હું પ્રશાંત દયાળ:ભાગ-43: એડવોકેટ ગીરીશ પટેલ હવે અમારો કેસ લડવાના હતા. મારી જીંદગીમાં મેં વ્યક્તિગત કારણસર કોઈ કેસ કર્યો હોય તેવી પહેલી ઘટના હતા. ગીરીશ પટેલ કેસ ફાઈલ કરવાની તૈયારી કરતા હતા. હજી મારે ગીરીશ પટેલ સાથે ફિ અંગે વાત કરવાની બાકી હતી. દરમિયાન મને એક ફોન આવ્યો હતો જે દૈનિક ભાસ્કરના તંત્રી ઓમ ગૌડનો હતો. તેમણે મને કહ્યું હું અમદાવાદ આવ્યો છું મારે તમને મળવુ છે. મને તેઓ કેમ મળવા માગે છે તેના કારણની ખબર ન્હોતી પરંતુ હું ભોપાલમાં દર મહિને ભાસ્કરની મિટિંગમાં જતો હોવાને કારણ મને ઓમ ગૌડનો પરિચય હતો. તેઓ એસજી હાઈવેની એક હોટલમાં રોકાયા હતા. મને વિચાર આવ્યો કે હું એકલો મળવા જઈશ તો તેઓ મારા માટે કંઈ પણ ખોટો પ્રચાર કરી શકે છે એટલે મેં મારી સાથે તેજસ મહેતાને લઈ લીધો. અમે બંને ઓમ ગૌડને મળવા ગયા. ત્યાં ગયા પછી ખબર પડી કે ઓમ ગૌડ સાથે ભાસ્કરના લીગલ એડવાઈઝર સચીન ગુપ્તા પણ આવ્યા હતા. ગૌડ અને ગુપ્તાએ પહેલા અમારી પાસે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર શુ બન્યુ હતું. અમે તેમને પહેલા દિવસથી છેલ્લાં દિવસ સુધીનો ઘટનાક્રમ કહ્યો. અમે માની રહ્યા હતા કે મેનેજમેન્ટ કોઈ રસ્તો કાઢવા માગે છે પણ તે અમારો ભ્રમ હતો. એકાદ કલાક પછી તેઓ મુળ વાત ઉપર આવ્યા. તેમણે અમને કહ્યુ કે ચાલો આપણે અહિયા વાતનો અંત લાવીએ. તમે બધા ઓફિસ પાછો ફરો અને મેનેજમેન્ટ ઈચ્છે છે કે તમે બધા લેબર એક્ટ પ્રમાણેના કાગળ ઉપર સહી કરી આપો. કંપનીને અમારા કરતા વધુ કાગળ ઉપર સહીની વધુ જરૂર હતી. અમારી સહી કેટલી કિંમતી છે તેની અમને ખબર ન્હોતી પણ મેનેજમેન્ટ જાણતુ હતું કે અમારી સાથેની લડાઈ તેમને કેટલામાં પડી શકે છે. અમારે અમારી નોકરી ગુમાવવા કરતાં વધુ કંઇ ગુમાવવાનું ન્હોતુ પણ આ લડાઈ કંપનીને કરોડોમાં પડવાની હતી. અમે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કરવાના હતા. હજી અમારી પિટિશન ડ્રાફ્ટ થઈ રહી હતી, જેના કારણે તે હાઈકોર્ટ સુધી પહોંચી ન્હોતી. 

મેં વચલો રસ્તો કાઢતા કહ્યુ ચાલો મારા સાથીઓ મજેઠીયાની માગણી કરતા નથી પણ તમે પણ તેમની પાસે સહી કરાવાની અપેક્ષા રાખો નહીં તેવી મારી વિનંતી છે. ઓમ ગૌડ અને સચિન ગુપ્તા પાછા હટી ગયા. તેમણે કહ્યુ સહી તો કરવી જ પડશે આમે તો ચોક્કસ ટાસ્ક સાથે આવ્યા હતા. તેમને કોઈપણ કિંમતે અમારી સહી લેવી હતી. આ મિટિંગમાં ગૌડ અને ગુપ્તા માનવા લાગ્યા કે હું ટીમ લીડર છું અને બધા મારા કહ્યામાં છે પણ ખરેખર તેવુ ન્હોતુ. હું ટીમ લીડર જરૂર હતો પણ મારી સાથે જોડાયેલાના પોતાના ગણિત પણ હતા. કારણ તેમને જ પૈસા મળવાના હતા. અમે ત્યાંથી નિકળ્યા પછી એચ.આર. મેનેજર રાહુલ ખીમાણી મારી સાથે જોડાયેલા સાથીઓને વ્યક્તિગત ફોન કરવા લાગ્યા હતા, તેઓ બધાને વ્યક્તિગત મળી લડાઈમાંથી એક પછી એક સાથીઓને ઓછા કરી મને એકલો પાડવા માગતા હતા. મારા કેટલાંક સાથીઓ મળવા ગયા ખરા પણ જ્યારે કોઈ પણ જાતના પગાર વધારા વગર સહી લેવાની વાત આવી ત્યારે તેઓ ત્યાંથી નિકળી ગયા હતા. આમ આ પહેલી મિટિંગ કોઈપણ પરિણામ વગર તુટી પડી હતી. પગાર પંચના મુદ્દે કોઈ પત્રકારોએ અખબાર સામે અને તે પણ કોર્ટમાં લડી લેવાનો નિર્ણય કર્યો હોય તેવી પહેલી ઘટના હતી. હજી મારા માટે એક ચિંતા હતી કે અમારા કાઉન્સીલ કેટલી ફિ માંગશે તેની મને ખબર ન્હોતી. હું ફિ નક્કી કરવા માટે કાઉન્સીલ ગીરીશ પટેલને મળવા ગયો. પહેલા તો તેમણે તે અંગે વાત કરવાની ટાળી પછી મેં આગ્રહ કરી પુછ્યુ કે સર તમે મને કહેશો કે તમારી ફિ કેટલી છે તો મને વ્યવસ્થા કરવાની ખબર પડશે. એટલે તેમણે પોતાની મૂંઝવણ મારી સામે મુકતા કહ્યુ કે પ્રશાંતભાઈ મેં બધાની પગાર સ્લીપ જોઈ છે, કોઈના દસ હજાર છે તો કોઈનો બાર હજાર છે,આટલા ઓછા પગારમાં હું મારી ફિની માગણી કરૂ તેનો મને સંકોચ થાય છે. મેં કહ્યુ ગીરીશભાઈ મારો પગાર તો સારો છે, તમે મને કહો તો હું તેની વ્યવસ્થા કરી શકીશ, તો પણ ગીરીશભાઈ ફિની રકમ બોલ્યા જ નહીં. તેમણે કહ્યુ આપણે આ મુદ્દે પછી વાત કરીશુ. મેં પણ કહ્યુ સર મારી શક્તિ હશે એટલી ફિ નો ચેક હું તમને આપી જઈશ, આવી સ્થિતિમાં તમને ગુજરાત હાઈકોર્ટના સૌથી સિનિયર કાઉન્સીલ આ પ્રકારની મદદ કરે તે પણ અમારી અપેક્ષા બહારની વાત હતી. થોડા દિવસ પછી હું તેમને મારા એકાઉન્ટમાંથી એક લાખનો ચેક આપવા ગયો, તેમણે રકમ જોયા વગર તે ચેક પોતાના ડ્રોઅરમાં મુકી દીધો હતો.

અમારી પિટિશન તૈયાર થઈ ચુકી હતી. હું પિટિશનર હોવાને કારણે મારી એફિડેવીટ ઉપર પિટિશન ફાઈલ કરવામાં આવી. મારા સહિત અમદાવાદના છ અને કચ્છના પાંચ એમ કુલ મળી અગીયાર લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી મજેઠીયા પગાર પંચની માગણી સાથે અમારી બદલી કિન્નાખોરીપુર્વક થઈ છે તેવી દાદ માગી હતી. હવે ખુલ્લી લડાઈ શરૂ થઈ ગઈ હતી. અમે પિટિશન કરી તેની કોપી ભાસ્કરના મેનેજમેન્ટને પહોંચી ગઈ હતી. ભાસ્કરનું મેનેજમેન્ટ ડર્યુ નથી તેવો દેખાવ કરી રહ્યુ હતું પણ તેઓ અંદરથી હલી ગયા હતા. કારણ જેવી ખબર પડી કે અમદાવાદના પત્રકારોએ પગારના મુદ્દે પિટિશન કરી છે તેની સાથે દેશભરમાં આવેલી ભાસ્કરની બીજી એડિશનોમાં સળવળાટ શરૂ થયો હતો. બીજા રાજ્યોના પત્રકાર પણ મને ફોન કરી તેઓ પણ આ પ્રકારની લડાઈ શરૂ કરવા માગે છે તેવુ કહી રહ્યા હતા. અમે ભાસ્કર છોડી નિકળેલા પૈકી એક રિપોર્ટરને તરત સંદેશમાં નોકરી પણ મળી ગઈ હતી જ્યારે બાકીના અમારા કોઈ પાસે નોકરી પણ ન્હોતી. આમ તો ભાસ્કરની નોકરી કહેવા માટેની ગઇ હતી પણ અમારે નોકરી કરવી હોય તો અમારી જે રાજ્યમાં બદલી થઈ હતી ત્યાં અમારે જવાનું હતું. ભાસ્કરના મેનેજર્સ અમને બદલીના સ્થળે હાજર થવા માટે એક પછી એક નોટીસ મોકલવા લાગ્યા હતા. જો કે થોડીક રમત અમને પણ આવડી ગઈ હતી. અમે બદલીના સ્થળે જવાના નથી તેવુ કહેવાને બદલે જુદા જુદા કારણો આપી બદલીના સ્થળે હાજર થવા માટે વધુ સમય માંગી રહ્યા હતા. ભાસ્કર મેનેજમેન્ટને પોતાની સત્તા, પૈસા અને વગ ઉપર ભરોસો હતો. ભાસ્કરના લીગલ એડવાઈઝર અમને ધમકી આપી રહ્યા હતા કે કાયદાની કોર્ટમાં પણ અમે તેમનું કંઈ જ બગાડી શકીશુ નહીં. અમે કહેતા અમારે ભાસ્કરનું બગાડવુ નથી અમારે તો અમારી જીંદગી સુધારવી છે. હવે અમારી પિટિશન ઉપર સુનાવણી થવાની હતી. હું માની રહ્યો હતો કે હાઈકોર્ટ અમને સાંભળશે અને બધી જ સ્થિતિ અમારી તરફ ફરી જશે પણ ભાસ્કર મેનેજમેન્ટ કોઈ પણ રીતે અમને પરેશાન કરવા માગતુ હતું. તેઓ પિટિશનમાં વિલંબ કરી એક તરફ અમને હેરાન કરવા માગતા હતા જેના કારણે તેઓ પહેલી મુદતથી પોતાનો જવાબ રજુ કરવા માટે સમય માગી રહ્યા હતા અને બીજી તરફ તેમણે એક પછી એક મિટિંગ્સ અમારી સામે રજુ કરી હતી. હવે અમારી સાથે મિટિંગમાં દિવ્ય ભાસ્કરના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ફાઈનાન્સ એડવાઈઝર અશોકજી પણ જોડાયા હતા. 

(ક્રમશ:)

‘હું પ્રશાંત દયાળ’ શ્રેણીના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો.