પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-35): ભાજપના સાબરમતીના ધારાસભ્ય યતીન ઓઝાને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો, તો પણ ભાજપ સરકારે પોલીસ અધિકારીઓ સામે કોઈ પગલાં ભર્યા નહીં, તેના કારણે ઓઝા ખુબ નારાજ થયા અને તેમણે રાજીનામુ આપી દીધુ હતું. તેના કારણે પેટા ચૂંટણી આવી જેમાં કોંગ્રેસમાં ગયેલા નરહરિ અમીન ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે નરહરિ અમીન ચૂંટાઈ આવ્યા હતા. આમ ભાજપના ગઢ ગણાતા સાબરમતી વિસ્તારમાં ગાબડુ પડ્યુ હતું. આ પરિણામ આશ્ચર્યજનક હતું. ત્યાર બાદ બીજી ઘટના કુદરતી હોનારતની બની, 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરામાં ભુકંપ આવ્યો તેમાં સૌથી મોટું નુકશાન કચ્છમાં થયું હતું. મોટા પ્રમાણમાં જાનમાલનું નુકશાન થયું હતું. સ્વભાવીક હતું કે, આટલી મોટી અચાનક આવેલી હોનારત માટે તંત્ર ક્યારેય તૈયાર હોય નહીં, છતાં ગુજરાત સરકારે કચ્છને બેઠું કરવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. છતાં લોકોની નારાજગી હતી કે તેમની અપેક્ષા પ્રમાણે સરકાર કામ કરી રહી નથી.

દિલ્હી દરબારમાં બેઠેલા નરેન્દ્ર મોદી માટે ગુજરાતની કુદરતી હોનારત અવસર સમાન હતી, લોકો નારાજ થઈ રહ્યા હતા અને તે ખુશ થઈ રહ્યા હતા. કેશુભાઈ પટેલની સરકારની બદનામી થાય તેમાં તેમને રસ હતો. ગુજરાતમાં તેમના માણસો હતા, જે ગુજરાતમાં થતી માહિતી તેમના સુધી પહોંચાડતા હતા. જેમાં મંત્રી જશપાલસિંહ પણ હતા, તેમને કેશુભાઈ પટેલની સરકારમાં હોવા છતાં સરકાર સામે વાંધો હતો. તેમનો આરોપ હતો કે સરકારમાં ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર વ્પાયી ગયો છે. તેઓ કેબીનેટમાં પણ આ અંગે ફરિયાદ કરતા હતા. મોદીએ જશપાલસિંહ જેવા નેતાઓને હાથ ઉપર લીધા હતા, જશપાલસિંહ કેબીનેટમાં થતી ચર્ચાઓ પત્રકારો સુધી પહોંચડતા હતા અને અખબારમાં તે સમાચાર રૂપે પ્રસિધ્ધ થાય એટલે તેના પેપર કટીંગ તેઓ નરેન્દ્ર મોદીને દિલ્હીને મોકલી આપતા હતા. નરેન્દ્ર મોદી તે પેપર કટીંગ લઈ લાલકૃષ્ણ અડવાણી પાસે લઈ જતા હતા અને કેશુભાઈ પટેલનું રાજ ખાડે જઈ રહ્યું છે, તેવી સતત ફરિયાદ કરતા હતા.

નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલથી નારાજ નેતાઓની યાદી તૈયાર કરી નાંખી હતી, તેવી જ રીતે કેશુભાઈ પટેલનો વિરોધ કરતા અથવા સરકાર વિરોધી સમાચાર લખતા પત્રકારોને હાથ ઉપર લીધા હતા. આ બધા સાથે નરેન્દ્ર મોદી અત્યંત નમ્રભાવે અને પ્રેમથી વાત કરતા હતા, પણ નરેન્દ્ર મોદીની નમ્રતા અને પ્રેમ પાછળનું રહસ્ય હજી કોઈને સમજાયું ન્હોતું. નરેન્દ્ર મોદી પોતાના દુશ્મનને ક્યારે માફ કરી શકતા નથી અને તેઓ કોઈ પણ સંજોગોમાં કેશુભાઈ પટેલ અને સંજય જોષી સહિત તેમની સાથે રહેલા લોકોને માફ કરવા માગતા ન્હોતા. તેઓ તમામનો વિણી વિણી હિસાબ કરવાના હતા. આ સમયમાં નરેન્દ્ર મોદીની સાથે તેમના હનુમાન તરીકે અમિત શાહ હતા. તેઓ મોદીની તમામ યોજનાઓને અંજામ આપવાનું કામ કરતા હતા. નરેન્દ્ર મોદી પાછળ ગુજરાત આઈબીના અધિકારીઓ લાગ્યા હોવાને કારણે તેઓ ગુજરાતના નેતાઓને હવે દિલ્હી બોલાવવા લાગ્યા હતા.

