પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ- ખજુરાહોઃ ભાગ-41): વર્ષ 2005 પછી ભાજપના નેતાઓ કેશુભાઈ પટેલને મળીને ભાજપ છોડી દેવી જોઈએ, તે માટે આગ્રહ કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલી સતત અવગણનાને કારણે ભાજપમાંથી એક જુથ અલગ પડવા તૈયાર હતું. તેમાં પણ સૌરાષ્ટ્રના લોકોની તીવ્ર લાગણી હતી કે હવે બહુ થયું ભાજપ સાથે રહી શકાય તેમ નથી. 2007ની ચૂંટણી સામે હતી તેના કારણે નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓને શાંત કરવા માગતા હતા, તેથી તેમણે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીઘો હતો, પણ તે મંત્રીમંડળમાં સામેલ થવાનો ગોરધન ઝડફિયાએ ઈન્કાર કરી દીધો. જેના કારણે મોદીના વિરોધીઓને શાંત કરવાની યોજના ઉપર બ્રેક વાગી હતી. ગોરધન ઝડફિયાએ જાહેરમાં મંત્રી થવાની ના પાડતા, જાહેરમાં બળવાનું રણશીંગુ ફૂંકયુ હતું. મોદી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા હતા. વજુવાળા પક્ષ પ્રમુખ હતા, મોદી તેમના ઉપર દબાણ લાવ્યા અને તેમણે ગોરધન ઝડફિયાને શીસ્તભંગની નોટિસ આપવાની ફજર પાડી હતી.
જો કે મોદી ધારતા હતા તેના કરતા ઉલ્ટુ થયું હતું, ઝડફિયાને નોટિસ મળતા વિરોધીઓ શાંત થઈ જશે તેવી ધારણા હતી, પણ તેના કરતા જુદુ જ થયું. ભાજપના પ્રદેશ કાર્યાલય ઉપર નેતાઓના ટોળા આવવા લાગ્યા તેઓ ગોરધન ઝડફિયાની તરફેણ કરતા હતા. તેઓ ઝડફિયાને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવા માટે દબાણ કરી રહ્યા હતા. ઝડફિયાની સાથે રહેલા નેતાઓ ભરત પંડયા અને પ્રદિપસિંહ જાડેજાનો પણ સમાવેશ થતો હતો. જો કે નેતાઓના દબાણને કારણે ઝડફિયા સામે પગલા ભરવાની મોદીની ઈચ્છા સફળ થઈ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના પટેલ નેતાઓ બાવકુ ઉઘાડ અને બેચર ભાદાણી જેવા નેતાઓએ પક્ષ પ્રમુખને પોતાના રાજીનામા ધરી દીધા હતા. આમ મોદી સામે માનસીક દબાણ વધી રહ્યું હતું.
 
 
 
 
 
હવે ભાજપથી અલગ થવું જોઈએ તેવી લાગણી તીવ્ર થઈ રહી હતી, પણ કેશુભાઈ પટેલ હજી ભાજપ છોડવા માટે તૈયાર થતા ન્હોતા, તેમને અનેક નેતાઓએ સમજાવ્યા પણ તે માન્યા નહીં. ગોરધન ઝડફિયા લડી લેવાના મુડમાં હતા. તેમણે અમદાવાદ અને સુરતમાં પટેલોના સંમેલન બોલાવી પટેલોને અન્યાય થઈ રહ્યો છે તેવી ફરિયાદ કરી અને આ સંમેલમમાં આવવાની કેશુભાઈ પટેલે ખાતરી આપી હોવા છતાં છેલ્લી ઘડીએ કોઈક કારણ આગળ ધરી કેશુભાઈ સંમલેનમાં ગયા ન્હોતા. આમ કેશુભાઈ દ્વીધામાં હતા કે ભાજપ છોડી શકાય કે નહીં.
કેશુભાઈની અનિર્ણાયકતાને કારણે ગોરધન ઝડફિયા સહિત કેટલાક નેતાઓએ ભાજપ છોડવાનો નિર્ણય કર્યો હતો. કારણ 2007 વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી, ભાજપના અનેક નેતાઓ અપક્ષ ચૂંટણી લડવાના હતા. આ વખતે પણ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ મેદાનમાં આવ્યા તેમણે ભાજપના બળવાખોર ઉમેદવાર સામે કોંગ્રેસના સભ્ય પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. સાથે બાવકુ ઉઘાડ અને ધીરુ ગજેરા સહિતના નેતાઓને કોંગ્રેસે ટિકિટ પણ આપી દીધી હતી. ગોરધન ઝડફિયા ગોંડલથી ચૂંટણી લડ્યા હતા. જો કે પરિણામ આવ્યું ત્યારે ઝડફિયા હારી ગયા પણ કોંગ્રેસની ટિકિટ ઉપર લડેલા ઘણા જીત્યા અને ઘણા હાર્યા હતા.
2007ની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જીતી ગયા હતા અને ગોરધન ઝડફિયા તેમને નુકસાન કરવામાં નિષ્ફળ સાબીત થયા હતા. ભાજપ સામે લડવુ હોય તો રાજકીય પક્ષ જોઈએ તેવું સમજતા ઝડફિયા દ્વારા મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. પક્ષ નાનો હતો, ફંડનો પણ સવાલ હતો, પણ મોદી વિરોધીઓ પાછલા બારણે ઝડફિયાને મદદ કરતા હતા. સ્ટેટ આઈબીના અધિકારીઓની સતત નજર ઝડફિયા અને તેમના ફંડ મેનેજર્સ ઉપર રહેતી હતી. પોલીસ દ્વારા ફંડ મેનેજર્સ ઉપર સાચા ખોટા કેસ કરવામાં આવતા હતા. ખુદ ગોરધન ઝડફિયા ઉપર તેમના ગામમાં વીજ ચોરીનો કેસ કરી દેવામાં આવ્યો હતો. આમ શામ-દામ અને દંડનો ઉપયોગ કરી મહાગુજરાત જનતા પાર્ટીને ખતમ કરી દેવાનો પેંતરો હતો.
 
 
 
 
 
કેશુભાઈ ભાજપમાં રહ્યા હોવા છતાં નરેન્દ્ર મોદીને તેમની કદર ન્હોતી. કેશુભાઈ અને તેમના માણસોની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી, રોજ અપમાનનો ઘુંટ પીવો પડતો હતો. કેશુભાઈ પટેલની જેમ સમજદારી અને સંવેદનશીલતાથી વિચારી શકે તેવો એક નેતા હતો અને તે સુરેશ મહેતા હતા, તેમણે કેશુભાઈને સમજાવ્યા અને આખરે 2011માં ભાજપ છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. નરેન્દ્ર મોદી સામે લડવું હોય તો એક ચહેરાની જરૂર હતી અને તે કેશુભાઈ પટેલ હતા.
ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી તેવો તેનો ઈતિહાસ છે, પણ હવે વાત ત્રીજા મોરચા તરફ આગળ વધી રહી હતી. જો કે આ ત્રીજા મોરચામાં માત્ર ભાજપના જ લોકો નહીં પણ જેઓ મોદીથી ત્રસ્ત છે તેવા લોકોને પણ સામેલ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે કેશુભાઈ પટેલ ભાજપ છોડવાના નિર્ણય સાથે સહમત થયા અને તેમની સાથે સુરેશ મહેતા પણ ભાજપને અલવીદા કહેવા માટે તૈયાર થયા હતા. જો કે બધા મહાગુજરાત જનતા પાર્ટીમાં જોડાય તેના કરતા એક નવો પક્ષ હોવો જોઈએ તેવો વિચાર આવ્યો હતો અને જેના પ્રમુખ કેશુભાઈ પટેલ હોય.
કેશુભાઈ પટેલના અધ્યક્ષ પદે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરવામાં આવી. જેમાં તેમના સારથી સુરેશ મહેતા હતા. ગુજરાત પરિવર્તન પક્ષની સ્થાપના પછી ગોરધન ઝડફિયા પોતાના કાર્યકરો સાથે જીપીપીમાં જોડાઈ ગયા હતા, કેશુભાઈ પટેલ જેમણે આખી જીંદગી ભાજપ માટે ઘસી નાખી તેમણે ભાજપને અલવીદા કહેવું પડે તેવી સ્થિતિ નરેન્દ્ર મોદીએ નિર્માણ કરી હતી. જો કે ત્યારે કેશુભાઈ ભાજપની બહાર આવી નવો પક્ષ બનાવ્યો તેના કારણે કઈક અંશે ભાજપમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેશુભાઈની ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સારી એવી પક્કડ હતી. 2012ની વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી અને જીપીપીના પ્લાનીંગ પ્રમાણે તેઓ ભાજપને તમામ બેઠકો ઉપર ટક્કર આપવાના હતા.
 
 
 
 
 
(ક્રમશ:)
આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં
ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive