પ્રશાંત દયાળ (ખજુરાહોઃ ભાગ-37): ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ફાટી નિકળેલી હિંસા બાદ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન અટલબિહારી બાજપાઈને મળેલી જાણકારી અને વિવિધ એજન્સીઓ દ્વારા આપેલા ઈનપુટને કારણે બાજપાઈ સમજી ગયા હતા કે તોફાન પાછળ નરેન્દ્ર મોદીના ઈરાદા સારા ન્હોતા. જે રીતે આખી ઘટનાને હેન્ડલ કરવામાં આવી તેના કારણે બાજપાઈ દુઃખી થઈ ગયા હતા. તેમણે નરેન્દ્ર મોદીને જાહેરમાં રાજધર્મ બજાવવાની સલાહ પણ આપી દીધી હતી. દિલ્હી પરત ફરેલા બાજપાઈએ નરેન્દ્ર મોદીને હટાવવાનો નિર્ણય લઈ લીધો હતો. ભાજપ હિન્દુત્વના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આવ્યું હતું, પણ બાજપાઈ જેવો નેતા હિંસા અને ધૃણાની રાજનિતીમાં વિશ્વાસ કરતો ન્હોતો. તેઓ નરેન્દ્ર મોદીને હટાવવા માગે છે, તેવી જાણકારી મોદીને મળી ગઈ હતી. તેમણે તરત લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીના પગ પકડી લીધા હતા.

અડવાણી અને જોષીએ મોદીને રાજકીય રક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી હતી અને તેઓ બાજપાઈ પાસે તેમનો નિર્ણય બદલાવી શક્યા હતા. એક વખત મોદીને બદલવાનો નિર્ણય પડતો મુકાયો પછી નરેન્દ્ર મોદી હવે ખુલ્લે આમ હિન્દુત્વની હિમાયત કરી રહ્યા હતા. ગુજરાતનું અપમાન થયું છે તેવો મુદ્દો ઉપસ્થિત કરી તેમણે ગુજરાતામાં ગૌરવ યાત્રા શરૂ કરી હતી. તોફાનો શાંત થઈ ગયા હતા, પણ ગૌરવાત્રામાં તેઓ મીયા મુશરફના નામે મુસ્લિમોને ગાળો આપી રહ્યા હતા. જે બહુમતી હિન્દુઓને પસંદ પડી રહ્યું હતું. નરેન્દ્ર મોદીનો આ વ્યવહાર ઈરાદાપુર્વકનો હતો, કારણ સામે વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી. ગુજરાતના મુસ્લિમો ખેલ બગાડી શકે તેવી એકાદ-બે બેઠકો જ હતી જેના કારણે નરેન્દ્ર મોદીએ મુસ્લિમોની ચિંતા કરવાની જરૂર ન્હોતી.

પ્રજા અને ભાજપના નેતા માની રહ્યા હતા, નરેન્દ્ર મોદીનો ગજબનો કરીશ્મા છે. તેઓ ભાજપના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અને હિન્દુ નેતા છે. હવે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની પહેલી સામાન્ય ચૂંટણીનો સામનો કરવાનો હતો. હવે નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ કરી ભાજપે ચૂંટણી લડવાની હતી. ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું હતું અને નરેન્દ્ર મોદી પોતાનો હિસાબ પુરો કરવાના કામે લાગી ગયા હતા. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ સાથે સંપર્કમાં હોય તેવા તમામ નેતાની ટિકિટ કાપી નાખવાના હતા. જેમાં સૌથી પહેલો ક્રમ હરેન પંડ્યાનો હતો. હરેન પંડ્યા લોકનેતા હતો, હરેન પંડ્યાને ભાજપ ટિકિટ આપે નહીં તેવો કોઈને વિચાર પણ આવતો ન્હોતો. ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે હરેન પંડ્યા એલિસબ્રીજ બેઠક પેટા ચૂંટણીમં જીત્યા હતા પણ નરેન્દ્ર મોદી હવે હરેને ટિકિટ આપવા માગતા ન્હોતા.

હરેન પંડ્યાએ કેશુભાઈ પટેલ સાથે રહેવાની ગુસ્તાખી કરી હતી. તેની સાથે મોદી પેટા ચૂંટણી માટે વિધાનસભાની બેઠક માગતા હતા, પણ હરેન પંડ્યાએ પોતાની બેઠક ખાલી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હરેન પંડ્યા લોકનેતા હોવાની સાથે સંઘ અને દિલ્હીની નેતાગીરી સાથે પણ એટલા જ ઘનીષ્ઠ સંબંધ હતા, એટલે પંડ્યાની ટિકિટ કાપવાનું કામ સહેલુ ન્હોતુ, પણ મોદી હરેનની ટિકિટ કાપવાના જ હતા. જ્યારે ઉમેદવારોની યાદી જાહેર થઈ ત્યારે ખરેખર હરેન પંડ્યાના નામની બાદબાકી થઈ હતી. હરેનને પણ વિશ્વાસ હતો કે મોદી પોતાના વિરોધી હોવા છતાં તેઓ પણ તેમની ટિકિટ કાપી શકે નહીં, પણ હરેનને ટિકિટ મળી નહીં તે વાસ્વીકતા હતી. હરેન પંડ્યાએ તરત પોતાના સંપર્કોને કામે લગાડયા અને નરેન્દ્ર મોદી ઉપર હરેનને ટિકિટ આપવા માટે દબાણ આવવા લાગ્યું. હવે નરેન્દ્ર મોદી એક નાટક કરવાના હતા, તેમને જેવું દિલ્હીથી દબાણ આવ્યું કે હરેન પંડ્યાને ટિકિટ આપો તેની સાથે તેમની છાતીમાં દુઃખાવો ઉપડયાની ફરિયાદ કરી અને તેઓ અમદાવાદ સિવિલમાં ભરતી થઈ ગયા.

પોતાની બીમારીના બહાના હેઠળ હવે મોદી ઉપર કોઈ દબાણ કરે નહીં તેવી સ્થિતિ નિર્માણ થઈ અને વિધાનસભાની ચૂંટણી હરેન પંડ્યા જેવા સારા નેતાની ગેરહાજરીમાં યોજાઈ ગઈ, છેલ્લી ચાર ટર્મની ચૂંટણી જીતતા પંડ્યા હવે ધારાસભ્ય રહ્યા ન્હોતા. નરેન્દ્ર મોદી પોતાને કદાવર નેતા સમજી રહ્યા હતા. તોફાનોને કારણે જંગી બહુમતી આવશે તેવી ધારણા હતી, પણ કેશુભાઈને 123 બેઠકો કોઈ પણ ખોટા ધંધા અને તોફાનો વગર મળી હતી, પણ ગુજરાતના તોફાનમાં એક હજાર કરતા વધુ લોકોની હત્યા પછી પણ મોદી સરકારને 121 બેઠકો મળી હતી. આમ મોદીની લોકપ્રિયતા મતોમાં રૂપાંતરીત થઈ ન્હોતી, તોફાનને કારણે હિન્દુઓ ભયભીત હતા અથવા ભાજપ જ તેમને મુસ્લિમોથી રક્ષણ આપી શકે છે તેવો માહોલ ઊભો થયો હતો. જેના કારણે ભાજપ સત્તા બનાવવામાં સફળ રહ્યો હતો. નવી સરકારની રચના થઈ હતી અને અમિત શાહને ગૃહ વિભાગનો હવાલો સોંપાયો હતો. હવે અનેક નવા ખેલ શરૂ થવાના હતા. જેમાં અનેક લોકોની જીંદગી દાવ ઉપર લાગવાની હતી.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive