો હતો. કેટલાક જય મિશ્રા જેવા મિત્રો પણ વડોદરામાં એકલા રહેતા હતા. તેમના ટિફિન આવતા તેમાંથી રાતના જમવાની વ્યવસ્થા થઈ જતી હતી. સોમથી શનિવાર હું વડોદરા રોકતો અને શનિવારની રાત્રે બસ પકડી પરિવારને મળવા અમદાવાદ માટે નિકળી જતો હતો. બસ અમદાવાદ તરફ દોડતી ત્યારે બહુ સારુ લાગતુ હતું.

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.