દિલ્હી નરેન્દ્ર મોદીને મળવા જનાર ઘણા નેતાઓ હતા, તે તમામને નરેન્દ્ર મોદી કોઈને કોઈ લાલચ આપી અડવાણી પાસે લઈ જતા હતા અને ગુજરાતના નેતાઓ કેશુભાઈ પટેલના શાસનમાં થયેલી ગરબડો અંગે અડવાણીને સતત રજૂઆત કરતા હતા. સાબરમતી વિધાનસભામાં થયેલી ભાજપને હારને નરેન્દ્ર મોદીએ હથિયાર બનાવી, ગુજરાતના નેતાઓની ફરિયાદમાં સમર્થનમાં કહ્યું કે, આજે સાબરમતી હારી ગયા છે, આવતીકાલે ગુજરાત હાથમાંથી જતુ રહેશે.

શંકરસિહે બળવો કર્યો ત્યારે શંકરસિંહ કાશીરામ રાણાને મુખ્યમંત્રી બનાવવા માગતા હતા, પણ ત્યારે મોદીએ જ વિરોધ કરાવી તેમનું નામ રદ કરાવ્યું હતું. જો કે પોતે મુખ્યમંત્રી થઈ શકયા નથી, તેનો વસવસો કાશીરામ રાણાને ખુબ હતો. નરેન્દ્ર મોદીએ તેમની દુઃખતી નસ ઉપર હાથ મુકયો અને કહ્યું કાશીરામભાઈ મને ખુબ દુઃખ થાય કે પાર્ટીએ તમને મુખ્યમંત્રી બનાવ્યા હોત તો આ દિવસોમાં પાર્ટીને જોવું પડતું નહીં, પણ હવે બહુ થયુ તમારે મુખ્યમંત્રી થઈ જવું જોઈએ.

નરેન્દ્ર મોદી હવે પોતાની તરફેણમાં છે તેવું લાગતા કાશીરામ રાણા અને તેમના સાથીઓ કેશુભાઈ પટેલને હટાવવા માટે તૈયાર થઈ ગયા હતા, તેઓને ખબર ન્હોતી કે મોદી તેમની સાથે રમત કરી તેમનો ઉપયોગ કરી રહ્યો છે. નરેન્દ્ર મોદીને જે ખપ હોય તેનો ઉપયોગ કરી લેવાની સારી આવડત તેમનામાં હતી અને પોતાનું કામ પુરૂ થઈ જાય પછી તેને લાત મારતા સંકોચ પણ થતો ન્હોતો. મોદીએ કાશીરામને તૈયાર કર્યા અને તેઓ જુદા જુદા પ્રતિનિધિ મંડળ લઈ લાલકૃષ્ણ અડવાણીને પાસે જતા હતા અને કેશુભાઈ પટેલને હટાવવવાની માગણી કરવા લાગ્યા હતા. ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ ફરિયાદ કરી રહ્યા હતા, તેને પક્ષ અવગણી શકે તેમ ન્હોતો અને હવે ભાજપ હાઈકમાન્ડ પણ કેશુભાઈ પટેલ અંગે વિચરાતું થયુ હતું. જો કે કેશુભાઈ પટેલ જેવા દેશી માણસ તેમની પાછળ રમાઈ રહેલી રમતથી સાવ અજાણ હતા. તેમને ખબર જ ન્હોતી કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવી રીતે વિરોધી ઊભા કરી રહ્યા છે.

ભાજપ હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીની વાત સ્વીકારી લીધી હતી અને કેશુભાઈ પટેલને હટાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય કરી લીધો હતો, પણ કેશુભાઈ પટેલને હટાવ્યા પછી કેશુભાઈ પટેલના સ્થાને કોને મુખ્યમંત્રીની ખુરશી સોંપવી તે અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન્હોતો. તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી, હવે નરેન્દ્ર મોદીએ સંઘની નેતાગીરીને પોતાનું લોબીંગ કરવા માટે અડવાણીની પાછળ મુકી દીધા હતા. તેઓ નરેન્દ્ર મોદીને સત્તાનું સુકાન સોંપવા દબાણ કરી રહ્યા હતા. આ વખતે ગુજરાતના બહુ સિનિયર પત્રકાર અને શંકરસિંહના મિત્ર દિગંત ઓઝા દિલ્હીમાં હતા. તેમણે નરેન્દ્ર મોદીને પુછ્યું કે તમે તો મુખ્યમંત્રી થઈ રહ્યા નથીને.. ત્યારે મોદીએ દિગંત ઓઝાને સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા કહ્યું કે હું સંઘના પ્રચારક તરીકે રહેવા માગુ છું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive