પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ- ખજુરાહોઃ ભાગ-42): પાંચ વર્ષ સુધી કાપડમંત્રી રહ્યા પછી બાપુ 2009ની ચૂંટણી હારી ગયા હતા, તેના કારણે હવે બાપુ ફરી વખત ગુજરાતના રાજકારણ તરફ રૂખ હતી. હવે ગુજરાતના રાજકારમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ જેવા નેતા સામ-સામે આવ્યા હતા. કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીના નેજા હેઠળ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો હતો, પણ નરેન્દ્ર મોદીને સમજાઈ ગયું કે માત્ર કોઈ એક કોમના નેતા થવાથી દેશના નેતા થઈ શકાય નહીં, તેના કારણે 2010માં મુસ્લિમોને પોતાની સાથે લેવા માટે તેમણે સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતા. નરેન્દ્ર મોદી મુસ્લિમો પ્રત્યેય સદભાવના રાખે તે બહુ વિચિત્ર હતું, પણ મોદીની વિચિત્રતા સમજવી અઘરી હોય છે. ગુજરાતના નેતાઓ ગુજરાતના રાજકારણની ચિંતા કરી રહ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદી દિલ્હી જવાની તૈયારી કરવા લાગ્યા હતા. જેના માટે તેમણે પોતાની કોમવાદી છબી બદલવાની જરૂર હતી.


 

 

 

 

 

નરેન્દ્ર મોદીએ હવે ગુજરાતના મુસ્લિમ નેતાઓને મળવાની શરૂઆત કરી હતી, જે મુસ્લિમ નેતાઓ હવે નરેન્દ્ર મોદીને મુસ્લિમ વિસ્તારમાં લઈ જવાના હતા, ક્રમશઃ નરેન્દ્ર મોદી હિન્દુઓને અક તરફ છોડી હવે મુસ્લિમોને ખુશ કરવામાં લાગી ગયા હતા. સંઘ અને પરિષદ માટે તે આધાતજનક હતું, પણ મોદીને કોઈ કહી શકે તેમ ન્હોતુ સંઘના નેતાઓને મોદીએ સુખ ભોગવવાની ટેવ પાડી દીધી હતી. નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા તે પહેલા જે સંઘના નેતાઓ બસ અથવા સેકન્ડ કલાસમાં મુસાફરી કરતા હતા. તે સંઘી નેતાઓને બધી વ્યવસ્થા નરેન્દ્ર મોદીના માણસો કરાવા લાગ્યા હતા. જેના કારણે હવે તે બસ છોડી એસી કાર અને એસી ચેરમાં મુસાફરી કરવા લાગ્યા હતા. સંઘના નેતાઓને ખબર જ પડી નહીં કે તે સંઘની સાદગી છોડી મોદીના સુખમાં ક્યારે આળોટવા લાગ્યા. આમ નરેન્દ્ર મોદી તમે બરાબર કરતા નથી તેવું કહેવાની નૈતિક હિંમત તેમની અંદર રહી ન્હોતી.

2012 વિધાનસભાની ચૂંટણી ગુજરાત પરિવર્તન પાર્ટી ત્રીજા મોરચા તરીકે મેદાનમાં હતી, જેમાં કેશુભાઈ પટેલ -કોંગ્રેસ તરફથી શંકરસિંહ વાઘેલા અને ભાજપના નરેન્દ્ર મોદી જેવા દિગ્ગજ નેતાઓએ સાથે મેદાનમાં ઉતરવાનું હતું. ગુજરાતમાં શંકરસિંહે ભાજપ છોડ્યું ત્યારથી ગુજરાતના મતદારોને તેમના નામની સુગ થઈ ગઈ છે. કેશુભાઈ સારા નેતા હતા, પણ તેમની પાસે કાર્યકર અને પૈસાનો અભાવ હતો, જ્યારે નરેન્દ્ર મોદી પાસે કપટ, પૈસા અને સંઘ બળ હતું, પણ પ્રજાએ નક્કી કરવાનું હતું, કે કોની સાથે જવાનું છે. જ્યારે પણ ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ થયો છે ત્યારે સત્તાધારી પક્ષને જ ફાયદો થતો આવ્યો હતો. જેનું ફરી એક વખત પુનરાવર્તન થવાનું હતું. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે બેઠકો મળી જે પૈકી કેશુભાઈ પટેલ વિસાદવરથી અને ધારી નલીન કોટડિયા ચૂંટાયા હતા.


 

 

 

 

 

આમ ફરી વખત ત્રીજો મોરચો ગુજરાતમાં નિષ્ફળ ગયો હતો, પણ કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસે તેમને વિરોધપક્ષના નેતાની મોટી જવાબદારી સોંપી હતી. ગુજરાતની ચૂંટણી પુરી થતાં નરેન્દ્ર મોદી 2014ની લોકસભાની ચૂંટણી માટે કામે લાગી ગયા હતા. તેમનું લક્ષ્ય પાંચ વર્ષ પહેલાથી  દિલ્હીનું હતું. નરેન્દ્ર મોદીને હવે ગુજરાતના મુખ્યપ્રધાનની ખુરશી નાની લાગી રહી હતી. નરેન્દ્ર મોદી સત્તાનો હનુમાન કુદકો મારશે તેવું ભાજપના સિનિયર નેતાઓને પણ ખબર ન્હોતી. નરેન્દ્ર મોદીએ જ્યારે તેઓ ગુજરાત છોડી દિલ્હી જાય ત્યારે કોને પોતાના સ્થાને બેસાડવા તે પણ નક્કી કરી નાખ્યું હતું. તેમની ગેરહાજરીમાં સિનિયર અને સક્ષમ નેતા વજુભાઈ વાળા હતા. તેમણે દિલ્હી ગયા પછી વજુભાઈની વ્યવસ્થા કરવાની પણ તૈયારી કરી નાખી હતી. 2012માં વજુભાઈ વાળા રાજકોટથી ચૂંટાયા પછી હવે નવી ઈનીંગમાં તેઓ મોદી અને તેમના અનુગામીને વજુભાઈ મુશ્કેલી ઊભી કરે નહીં તેની વ્યવસ્થા તો તેમણે પહેલા જ કરી નાખી હતી.

2012ની વિધાનસભામાં વજુવાળાને ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની અધ્યક્ષની જવાબદારી સોંપી વાળાને સક્રિય રાજકારણમાંથી હટાવી દીધા હતા. નરેન્દ્ર મોદીને ખબર હતી કે દિલ્હીમાં સત્તા મળેવવા માટે તેમણે અનેક નહીં પસંદ પડતા લોકોની સાથે પણ સમાધાન કરવું પડશે અને તેમને સાથે લેવા પડશે, તો આ શરૂઆત ગુજરાતથી કેમ થઈ શકે નહીં. 2012ની ચૂંટણીમાં હાર પછી કેશુભાઈ પટેલ થાકી ગયા હતા, હવે તેમની પાસે કોઈ વિકલ્પ ન્હોતો. કેશુભાઈ પટેલના પરિવારનો સંપર્ક કરી નરેન્દ્ર મોદીએ કેશુભાઈ સહિત તેમની પાર્ટીના લોકોને ભાજપમાં પાછા લાવવાની તૈયારી શરૂ કરી. પાર્ટી ચલાવવા માટે કેટલા પૈસા જોઈએ તેનો અંદાજ હવે ઝડફિયાને પણ આવી ગયો હતો. નરેન્દ્ર મોદી જાણતા હતા કે કેશુભાઈ પટેલ પુત્ર પ્રેમ માટે કઈ પણ કરશે તેમને કેશુભાઈના પુત્ર ભરતને ટિકિટ આપવાની વાત કરી. અચાનક 2013માં ગોઠવાઈ ગયું, જે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદીને ગાળો આપતા હતા તેમણે  પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ કરવાનો નિર્ણય કર્યો.


 

 

 

 

 

આ નિર્ણય બીજા માટે તો આધાતજનક હતો પણ કેશુભાઈના સાથી સુરેશ મહેતા માટે સૌથી આધાતજનક હતો. તેમણે ભાજપમાં જવા કરતા રાજકારણ છોડી ઘરે બેસવાનું પસંદ કર્યું અને કેશુભાઈ ફરી વખત પોતાના સાથીઓ સાથે ભાજપમાં પાછા ફર્યા. કેશુભાઈએ પોતાના પુત્ર ભરત માટે વિસાવદરની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી

આવી અને ભાજપે ભરત પટેલને ટિકિટ આપી પણ મોદીની રમત કેશુભાઈ ક્યારેય સમજી શકયા નહીં. જે કેશુભાઈનો ગઢ ગણાતો હોય ત્યાં ભાજપનો કોઈ નાનો કાર્યકર પણ જીતી જાય પણ પરિણામ આવ્યું ત્યારે ભરત પટેલ ચૂંટણી હારી ગયા હતા. આમ મોદીના રાજમાં અનેક સારા નેતાઓ પોતાના જ ગઢમાં ચૂંટણી હારી જતા હતા.

(ક્રમશ:)