પ્રશાંત દયાળ (ખજુરાહોઃ ભાગ-40): 2002ની ચૂંટણી જીત્યા પછી નરેદ્ર મોદીને તંત્ર ઉપર પકડ આવવા લાગી હતી. હવે તેઓ એક પછી એક નેતાઓને સાઈડ લાઈન કરી રહ્યા હતા. જે કેશુભાઈ પટેલના પગમાં બેસી તેમણે આશીર્વાદ લીધા હતા, હવે તેમના જ ટાંટીયા ખેચવાની તેમણે શરૂઆત કરી હતી. સુરેશ મહેતાને પણ કદ પ્રમાણે વેતરી નાખ્યા હતા. હવે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં સરમુખત્યારની જેમ વર્તી રહ્યા હતા. કોઈને કંઈ પુછવાનું નહીં અને પોતાને ઠીક લાગે તેમ જ કરવાનું, ભાજપમાં તેમની સામે ભારે નારાજગી હતી પણ કોઈ તેમની સામે બોલવાની હિંમત કરતા ન્હોતા.
સંઘ અને પરિષદના નેતાઓમાં પણ ખુણામાં ધકેલી દીધા હોય તેવી લાગણી ઊભી થવા પામી હતી. પ્રવિણ તોગડિયા સાથે પણ તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો, પણ બધા જ શાંત એટલા માટે હતા કે તેઓ જાણતા હતા કે નરેન્દ્ર મોદી તેમને અલગ અલગ રીતે બદનામ કરી નાખશે. તેઓ જાહેર ભાષણમાં ખાતો નથી અને ખાવા દેતો નથી તેવું કહેતા હતા. તેમનો ઈશારો વિરોધ પક્ષ સહિત પોતાના પક્ષના નેતાઓ તરફ પણ હતો.
 
 
 
 
 
જો નરેન્દ્ર મોદીની સામે પક્ષમાંથી અવાજ ઉઠે તો મોદીને તેવું કહેતા જરા પણ સંકોચ થતો નહીં કે પૈસા ખાવાની દુકાન મેં બંધ કરી હોવાને કારણે અમારા નેતાઓને પેટમાં દુઃખે છે. હવે ભાજપના નેતાઓ મોદીનું અસલી સ્વરૂપ જોઇ ચુક્યા હતા. બધા પોતાના દુઃખડા લઈ કેશુભાઈ પટેલ પાસે જતા હતા, પણ કેશુભાઈ પણ કંઈ કરી શકે તેમ ન્હોતા. કારણ કે હવે તેમની હાલત પણ અન્ય નેતાઓ જેવી હતી. પ્રજાની અંદર નરેન્દ્ર મોદીની છબી પ્રામાણિક અને હિન્દુ નેતા તરીકેની હતી. જેના કારણે કોઈ પણ મુદ્દે મોદીનો વિરોધ કરવાનો અર્થ થતો હતો કે વિરોધ કરનાર અપ્રામાણિક અને હિન્દુ વિરોધી છે. આ મુદ્દે મોદીના વિરોધી પાસે ચુપ રહેવા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો. નરેન્દ્ર મોદીને ધારાસભ્ય પણ મળવા માગતા હોય તો દિવસો સુધી રાહ જોવી પડતી હતી. બધાના જ મનમાં એક ગુસ્સો અને પીડા હતી કે નરેન્દ્ર મોદીનું કંઈક કરવું પડશે, પણ નેતાગીરી કોણ લે અને કોણ બોલે તે સવાલ હતો.
નરેન્દ્ર મોદી સામે કોઈ બોલી શકે તેવા કેશુભાઈ પટેલ હતા અને બધાનો ભરોસો પણ કેશુભાઈ પટેલ ઉપર હતો, પરંતુ કોઈક અજાણ્યા કારણસર કેશુભાઈ ફુંકી ફુંકી બોલતા હતા. આમ કરતા કરતા નરેન્દ્ર મોદીની સરકારે પાંચ વર્ષ પુરા કર્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાનો હિન્દુત્વનો ચહેરો હટાવી વિકાસનો ચહેરો પહેરવાની શરૂઆત કરી હતી. અયોધ્યામાં રામ મંદિર થવું જોઈએ અને તે માટે આરપારની લડાઈ લડનાર વિશ્વ હિન્દુ પરિષદને મોદીએ ખતમ કરી નાખવાનો તખ્તો ઘડ્યો હતો. પ્રજામાં એક છાપ હતી કે હિન્દુત્વના મુદ્દે પરિષદ જેવી શક્તિશાળી સંસ્થા કોઈ નથી અને છાપનો લાભ પરિષદના નેતાઓ ખુબ લેતા હતા, પણ ના રહે બાંસ ના બઝે બાંસુરી તેવી સ્થિતિ વિશ્વ હિન્દુ પરિષદની થવાની હતી. નરેન્દ્ર મોદીએ વિકાસ નામના ભુતને ઘુણાવવાની શરૂઆત ગાંધીનગરથી કરી હતી. ગાંધીનગરના રસ્તા પહોળા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેમાં નવું કંઈ ન્હોતુ.
 
 
 
 
 
પરંતુ રસ્તા પહોળા કરવા માટે રસ્તામાં આવતા 100થી વધારે મંદિરો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા તો બધાને જ આધાત લાગ્યો પણ નરેન્દ્ર મોદીએ વિકાસ માટે અવરોધરૂપ બનતા મંદિરનો હટાવવાની વાત એટલી સારી રીતે લોકો સામે રજુ કરી કે તેના કારણે પ્રજાને લાગ્યું કે મંદિર હટે તો શું વાંધો છે, પણ વાંધો પરિષદને હતો. મંદિરના નામે તો તેમની દુકાનો ચાલતી હતી. જો મંદિરો જ નહીં રહે તો દુકાન કેમ ચાલશે? વિશ્વ હિન્દુ પરિષદે પહેલી વખત હવે મંદિરના મુદ્દે ભાજપ સામે બોલવાની શરૂઆત કરી, પણ પરિષદના વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદીની સરકારે રાતો રાત ગાંધીનગરના રસ્તા ઉપર આવતા નાના મોટા 100 કરતા વધુ મંદિરો તોડી પાડ્યા હતા.
આ મુદ્દે પરિષદના ફાયર બ્રાન્ડ નેતા આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ અમદાવાદ દોડી આવ્યા હતા અને તેમણે નરેન્દ્ર મોદીની સરખામણી મુસ્લિમ સુલતાનો સાથે કરી દીધી પણ મોદીના પેટનું પાણી હલ્યુ નહીં. થોડા સમય પછી ધર્મેન્દ્ર મહારાજનો સુર બદલાઈ ગયો અને તે મોદીના વખાણ કરતા થઈ ગયા. તેનું કારણ એવું હતું કે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજના પુત્રને રાજસ્થાન ભાજપમાં સારૂ પદ મોદીના કહેવાથી મળી ગયું હતું.
આમ નરેન્દ્ર મોદીએ આચાર્ય ધર્મેન્દ્ર મહારાજને પોતાની તરફ કરી પ્રવિણ તોગડિયાને એકલા પાડી દીધા હતા અને ક્રમશઃ તોગડિયાનું કદ ગુજરાતમાં નાનુ થવા લાગ્યું હતું. આ બાબતથી તોગડિયાના નજીકના સમર્થક ગોરધન ઝડફિયા બહુ દુઃખી હતા. 2007ની ચૂંટણી થઈ તેમાં પણ ફરી વખત સત્તા સ્થાને નરેન્દ્ર મોદી સરકાર આવી. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ મંત્રીમંડળમાં ગોરધન ઝડફિયાનો પણ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મોદી જાણતા હતા કે, કેશુભાઈ અને તોગડિયા તેમનું કઈ બગાડી શકે તેમ નથી, પણ તેમની સાથે રહેલો ગોરધન ઝડફિયા જમીનનો માણસ છે તેને પોતાની સાથે કરી લેવામાં આવે તો કેશુભાઈ અને તોગડિયાની પાંખો કપાઈ જાય. આ ગણતરી સાથે જ તેમણે મંત્રીમંડળની યાદીમાં ઝડફિયાના નામનો સમાવેશ કર્યો હતો. પણ મંત્રી મંડળની સોંગદવિધીમાં જ્યારે રાજ્યપાલ દ્વારા ગોરધન ઝડફિયાનું નામ બોલાવામાં આવ્યું ત્યારે પ્રથમ હરોળમાં બેઠેલા ગોરધન ઝડફિયા પોતાના સ્થાન ઉપર ઊભા થયા અને તેમણે નરેન્દ્ર મોદી અને રાજ્યપાલને બે હાથ જોડી નમસ્કાર કરતા કહ્યું, હું મંત્રી થવા માગતો નથી. નરેન્દ્ર મોદી સામે ખુલ્લા અને જાહેર બળવાની આ પ્રથમ શરૂઆત હતી.
 
 
 
 
 
(ક્રમશ:)
આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં