પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-4): ચરાડા ગામમાં બાપુ પોતાના ધારાસભ્યો લઈ આવ્યા બાદ અંદાજ આવી ગયો કે હવે વધુ દિવસ અથવા વધુ કલાકો ચરાડામાં રહી શકાય તેમ નથી. બીજો પ્રશ્ન એવો પણ હતો કે આખા ગુજરાતમાં ભાજપનું જ શાસન હતું તેના કારણે તંત્ર પણ અશોક ભટ્ટ અને મંત્રીઓના આદેશનું જ પાલન કરતું હતું. આ સંજોગોમાં ધારાસભ્યોને ગુજરાતમાં જ કોઈ સલામત સ્થળે રાખવાનું શક્ય ન્હોતું, તો ક્યાં લઈ જવા તેવો પ્રશ્ન આવ્યો તે પહેલા એવું નક્કી કરવામાં આવ્યુ કે તમામ ધારાસભ્યોને લઈ રાજસ્થાનના ઉદયપુર જતા રહેવું, પણ પછી કોઈએ સલાહ આપી કે ઉદયપુર પણ સલામત નથી. કારણ કે ત્યાં ભાજપ સરકારનું શાસન છે અને ભૈરવસિંહ શેખાવત મુખ્યમંત્રી છે. તેથી રાજસ્થાનને સલામત સ્થળ ગણી શકાય નહીં. બીજો વિચાર મુંબઈમાં ધારાસભ્યોને ખસેડવાનો આવ્યો, પણ મુંબઈમાં પણ ભાજપ શિવસેનાની સંયુક્ત સરકાર હતી. તેથી મુંબઈ લઈ જવાનો વિચાર પડતો મુકવામાં આવ્યો હતો.

શંકરસિંહ બાપુ કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીને કારણે રોજ-બરોજ નારાજ થઈ રહ્યા હતા. તેમને લાગી રહ્યું હતું કે તેમની હવે અવગણના થઈ રહી છે, પણ તેઓ સરકાર તોડી નાખવાના અંતિમ નિર્ણય લેવાના મતમાં ન્હોતા, પણ બાપુના નજીકના તેમના ત્રણ જુના સાથીઓ હતા. જેમાં સૌથી પહેલા વિષ્ણુ પંડ્યા હતા. વિષ્ણુભાઈ જુના સંઘી પણ ખરા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના માસીક સાધનાના તંત્રી પણ રહી ચુક્યા હતા. પંડ્યા કેશુભાઈ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહના જુના સાથી હતા. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે પણ તેઓ તેનો ભોગ બન્યા હતા. બીજા સલાહકાર પત્રકાર દિગંત ઓઝા હતા, બહુ ઊંચા ગજાના પત્રકાર, ગુજરાત અને દિલ્હીના રાજકારણને નજીકને ઓળખનાર અને પારખનાર પત્રકાર હતા. અનેક મોટા રાષ્ટ્રીય અખબારના તંત્રી રહી ચુક્યા હતા અને ત્રીજા બાપુના પારિવારીક મિત્ર કિશોરસિંહ સોંલકીના પત્ની ગીરા સોંલકી હતા. આ ઉપરાંત અન્ય સાથીઓ પણ આ મુદ્દે શું થઈ શકે તેની મિટિંગમાં બેસતા હતા.
પણ આ બેઠકમાં બાપુએ હવે ભાજપ સરકાર તોડી પાડવી જોઈએ અને અન્યાયનો સામનો કરવો જોઈએ તેવું વિષ્ણુ પંડ્યા, દિગંત ઓઝા અને ગીરા સોંલકી એક સુરે કહેતા હતા. બાપુના બીજા કેટલાક સાથી પણ હતા, તેમનો મત આ ત્રણે કરતા જુદો પડતો હતો. તેમનો મત હતો કે કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી શંકરસિંહ અને તેમના જુથને અન્યાય કરી રહ્યા છે, તે વાત સાચી છે, પણ બળવો કરીશું તો લોકો માફ કરશે નહીં. જે અન્યાય થઈ રહ્યો છે તે ધારાસભ્યને થઈ રહ્યો છે, સામાન્ય માણસને કોઈ અન્યાય થતો નથી. આ સંજોગોમાં કેશુભાઈ પટેલની સરકાર તોડી પાડવાનો નિર્ણય ઉતાવળીયો અને ઘાતકી સાબિત થઈ શકે છે. પ્રજાના મત આપણી વિરૂધ્ધ થઈ જશે, પણ બાપુ પણ ઉતાવળીયા થયા હતા, તેઓ આરપારની લડાઈ લડી લેવા માગતા હતા. તેમણે વિષ્ણું પંડ્યા, દિગંત ઓઝા અને ગીરા સોંલકીની સલાહને આખરી માની લડી લેવાની યોજના ઘડી કાઢી હતી.

શંકરસિંહ બાપુ બળવો કરશે તેવા એંધાણ મળી રહ્યા હતા ત્યારે હું મુંબઈથી પ્રસિધ્ધ થતાં અભિયાન સાપ્તાહિકમાં કામ કરતો હતો. મારા સિનિયર અનિલ દેવપુરકર વડોદરા રહેતા હતા. તેઓ એક સવારે અમદાવાદ ઓફિસ આવ્યા અને મને કહ્યું બાપુ અલગ પક્ષ બનાવી રહ્યા છે. પહેલા તો આ વાત માનવા લાયક ન્હોતી. ભાજપને સત્તા મળી અને બાપુ અલગ થવાની વાત કરે? અનિલે ફોનના ચકરડા ફેરવવાની શરૂઆત, પણ ઠોંસ માહિતી મળી નહીં, પણ એક જાણકારી મહત્વની મળી કે બાપુ દહેગામના એક અંધ જ્યોતિષને મળવા ગયા હતા. અનિલ દેવપુરકર દહેગામ પહોંચ્યા. સ્થાનિક સંપર્કોનો ઉપયોગ કરી જયોતિષ સુધી પહોંચી ગયા. પહેલા તો જ્યોતિષે બાપુ કેમ અને કઈ સલાહ લેવા આવ્યા હતા તે કહેવાનો ઈન્કાર કરી દીધો, પણ આખરે જ્યોતિષે એક મહત્વની વાત કરી કે તેમણે બાપુને કહ્યું હતું કે તમારા ગ્રહો પ્રમાણે તલવાર ઉપાડવાનો સમય આવી ગયો છે. તે અઠવાડિયે અભિયાનની કવર સ્ટોરી હતી કે બાપુ ગુજરાત દેશમ બનાવવાના મુડમાં.

બાપુ આ સ્ટોરી જોઈ ભડક્યા, તેમણે વાત ખોટી હોવાનું કહ્યું. અમદાવાદથી પ્રસિધ્ધ થતાં જનસત્તા અખબારમાં ઈન્ટરવ્યું આપ્યો, જેના તંત્રી દિગંત ઓઝા હતા. ઈન્ટરવ્યુમાં બાપુએ કહ્યું આ સ્ટોરીના પ્રણેતા સારા નવલકથાકાર થઈ શકે છે. આ પત્રકારની માત્ર કલ્પના છે, તેઓ કોઈ બળવો કરવાના નથી, કદાચ બાપુનો પ્લાન લીક થઈ ગયો હતો. આ સ્ટોરીના બરાબર 21માં દિવસે બાપુએ ધારાસભ્યનો વાસણ ગામમાં કેમ્પ શરૂ કરી બળવાનું બ્યૂગલ ફુકી દીધુ હતું. પત્રકારો અને નેતાઓના ધાડા વાસણા ગામ આવવા લાગ્યા હતા. શિસ્તબદ્ધ પાર્ટીના હવે લીરા ઉડી રહ્યા હતા. દર કલાકે ઘટના બદલાઈ રહી હતી. દેશ આખાના મીડિયાની નજર હવે ગુજરાત તરફ હતી. વાસણ ગામથી ચરાડા પહોંચ્યા પછી ત્યાંથી પણ નિકળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાપુએ ગુજરાત બહારના પોતાના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી.

ગુજરાત બહાર કોણ કોણ મદદ કરી શકે તેની યાદી તૈયાર કરવામાં આવી. હવે સ્થિતિ એવી હતી કે જે રાજ્યમાં ભાજપની સરકાર ના હોય ત્યાં જવું અનિવાર્ય હતું, પણ તેનો સીધો અર્થ એવો હતો કે કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં ધારાસભ્યોને લઈ જવા પડે તેમ હતા. આખી જિંદગી બાપુએ કોંગ્રેસને જાહેર અને ખાનગીમાં ભાંડી હતી, પણ હવે તેવા જ નેતાઓના નામ સામે આવી રહ્યા હતા જેમની મદદ લેવી પડે, બાપુએ એક નંબર ડાયલ કર્યો અને કહ્યું હું શંકરસિંહ વાઘેલા તમારા મુખ્યમંત્રી સાથે વાત કરવા માગુ છું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં