પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ- 39): કોંગ્રેસમાં ભળી ગયેલી રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતા શંકરસિંહને 2001માં કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. કોંગ્રેસના ઈતિહાસમાં કોઈ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નેતાને પ્રદેશ પ્રમુખ જેવો મહત્વનો હોદ્દો આપ્યો હોય તેવી આ પહેલી ઘટના હતી. સંઘના નેતાઓ ઉપર ભરોસો મુકવો કોંગ્રેસ માટે અઘરો હતો, આમ છતાં બાપુને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2002ની ચૂંટણીમાં બાપુ પ્રદેશ પ્રમુખ હતા, છતાં તેમના જ નેતૃત્વમાં કોંગ્રેસ લડી હતી. 1995 બાદ બાપુનો સ્ટેટ લીડર તરીકેનો જે ગ્રાફ હતો, તે દિવસે દિવસે નીચે જઈ રહ્યો હતો. આમ છતાં કોંગ્રેસ તેનું વચન પાળી રહી હતી.

2004ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બાપુને લોકસભાની ટિકિટ પણ આપી અને બાપુ ચૂંટાયા પણ હતા. લોકસભાની ચૂંટણીમાં યુપીએનો વિજય થતાં સોનીયા ગાંધીએ બાપુ ઉપર ફરી ભરોસો મુકયો અને તેમને મનમોહનસિંહની સરકારમાં કાપડ મંત્રી જેવું મહત્વનું ખાતુ આપ્યું હતું. જો કે ઘણા જુના કોંગ્રેસીઓને બાપુને મળી રહેલા મહત્વની વાત ખટકી રહી હતી. તો પણ સોનીયાએ કહ્યું હતું કે બાપુ ઉપર સંઘનો સિક્કો વાગ્યો છે તે વાત જુની થઈ ગઈ છે, હવે તેઓ કોંગ્રેસી છે.

2002ના તોફાનો બાદ ગુજરાતમાં એક વર્ગ એવો હતો કે, જે નરેન્દ્ર મોદી સામે ખુલ્લે આમ લડી રહ્યા હતો અને મોદી સામે લડી રહેલા લોકો એક પછી એક કોઈને કોઈ વિવાદમાં અથવા કોઈ કેસમાં ફસાઈ જતા હતા. આ એક સંયોગ ન્હોતો, પણ 2003માં વિચિત્ર ઘટના ઘટી, નરેન્દ્ર મોદીએ હરેન પંડયાની ટિકિટ કાપી નાખ્યા પછી હરેન હવે ભાજપમાં હોવા છતાં મોદીની સામે પડી ગયા હતા. તોફાન માટે ગુજરાત અને કેન્દ્ર સરકારે વિવિધ તપાસ પંચ નિમ્યા હતા. જેમાં એક જસ્ટીશ સાંવતનું તપાસ પંચ પણ અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. જેની સામે હરેન પંડયાએ કેટલાંક મહત્વની માહિતી રજુ કરી હોવાની જાણકારી બહાર આવી હતી.


 

 

 

 

 

જો કે હરેન પંડયાએ ક્યારેય આ મામલે પોતાના નજીકના મિત્રો અને પત્રકારોને કાંઈ કહ્યું ન્હોતું, પણ એક ગણગણાટ શરૂ થયો હતો કે હરેન પાસે તોફાનો અંગે કોઈ મહત્વની જાણકારી છે જે તેણે જસ્ટીશ સાંવતને આપી છે. જો કે હરેન પંડયાએ જસ્ટીશ સાંવતને શું કહ્યું અથવા શું આપ્યું તે આજ સુધી બહાર આવ્યું નથી.

પહેલા હરેન પંડયા આઈબીના અધિકારીઓને નરેન્દ્ર મોદી પાછળ મુકી દેતા હતા. હવે આઈબીના અધિકારીઓ હરેન પંડયાની માહિતી અમિત શાહને પહોંચાડતા હતા. 2003માં હરેન પંડયા રોજ પ્રમાણે અમદાવાદના પાલડીની ઘરેથી લો ગાર્ડન મોર્નીંગ વોકમાં જવા નિકળ્યા, ત્યાર બાદ તેઓ તેમના નિયત સમયે ઘરે પાછા નહીં ફરતા તેમના પત્ની જાગૃતિ પંડયા અને સેક્રેટરી નિલેશ તેમને સતત ફોન કરી રહ્યા હતા, પણ હરેનનો ફોન નો રિપ્લાય થઈ રહ્યો હતો, પણ હવે હરેન ક્યારેય પોતાનો ફોન રિસીવ કરવાના ન્હોતા.

હરેન લો ગાર્ડન પહોંચ્યા અને કારમાંથી બહાર આવે તે પહેલા એક યુવક તેમની પાસે આવ્યો અને તેમને ગોળી મારી જતો રહ્યો હતો, આ ઘટના નજરે જોનાર માણસો ત્યાં બહુ ન્હોતા, એકાદ બે લારીવાળા ત્યાં ઊભા હતા પણ ગોળીબારનો અવાજ સાંભળી તેઓ ભાગી ગયા હતા. લગભગ બે કલાક હરેન ત્યાં જ પડયા રહ્યા અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. નરેન્દ્ર મોદી સામે લડનાર હરેનની હત્યા થાય તેના કારણે સ્વભાવીક રીતે જ નરેન્દ્ર મોદી ઉપર શંકા જઈ રહી હતી, પણ આ મુદ્દે કોઈ કઈ બોલે તે પહેલા હરેન પંડયાના પિતા વિઠ્ઠલભાઈએ નરેન્દ્ર મોદી ઉપર આરોપ મુકયો કે તેમના પુત્રની હત્યા નરેન્દ્ર મોદીએ કરાવી છે. આ કેસની તપાસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પછી સીબીઆઈ દ્વારા કરવામાં આવી જેમાં હૈદરાબાદના અઝગરઅલી સહિત દસ આરોપીને પોલીસે પકડયા હતા.


 

 

 

 

 

પકડાયેલા આરોપીઓનો દાવો હતો કે 2002ના તોફાનમાં હરેન પંડયાએ મસ્જીદ ઉપર હથોડો માર્યો હતો તેનો બદલો લેવા માટે તેમણે હરેનની હત્યા કરી છે. જો કે વિઠ્ઠલભાઈ આ થીયરી સાથે સંમત્ત ન્હોતા તેમનો આરોપ હતો કે તેમના પુત્ર હરેનની રાજકીય હત્યા થઈ છે. તેઓ પોતાના પુત્રને ન્યાય મળે તે માટે લડતા રહ્યા અને જ્યાં પણ નરેન્દ્ર મોદી અથવા ભાજપની સભા હોય ત્યાં પહોંચી જઈ સુત્રોચ્ચાર કરતા હતા. હરેનની હત્યા મોદીએ કરાવી છે તેવો કોઈ આધાર ન્હોતો, પણ એક પિતાનું મન કહી રહ્યું હતું કે આ હત્યા પાછળ મોદી જ છે. વિઠ્ઠલ પંડયાના આ વ્યવહારને કારણે કેટલાક લોકો તેમને પાગલ સમજવા લાગ્યા હતા.

હરેનની હત્યા થઈ ત્યારે તેના બે બાળકો નાના હતા, જેના કારણે હરેનની પત્ની જાગૃતી પંડયા લાંબો સમય સુધી શાંત રહી, પણ થોડા વર્ષો બાદ જાગૃતી પંડયાએ લડવાનો નિર્ણય કર્યો ગુજરાત હાઈકોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈ સુધી તેણે જઈ રાવ માગવાની શરૂઆત કરી, કારણ જાગૃતી પંડયાનું મન સીબીઆઈની થીયરી માનવા તૈયાર જ ન્હોતું. તે હમણાં સુધી શાંત હતા, પણ તેમનું મન પણ તેમના સસરા વિઠ્ઠલભાઈ જેવું માની રહ્યું હતું કે હરેનની રાજકીય હત્યા થઈ છે. એક તબ્બકે તો જાગૃતી પંડયા પોતાના પતિની હત્યા કરનાર અઝગરઅલીને પણ જેલમાં જઈ મળ્યા હતા અને કહ્યું હતું કે મને ખબર છે તું નિદોર્ષ છે. હું તારા કેસ લડીશ પણ તારે સાચુ કહેવું પડશે, પણ અઝગરઅલી સાચુ કહેવા માટે તૈયાર થયો નહીં.

આ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા કરી હતી. જેના કારણએ હરેન પંડયાના પ્રકરણનો અંત આવ્યો તેવું બધાને લાગ્યું હતું, પણ આખી ઘટનામાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે હરેન હત્યામાં સજા થયેલા આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી પોતાને થયેલી સજાની પડકારી અને તેનો કેસ ચાલી ગયો ત્યારે હાઈકોર્ટે તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. તો તેનો અર્થ એવો થતો હતો કે હરેન હત્યા કેસમાં સીબીઆઈએ પકડેલા આરોપીઓ ખોટા હતા, પણ ખરેખર જેણે હત્યા કરી છે તેઓ પકડાયા જ નથી. હરેનની હત્યા થઈ હતી, તે સત્ય સ્વીકારવું જ પડે તેમ હતું, પણ હત્યા કોણે અને કેમ કરી તે સત્ય હરેનના અંતિમ સંસ્કાર સાથે જાણે પંચમહાભુતમાં વિલીન થઈ ગયું હતું.


 

 

 

 

 

નરેન્દ્ર મોદી સામે લડનારા હારી થાકી હથિયાર મુકી દેતા હતા, તેઓ લડાઈ છોડી દેતા હતા અથવા મોદી સાથે હાથ મીલાવી ભાજપમાં આવી જતા હતા. ઘણાને આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે પોતાના પતિના હત્યારાને ન્યાય મળે તેવી લડાઈ લડતા જાગૃત્તી પંડયાએ હરેનના મોતને ભુલી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો અને આનંદીબહેન પટેલની સરકારમાં તેમને બાળ અને મહિલા આયોગના ચેરમેન થવાનો નિર્ણય કર્યો.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા નીંચેની લિંક પર ક્લિક કરો

http://www.meranews.com/news/exclusive