પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-38): 2002ના તોફાનો બાદ થયેલી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ અનેક નેતાઓના હિસાબ પુરા કરી નાખ્યા હતા. નરેન્દ્ર મોદીને ક્યારેય કોઈ વધુ પડતા બુદ્ધિશાળી નેતા પોતાની સરકારમાં રહે તે પસંદ ન્હોતું અથવા બીજા શબ્દોમાં કહીએ તો પોતાને માટે પડકાર બની શકે તેવા નેતાઓને તેમણે એનકેન પ્રકારે સરકારમાંથી દુર કરી દીધા હતા. જેઓ શક્તિશાળી હતા પણ નરેન્દ્ર મોદીની શરણમાં જતા રહ્યા તેવા નેતાઓ સામે મોદીને વાંધો ન્હોતો. નરેન્દ્ર મોદી જાણતા હતા કે તેમની સરકારમાં બુદ્ધિનો ઉપયોગ કરી શકે તેવા અને ભવિષ્યમાં પોતાના હરિફ થઈ શકે અને તેવા બે નેતાઓ હતા જેમને મોદીએ ટિકિટ તો આપી હતી પણ વિધાનસભાની ચૂંટણીમાં તે બન્ને નેતાઓ હારી ગયા હતા. જેમાં સુરેશ મહેતા અને જયનારાયણ વ્યાસ હતા. આ બંન્ને નેતાઓ ચૂંટણી હારે તેવા કોઈ સંજોગો ન્હોતો છતાં તેઓ હારી ગયા તે વાસ્તવિકતા હતી. હરેન પંડ્યાને તો ટિકિટ જ આપી ન્હોતી જેના કારણે હવે તેમની સરકારમાં તેમની સામે આંખ ઊંચી કરે તેવા કોઈ નેતા ન્હોતા.
 
 
 
 
 
કોંગ્રેસની હાલત બહુ કફોડી થઈ ગઈ હતી. 2002ની ચૂંટણીમાં કોંગ્રેસને હાથે કર્યા હૈયે વાગ્યા હતા. ગોધરા સ્ટેશન ઉપર ટ્રેન સળગી ત્યારે તે ઘટનાને વખોડવામાં કોંગ્રેસે બહુ મોડું કરી દીધું હતું અને ત્યાર બાદ મુસ્લિમોને મોટા પ્રમાણમાં નુકસાન થયું તેના કારણે મુસ્લિમો માટે બોલવાની તેમને ફરજ પડી હતી, પણ તેનો મોદીએ ફાયદો ઉઠાવ્યો અને લોકોના મનમાં ઠાંસી દીધુ કે કોંગ્રેસ એટલે મુસ્લિમોનો પક્ષ અને ભાજપ એટલે હિન્દુઓનો પક્ષ. કોંગ્રેસ પાસે હવે શંકરસિંહ જેવા નેતા હતા જેમને ભાજપની તમામ નીતિરીતીની ખબર હોવા છતાં શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસને બચાવવામાં નિષ્ફળ ગયા હતા. કોંગ્રેસની કારમી હારની આ શરૂઆત હતી. આ બીજી સામાન્ય ચૂંટણી હતી જેમાં કોંગ્રેસ સત્તાથી દુર જઈ રહી હતી. કોંગ્રેસના ગઢ ગણાતા ગામડાઓ અને આદિવાસી વિસ્તાર પણ કોમી તોફાનની ઝપેટમાં આવી ગયા હતા અને આ મતદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જવાનું પસંદ કર્યુ હતું. આ કોંગ્રેસના પતનની નિશાની હતી.
કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, જયનારાયણ વ્યાસ અને હરેન પંડ્યા જેવા નેતાઓ પતાવી દીધા પછી હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સંજય જોષીને નિશાન બનાવવાના હતા. જો કે જોષીને કાઢવા સહેલા ન્હોતા અત્યંત નખશીખ પ્રમાણિક સંજય જોષીને કાઢવા માટે એક ખતરનાક કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેની જવાબદારી અમિત શાહના શીરે હતી. કોઈને ખત્મ કરવામાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ કઇ હીનકક્ષાએ જઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ હતું. મુંબઈમાં ભાજપનું એક અધિવેશન મળવાનું હતું. ગુજરાતમાં ભાજપ સત્તા હોવાને કારણે ગુજરાત ઉપર વિશેષ વ્યવસ્થાની જવાબદારી હતી. ગુજરાતના ઘણા નેતાઓને મુંબઈ અધિવેશનની જવાબદારી સોંપવામાં આવી હતી અને ગુજરાતમા ઘણા નેતાઓ મુંબઈ પહોંચી ગયા હતા. જેમાં કેસરી ખેસ પહેરેલા કેટલાક અજાણ્યા ચહેરા પણ અધિવેશનમાં હાજર હતા. અધિવેશન શરૂ થયું એટલે કેટલાક કાર્યકરો અધિવેશનમાં હાજર નેતાઓ કેટલુંક સાહિત્ય વહેચવા લાગ્યા હતા, તે સાહિત્ય સાથે એક સીડી પણ હતી.
 
 
 
 
 
જો કે અધિવેશન સ્થળે તો કોઈ સીડી જોઈ શકે તેવી વ્યવસ્થા ન્હોતી પણ ખરેખર સીડી વહેંચનાર કોણ હતા તેની કોઈને ખબર ન્હોતી, પણ તે બધા ભાજપના કાર્યકરો ન્હોતા પરંતુ અમિત શાહે મોકલેલા ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડના અધિકારીઓ હતા. કદાચ તેમને પણ ખબર નહીં હોય કે અમિત શાહે જે સીડી લઈ તેમને મોકલ્યા છે તે કોની સીડી છે. અધિવેશન બાદ પોતાના મુકામે પહોંચેલા નેતાઓ જ્યારે તેમણે મળેલી સીડી જોઈ ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા અને સીડી જોઈ બધા નેતાઓ એકબીજાને ફોન કરવા લાગ્યા હતા. તે સીડી સંઘના નેતા સંજય જોષી અને એક મહિલાની હતી. જેમાં સંજય જોષી કોઈ મહિલા સાથે અંગત પળો માણતા હોય તેવા દ્રશ્યો હતા. આ સીડીએ ભાજપમાં ધરતીકંપ લાવી દીધો હતો. જ્યારે સંજય જોષીને આ બાબતની જાણ થઈ ત્યારે સંજય જોશીએ તરત પોતાનું રાજીનામુ ધરી દીધું હતું. આમ સંજય જોશીને ચારિત્રહિન દર્શાવી તેમને ખતમ કરી દેવામાં આવ્યા હતા.
ખરેખર સંજય જોષીને કોઈ મહિલા સાથે સંબંધ હતો કે નહીં તે વ્યક્તિગત બાબત હતી. કારણ કે કોઈ મહિલાએ ક્યારેય સંજય જોશી ઉપર શોષણનો આરોપ મુકયો ન્હોતો પણ આખા પ્રકરણમાં સંજય જોશીને શરમજનક હાલતમાં મુકાઈ જવું પડે તેવી સ્થિતિ મોદી અને શાહે નિર્માણ કરી. જો કે જોષીને વ્યક્તિગત રીતે ઓળખતા સંઘના નેતાઓને પણ શંકા જવા લાગી હતી કે, સંજય જોષીને બદનામ કરવાનો આ કારસો છે, પણ મોદી 2002ના કોમી તોફાન પછી મોટા નેતા થઈ ગયા હતા. જેના કારણે તેમની સામે બોલવાની હિંમત ક્રમશ: બધા ગુમાવી રહ્યા હતા અને મામલો જ પેચીદો હતો. જેમાં સંજય આવુ કરી શકે નહીં તેવું માનતા હોવા છતાં તેમની પાસે સંજયની પ્રમાણિકતાનો કોઈ આધાર ન્હોતો, છતાં ભાજપના નેતાઓએ નક્કી કર્યું કે સંજય જોષીની આ સીડીની ખરેખર તપાસ થવી જોઈએ. ગુજરાતમાં મોદી અને શાહનું શાસન હોવાને કારણે ગુજરાતની તપાસ સામે શંકા ઊભી થવાનો પ્રશ્ન હતો. આખરે મધ્યપ્રદેશ ફોરેનસીક લેબોરેટરીમાં સીડીની તપાસ થઈ અને તેનો રિપોર્ટ આવ્યો ત્યારે ઘણુ મોડું થઈ ચુક્યું હતું, પણ રિપોર્ટ પ્રમાણે સીડી સાથે ચેડા કરી સંજય જોષીનો ચહેરો મોર્ફ કરવામાં આવ્યો હતો.
 
 
 
 
 
(ક્રમશ:)
આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં