પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-32): આત્મારામ પટેલ સહિત રાષ્ટ્રીય જનતા પાર્ટીના મંત્રીઓ ભાજપના સંપર્કમાં આવ્યા હોવાની જાણકારી શંકરસિંહ વાઘેલાને મળી ચુકી હતી. દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવવાને કારણે રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ઊભી થયેલી નારાજગીનો હવે ભાજપ ફાયદો ઉઠાવવાની તૈયારીમાં હતું. ભાજપ રાજપામાં ભંગાણ પડાવી નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું હતું, જેમાં કોંગ્રેસે ટેકો આપી ભાજપનો ખેલ બગાડ્યો હતો. તેમ ભાજપ હવે બાપુના એક જુથને પોતાની તરફ કરી ભાજપના ટેકાથી નવી સરકાર બનાવવાની ફિરાકમાં હતું. જો કે ભાજપને સફળતા મળવાની શકયતા બહુ ઓછી હતી, છતાં ભાજપ તરફથી શરૂ થયેલા પ્રયાસે બાપુને ડીસ્ટર્બ કરી નાખ્યા હતા.

એક તરફ કોંગ્રેસ પ્રમુખ સી ડી પટેલને કારણે પોતાને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું તેનો ગુસ્સો હતો, હવે પોતાના લોકો સાથ છોડી દેવાની તૈયારીમાં હતા. આખરે વાત તો બધાની સત્તા લાલસાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની જ હતી, પણ શંકરસિંહ જે વિચારી રહ્યા હતા, તેવું પણ કઈ થઈ શકે તેવી કોઈ ગુજરાતના નેતાઓને કલ્પના ન્હોતી. બાપુ પાસે એકથી એક યુનિક આઈડિયા હતા. જેના કારણે ચેસની રમતમાં અણધારી ચાલ ચાલવામાં આવે અને રાજાને ચેકમેટ થાય તેવું જ થઈ રહ્યું હતું. બાપુના શાસનમાં ગાંધીનગરમાં જ મળતી કેબીનેટ બેઠક અલગ અલગ જિલ્લામાં મળવા લાગી હતી. તેના કારણે બાપુએ કેવડિયા કેબીનેટ રાખવાની સૂચના આપી તેનું કોઈને આશ્ચર્ય થયુ નહીં, પણ બાપુએ ગાંધીનગરથી દુરના અંતરે કેબીનેટ રાખી તેમાં ચોક્કસ ગણતરીઓ હતી. જેમાં ગાંધીનગરથી મુસાફરીના કલાકોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.

મંત્રીઓને કાર લઈ જવાની સૂચના હતી, જ્યારે સિનિયર અને વરિષ્ઠ નેતા આત્મારામ પટેલને મુખ્યમંત્રીના હેલીકોપ્ટરમાં જવાનું હતું. કદાચ હેલીકોપ્ટરમાં જવાની સૂચનાને આત્મારામ પટેલે હકારાત્મક વાત માની હતી. તેમને લાગી રહ્યું હતું કે, તેમની સિનિયોરીટીને કારણે તેમને માન મળી રહ્યું છે. કેબીનેટના દિવસે મંત્રીઓ પોતાની સરકારી કારમાં કેવડિયા પહોંચ્યા જ્યારે દિલીપ પરીખ અને આત્મારામ પટેલ હેલીકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા હતા.

કેબીનેટનો એજન્ડા પહેલાથી નક્કી જ હતો જેમાં કેવડિયા અને તેની આસપાસના વિસ્તારના પ્રશ્નનો નિરાકરણ માટેના કેટલાક આદેશો હતા. મંત્રીઓને રાજ્ય સરકારના ઠરાવોની કોપી આપી દેવામાં આવી હતી. રાજ્યના વિકાસની અને પ્રશ્નોના કામોની વાત હતી, બધા કામો તેઓ જોઈ ગયા. કોઈને તેમાં કોઈ પ્રશ્ન થયો નહીં, પણ એક મહત્વની વાત ઉપર કોઈનું ધ્યાન ન ગયું, જે કામ કેબીનેટમાં રજુ થયું તે કાગળ ઉપર છેલ્લે સુધી લખાણ લખેલા હતા. ઠરાવની નીચે મંત્રીઓની સહિ કરવાની જગ્યા જ ન્હોતી, મંત્રીઓ કાગળ નીચે સહિ ક્યાં કરશે તેવો કોઈને પણ થયો નહીં, પણ કાગળ જે રીતે ટાઈપ થયો હતો તે ઈરાદાપુર્વકનો હતો. જેમાં મંત્રીઓને સહિ કરવાની જગ્યા રાખવામાં આવી ન્હોતી. કેબીનેટમાં વિવિધ કામોની ચર્ચા થઈ અને તે મંજુર કરવામાં આવ્યા પણ મંજુર થયેલા કામ ઉપર મંત્રીમંડળે સહિ કરવાની હોય છે.

જ્યારે કામ મંજુર થયા અને મંત્રીઓની સહિ લેવાનો પ્રશ્ન આવ્યો ત્યારે કામનો પાછળ એક કોરો કાગળ જોડી દેવામાં આવ્યો અને મંત્રીઓની સહિ લેવામાં આવી, મંત્રીઓ માની રહ્યા હતા કે કેબીનેટના મંજુર થયેલા કામો ઉપર તેમની સહિ લેવામાં આવી છે, પણ બાપુનો આ પ્રપંચ હતો. જે કોરા કાગળ ઉપર મંત્રીઓએ સહિ કરી હતી, તેનો ઉપયોગ બીજે જ ક્યાંક થવાનો હતો. કામોનો કાગળ નિકળી જવાનો હતો અને ત્યાં એક બીજો કાગળ જોડાઈ જવાનો હતો. કેબીનેટ પુરી થઈ એટલે મંત્રીઓ જમવા માટે બહાર આવ્યા, પણ ત્યારે અચાનક ધ્યાનમાં આવ્યું કે મુખ્યમંત્રી દિલીપ પરીખ અને ગૃહરાજય મંત્રી વિપુલ ચૌધરી જતા રહ્યા છે. તેઓ બંન્ને હેલીકોપ્ટરમાં નિકળી ગયા હતા. આત્મારામ પટેલ તો હેલીકોપ્ટરમાં આવ્યા હતા, તેમને સૂચના મળી કે મુખ્યમંત્રીને એક અગત્યના કામે તાત્કાલીક ગાંધીનગર જવું પડયું છે. માટે તમે કોઈ મંત્રી સાથે કારમાં ગાંધીનગર આવી જશો.

હવે મુખ્યમંત્રી દિલીપ પરીખ અને વિપુલ ચૌધરીને એવું કયું અગત્યનું કામ આવ્યું કે તે કામ અંગે મંત્રીમંડળમાં પણ કોઈ જાણતુ ન્હોતું અને મુખ્યમંત્રીએ જતા પહેલા પણ કોઈને જાણ કરી નહીં. મંત્રીમંડળને સભ્યોને ખબર ન્હોતી કે શું થવાનું છે. ગાંધીનગર હેલીકોપ્ટ લેન્ડ થયું તેની સાથે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા તેમની પાસે કેટલાક ટાઈપ કરેલા કાગળો હતા, તે કાગળની પાછળ મંત્રીમંડળે સહી કરેલા કાગળો જોડી દેવામાં આવ્યા અને તે કાગળ લઈ દિલીપ પરીખ અને વિપુલ ચૌધરી સીધા રાજ્યપાલ કૃષ્ણપાલસિંહને મળવા ગયા હતા.

દિલીપ પરીખે મંત્રીમંડળમાં લેવામાં આવેલા નિર્ણયની રાજ્યપાલને જાણ કરી, ત્યારે રાજ્યપાલના ચહેરા ઉપર એક વિચિત્ર સ્મીત હતું. કેવડિયાથી અમદાવાદ આવી રહેલા મંત્રીઓના મોબાઈલ ફોન એકદમ રણકવા લાગ્યા અને ફોન ઉપાડયા પછી બધાને એક સરખુ આશ્ચર્ય થયું હતું. કારણ એવુ હતું કે રાજ્યપાલ કૃષ્ણપાલસિંહે મંત્રીમંડળના નિર્ણય અનુસાર વિધાનસભાનું વિસર્જન કરી રાષ્ટ્રપતિ શાસન નાખી દીધુ હતું.

મંત્રીઓને પોતાના આશ્ચર્યને સમજતા સમય લાગ્યો નહીં, જે કોરા કાગળ ઉપર તેમની સહીઓ લેવામાં આવી હતી તેનો ઉપયોગ કરી વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું, બાપુને શંકા હતી કે આત્મારામ પટેલ ભાજપના સંપર્કમાં હોવાને કારણે વિધાનસભાના વિસર્જન માટે તૈયાર થશે નહીં તેના કારણે તેમને હેલીકોપ્ટરમાં સાથે લઈ ગયા અને ત્યાં છોડી તેઓ પાછા આવે તે પહેલા વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/MeraNewsGuj/

ટ્વિટર: https://twitter.com/MeraNewsGujarat