પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-33): શંકરસિંહે ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરાવી નાખ્યું તેનો આધાત તેમની પાર્ટીના નેતાઓની સાથે કોંગ્રેસ અને ભાજપને પણ ન્હોતો. 1998નું વર્ષ હતું, ભાજપે બાપુની સરકાર તોડી પાડવાનો કારસો ઘડ્યો હતો, પણ તે પહેલા બાપુએ જ પોતાની સરકારનું વિસર્જન કરાવી નાખ્યું હતું. જેના કારણે ચૂંટણી પંચે નવેસરથી ચૂંટણી કરાવવાની હતી. હવે તમામ પક્ષોએ પોતાની તાકાત કામે લગાડવાની હતી. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા પાર્ટી હમણાં સુધી સાથે હતા, પણ હવે તેમણે પણ ચૂંટણી કેવી રીતે લડવી તેની રણનિતી ઘડવાની હતી. કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે ફરી ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. 1995માં કેશુભાઈ પટેલને આગળ કરી ચૂંટણી જીત્યા હતા, પણ તે સરકાર માત્ર છ મહિના જ ચાલી હતી. જેના કારણે ભાજપ ફરી એક વખત કેશુભાઈના ચહેરાનો ઉપયોગ કરવાનું હતું.

કોંગ્રેસ અને રાજપની મીટિંગ્સનો દૌર શરૂ થયો હતો. કોંગ્રેસ તરફથી સી ડી પટેલ અને રાજપ તરફથી મધુસુદન મિસ્ત્રી મિટીંગ્સમાં જતા હતા. સી ડી પટેલને બાપુ અને રાજપની સુગ હતી પણ રાજકીય મજબુરીને કારણે તેમને રાજપ સાથે મીટિંગમાં બેસવાની ફરજ પડતી હતી. કોંગ્રેસ અને રાજપ સંયુક્ત રીતે ચૂંટણી લડશે તેવો પ્રારંભીક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે બેઠકોની ફાળવણની મીટિંગ્સ થતી હતી. હમણાં સુધી કોંગ્રેસ ગુજરાતની તમામ બેઠકો એટલે કે 182 બેઠકો ઉપર ચૂંટણી લડતી જ હતી. જ્યારે ભાજપમાંથી છુટા પડેલા 48 ધારાસભ્યો બાપુ સાથે હતા જે હવે રાજપાના નામે ચૂંટણી ચૂંટણી લડવાના હતા. સી ડી પટેલનો મત હતો કે જેટલા રાજપના ધારાસભ્યો છે એટલી બેઠકો કોંગ્રેસ છોડી દેશે, ત્યાં માત્ર રાજપ જ ચૂંટણી લડે, પણ શંકરસિંહને ખબર હતી કે ચૂંટણી પછી રાજપની બેઠક સંખ્યા ઓછી હોય તો સત્તાનું પલડુ કોંગ્રેસ તરફ જાય કારણ તેની સંખ્યા સ્વભાવીક વધી જતી હતી.

જેના કારણે રાજપ વતી મધુસુદન મિસ્ત્રી વધુ બેઠકો રાજપને ફાળવવામાં આવે તેવો હઠાગ્રહ કરી રહ્યા હતા. બંન્ને પક્ષે તણાવ વધી રહ્યો હતો, સી ડી પટેલ વ્યવહારીક વાત કરી રહ્યા હતા જ્યારે મધુસુદન બાપુની સ્ક્રીપ્ટ પ્રમાણે બેઠકો માંગી રહ્યા હતા. એક બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ અને મધુસુદન બેઠક છોડી ઊભા થઈ ગયા. આ બેઠક બાદ કોંગ્રેસ અને રાજપે અલગ અલગ રીતે 182 બેઠકો ઉપર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. હવે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ થવાનો હતો. ગુજરાતમાં જ્યારે પણ ત્રીપાંખીય જંગ થયો ત્યારે ત્રીજા પક્ષનું કાયમ ધોવાણ જ થયું હતું, તેમ છતાં બાપુ ત્રીજા પક્ષ તરીકે રાજપાના બેનર હેઠળ ચૂંટણીમાં આવી રહ્યા હતા. બાપુ અને કોંગ્રેસને ખબર પડી નહીં કે જે રીતે બાપુએ સત્તા હાંસલ કરી અને કોંગ્રેસે જે રીતે ભાજપની સરકાર તોડવામાં બાપુનો સાથ આપ્યો તે વાત પ્રજાને જરા પણ ગમી ન્હોતી અને હવે પ્રજાએ પોતાનો ચુકાદો આપવાનો સમય આવી ગયો હતો.

કેશુભાઈ પટેલ કુનેહપુર્વક આગળ વધી રહ્યા હતા. તેમને ખાતરી હતી કે તેઓ ચૂંટણી જીતી જવાના  છે ત્યાર બાદ કોઈ મુશ્કેલી ઊભી થાય નહીં તે માટે તેઓ આખી ચૂંટણી પ્રક્રિયમાં નરેન્દ્ર મોદીને દુર રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોદી માની રહ્યા હતા કે તેમના વગર ચૂંટણી જીતી શકાય નહીં, પણ ચૂંટણી જીતવાનું બીડુ કેશુભાઈ અને સંજય જોષીએ ઉપાડી લીધું હતું. તેઓ ખુબ પ્રચાર કરતા હતા, તેમને માત્ર પ્રજાને બાપુના દગાની અને કોંગ્રેસની ભૂમિકાની યાદ અપાવવાની હતી. તેમાં તોએ સફળ રહ્યા હતા, પ્રજા શાંત હતી પણ તે બાપુને સબક શીખવાડવાની હતી. ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું ત્યારે બાપુના રાજપના સુપડા સાફ થઈ ગયા હતા. રાજપ ત્રીજા ક્રમે હતો. પહેલા ક્રમે રહી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપે 123 બેઠકો મેળવી જંગી બહુમતી મેળવી હતી. જ્યારે રાજપના ફાળે માત્ર ચાર બેઠકો આવી હતી. આ ચારેય ઉમેદવાર પણ પોતાની તાકાત ઉપર ચૂંટણી જીત્યા હતા.

સામાન્ય રીતે અંતિમસંસ્કારમાં નનામી ઉપાડવા માટે ચાર માણસોની જરૂર પડે છે તેવી જ સ્થિતિ બાપુની રાજપની નનામી ઉપાડવા માટે માત્ર ચાર ઉમેદવાર જ જીત્યા હતા. 1998માં કેશુભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી તરીકે સત્તા ઉપર આવ્યા હતા, પણ તેમણે પોતાના મંત્રીમંડળમાં નરેન્દ્ર મોદી સાથે હોય તેવા એક પણ ધારાસભ્યને સ્થાન આપ્યું ન્હોતું, જેનું નરેન્દ્ર મોદીને ખુબ માઠું લાગ્યું હતું. મોદીને એટલો જ ગુસ્સો સંજય જોષી સામે પણ હતો જે જોષીને તેઓ સંઘમાંથી ભાજપમાં લાવ્યા હતા તેઓએ પણ મોદી સાથે રહેવાને બદલે કેશુભાઈ સાથે રહેવાનું પસંદ કર્યુ હતું. હવે મોદી કેશુભાઈને શાંતિથી બેસવા દેવાના ન્હોતા.

(ક્રમશ:)

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/MeraNewsGuj

ટ્વિટર: https://twitter.com/meranewsgujarat