હું પ્રશાંત દયાળ:ભાગ-44: કેસ લડવા માટે મેં ફિ ચુકવી દીધી હતી. જ્યારે મારા સાથીઓએ મને ફિ અંગે પુછ્યુ ત્યારે મેં તેમને જે બન્યુ તે હકિકત કહી દીધી હતી. તેમણે મને કહ્યુ કે તેઓ પોતાના ભાગે આવતી ફિ ની રકમ મને આપી દેશે. આ દરમિયાન ભાસ્કરનું મેનેજમેન્ટ સતત મિટિંગ્સ કરી રહ્યુ હતું. મિટિંગ્સમાં હું એકલો ક્યારેય જતો નહીં, મારી સાથે તમામ મિટિંગ્સમાં મારા સાથી રિપોર્ટર્સ અને તેજસ મહેતા રહેતા હતા. સમય અપેક્ષા કરતા વધુ નિકળી રહ્યો હતો. હજી કોર્ટમાં પિટિશન એડમિશન સ્ટેજમાં જ હતી. ભાસ્કર દ્વારા પણ મોટા વકીલો રોકવામાં આવ્યા હતા. અમારી કોઈ પાસે નોકરી પણ ન્હોતી અને પગાર પણ બંધ થઈ ગયો હતો. પ્રશ્નનો આજે નિવેડો આવશે, આવતીકાલે આવશે તેમ કરતા કરતા એક મહિનો, બે મહિના, ત્રણ મહિના થઈ ગયા હતા. હવે મનમાં નિરાશા પણ ઘર કરવા લાગી હતી. આખો દિવસ મિત્રો સાથે ગુજરાત હાઈકોર્ટ સામે આવેલી ચ્હાની કીટલી ઉપર બેસી રહેતો હતો, સાંજે કંટાળી ત્યાંથી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની કીટલી ઉપર જતો હતો પણ સાત વાગે એટલે બધા પોતાની નોકરી ઉપર જતા રહેતા હતા. મારા માટે પ્રશ્ન હતો કે હું ક્યાં જઈશ? આ દરમિયાન મારા એક મિત્ર જેમને પત્રકારત્વ સાથે કોઈ નિસ્બત ન્હોતી પણ અનાયસે તેમની સાથે મિત્રતા થઈ ગઈ હતી તેવા તુષાર પટેલનો મોટો માનસિક આધાર હતો. તે મને કહેતા કે ચિંતા કરતા નહીં આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડીશુ, ફિ ની વ્યવસ્થા પણ હું કરી દઈશ. નિરાશા વચ્ચે આ પ્રકારના મિત્રો આગળની લડાઈ માટે હિંમત આપી જતા હતા. મારી ટેવ પ્રમાણે હું બે મહિના ઘર ચાલે એટલી બચત તો કાયમ રાખતો કારણ અચાનક નોકરી જતી રહે તેવી સ્થિતિમાં પરિવારને કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં. પણ હવે નોકરી તો હતી પણ પગાર બંધ થઈ ગયો અને બચત પણ ખલાસ થઈ ગઈ હતી.

આ કેસમાં મને માનસિક આધાર આપનાર બીજા મિત્રો પણ ઘણા હતા, તેઓ પણ મને કહેતા કે કંઈ જરૂર હોય તો કહેજો પણ મારે જરૂર છે તેવી કહેવાની મારી હિમંત થતી ન્હોતી. સાંજે ઘરે પહોંચુ એટલે મારી પત્ની અને દિકરો પુછતાં કંઈ થયું? તેમને પણ થતુ હતું કે હવે પાછી નોકરી શરૂ થઈ જાય તો સારૂ. હું પણ તેવા જ પ્રયત્નમાં હતો પણ ભાસ્કરનું મેનેજમેન્ટ મારા સાથીઓને કંઈ પણ આપ્યા વગર સમાધાન કરવા માગતુ હતું. મિટિંગ્સ ઉપર મિટિંગ્સ થાય પણ પરિણામ આવે નહીં, તેના કારણે હું એકલો જ નિરાશ થતો હતો તેવુ ન્હોતુ મારા સાથીઓ પણ નિરાશ થતાં હતા કારણ બધાની આર્થિક અને માનસિક સ્થિતિ સરખી હતી. એક વખત મિટિંગમાં ભાસ્કરના લીગલ એડવાઈઝર સચીન ગુપ્તાએ બહુ અપમાનજનક ભાષામાં વાત કરી. હું તરત ત્યાંથી ઉભો થઈ ગયો. અમે હોટલની બહાર આવ્યા. મારા એક રિપોર્ટર મિત્રએ મને કહ્યુ મને લાગે છે કે તમે જ સમાધાન થાય તેવુ ઈચ્છતા નથી. મને બહુ ખરાબ લાગ્યું પણ તેમા તેનો વાંક ન્હોતો, સ્થિતિને કારણે તે ટેન્શનમાં હતો. આવી ઘણી બધી ગેરસમજો અમારી વચ્ચે પણ થતી હતી પણ હું તેમની ગેરસમજ દુર કરી દેતો હતો. આ આખા પ્રકરણમાં સમાધાન થાય તો પણ મને એક રૂપિયો મળવાનો ન્હોતો કારણ મારે લેવાના જ નિકળતા ન્હોતા છતાં જેમને એરીયર્સ લેવાનું નિકળતુ હતું તેમની ધીરજ ખુટી રહી હતી. કદાચ આ ભાસ્કર મેનેજમેન્ટની પણ ઈચ્છા હતી કે અમે થાકીને સમાધાન કરવા તૈયાર થઈ જઈએ.  

આ દરમિયાન એક વખત મારી મારા સાથી રિપોર્ટર મૃગાંક પટેલ સાથે મુલાકાત થઈ ગઈ, તે મને મળી ખુબ રડ્યો હતો, તે મારી સાથે ઉભો ના રહ્યો તેના કરતા તે જે રીતે ખસી ગયો તેનું મને દુખ હતું. મૃગાંક સહિત અન્ય મિત્રોનું પણ મને માઠું લાગ્યુ હતું પણ મૃગાંકને હું મારો ગણતો હતો જેના કારણે તેનું દુખ મને વધારે હતું. મૃગાંકે મને  તે દિવસે રડતાં  રડતાં કહ્યુ હતું કે હું તમારી સાથે બહાર નિકળતો તો તમારે મારૂ પણ ઘર ચલાવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થતી. મને ત્યારે મૃગાંકની વાત સાચી લાગી ન્હોતી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને અમારી માનસિક અને આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી ત્યારે મને મૃગાંક યાદ આવ્યો અને તે વાત સાચી હોય તેવુ લાગ્યુ હતું. ત્યારે મને લાગ્યુ કે હું જેમની ઉપર લડાઈમાંથી ખસી જવા માટે નારાજ અથવા દુખી હતો કદાચ તેઓ બહાર નિકળતી જતા તો તેમનું ઘર પણ કેવી રીતે ચાલતું? લડાઈમાંથી ખસી જનારા મોટા ભાગના રિપોર્ટર્સ ઘરમાં કમાનારી એક જ વ્યક્તિ હતી. સારૂ થયુ મારી સાથે દુખી થવા માટે મોટું ટોળું ન્હોતુ. બીજી તરફ તેવો પણ વિચાર આવતો હતો કે જો સંખ્યા મોટી હોત તો કદાચ ભાસ્કર મેનેજમેન્ટ જલદી સમાધાન કરી લેતુ. મારી સાથે કચ્છનો જયેશ શાહ હતો, તેને ઘરમાં પત્ની અને એક દિકરો હતા, તેનો પણ પગાર બંધ થઈ ગયો હતો, તેને પણ ઘર કેવી રીતે ચલાવવું તેની સમસ્યા હતી, તે ફોન કરી રડતો હતો પણ કેસ ક્યારે પુરો થશે તેની મને જ ખબર ન્હોતી તો આશ્વાસન કેવી રીતે આપુ? હું પણ અંદરથી તુટી હતો પણ હું લીડર હોવાને કારણે હું કોઈને કહી શકતો ન્હોતો કે થાકી ગયો છું. મારે બધાની સામે એક યોદ્ધાની જ ભાષા બોલવાની હતી. હું મરાઠી પરિવારમાં જન્મ્યો છું, અમારે ત્યાં એક માન્યતા છે કે તમારૂ કોઈ કામ અટકી જાય તો ઘરના મંદિરમાં ગણેશજીની મુર્તિ હોય તેને પાણીમાં ડુબાડો અને ગણેશજીને કહો કે જો મારૂ કામ કરીશ તો જ તને પાણીમાંથી કાઢીશ. આ પરંપરા પ્રમાણે મારી પત્ની શીવાનીએ ઘરના મંદિરમાં રહેલી ચાંદીની ગણેશજીની મુર્તિ પાણીમાં ડુબાડી અને ગણેશજીને કહ્યુ મારા પતિનું કામ થશે તો જ તને બહાર કાઢીશ. મારા ઘરમાં ગણેશજી દિવસો સુધી પાણી રહ્યા પણ કોર્ટમાં મુદતો ઉપર મુદતો પડતી હતી. ઉતાવળ અમને હતી પણ કોર્ટને ક્યાં ખબર હતી કે અમારો પગાર બંધ થઈ ગયો છે. કોર્ટમાં મુદત હોય ત્યારે ઘરેથી કહીને નિકળતો હતો કે હાઈકોર્ટ જઈ રહ્યો છું અને સાંજે ઘરે પહોંચુ ત્યારે તે મારી સામે એવી નજરે જોતી કે હું તેને જવાબ આપતો નહીં પણ તે સમજી જતી હતી. મેં એક દિવસ તેની સાથે મારૂ ટેન્શન દુર કરવા માટે કહ્યુ કે તારા ગણપતિને પાણીમાંથી બહાર કાઢ બિચારાને ન્યુમોનીયા થઈ જશે. તેણે ગણપતિને પાણીની બહાર કાઢ્યા અને તે પણ હસી પડી હતી. આખી સ્થિતિ બહુ અનિર્ણાયક હતી. કઈ દિશામાં વાત જશે અને શું પરિણામ આવશે તેની ખબર ન્હોતી. ભાસ્કર મેનેજમેન્ટે એક દિવસ અમને મિટિંગમાં કહી દીધુ કે તમે અમારી વાત માનવા જ તૈયાર નથી. જાવ, હવે આપણે કોઈ વાત કરવી જ નથી, જે થાય તે કોર્ટમાં જ નક્કી કરીશું. ભાસ્કર મેનેજમેન્ટના આ નિર્ણય પછી પહેલી મુદત હતી અને હાઈકોર્ટ જસ્ટીશ પરેશ ઉપાધ્યાયે કહ્યુ કે...

 (ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.