પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-31): આખરે શંકરસિંહ વાઘેલા રાજ્યપાલ સામે જઈ પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું હતુ. તેમણે પોતાના આનુગામી તરીકે પસંદ કરેલા ઉદ્યોગપતિ દિલીપ પરીખે નવા મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા. હવે મુખ્યમંત્રીની ચેમ્બરમાં દિલીપ પરીખ બેસતા હતા, પણ શાસનની ડોર બાપુના હાથમાં હતી. નાના-મોટા તમામ નિર્ણયો બાપુને પુછીને થતા હતા. આમ તો સત્તાનું સુકાન બાપુના જ હાથમાં હતું. છતાં બાપુને મુખ્યમંત્રીની ખુરશી છોડવાનું દુઃખ હતું. બીજી તરફ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં પણ હવે બંધ બારણે ચર્ચાઓ થવા લાગી હતી. દિલીપી પરીખ જેવા જુનિયરના હાથ નીચે મંત્રીમંડળમાં કામ કરવુ પડે તે સિનિયર મંત્રીઓને અપમાન લાગતું હતું. બાપુને આવું થશે તેવો અંદાજ હતો, પણ નારાજ સાથીઓ કઈ કરી શકશે નહીં તેવો પાક્કો વિશ્વાસ હતો.

એક વખત ભાજપ છોડીને રાજપામાં આવેલા નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ હતા અને તેઓ કોંગ્રેસમાં જશે નહીં તેવી ખાતરી હતી, પણ દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બાપુના નજીકના માણસોમાં ગણગણાટ શરૂ થયો હતો. તેની જાણકારી ભાજપના નેતાઓને મળી ગઈ, આ તેમના માટે મોકો હતો. કારણ અસંતોષના માહોલમાં જ દિવાસળી ચાંપાય અને તો જ આગ લાગે. આ સ્થિતિનો હવે ભાજપ ફાયદો લેવા માગતુ હતું. બાપુ સત્તાના નશામાં અભિમાની થઈ ગયા હતા. હવે તેમને પોતાના સિવાય કોઈની દરકાર ન્હોતી. તેઓ માનતા હતા કે હવે તેમને કોઈ હટાવી શકે તેમ નથી, પણ બાપુના વધુ પડતા આત્મવિશ્વાસમાં ભાજપે સુરંગ ખોદી કાઢી હતી. તે સુંરગ વાટે ભાજપના નેતાઓએ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી હતી. જે નેતાઓ બળવા બાદ પોતાનો પડછાયો લેવાનું પણ પસંદ કરતા ન્હોતા. તેવા ભાજપના નેતાઓ રાષ્ટ્રીય જનતા પાર્ટીના નેતાઓને પ્રેમથી મળવા લાગ્યા હતા. રાજપમાં તેમને અન્યાય થઈ રહ્યો છે તેવા તેમના સુરમાં તેઓ પોતાના સુર પુરાવતા હતા. ભાજપના નેતાઓએ વિઠ્ઠલ રાદડિયા અને રાઘવજી પટેલ જેવા કદાવર પટેલ નેતાઓને મળી લીધુ હતુ.

જેમાં ભાજપને ખ્યાલ આવી ગયો હતો કે, ઢોલ વાગે ત્યારે અંદરથી પોલુ હોય તો જ વાગે અને અસંતોષનો જે ઢોલનાદ થઈ રહ્યો છે તેમાં ગંગા સ્નાન જેવું કોઈ પુણ્ય નથી. ભાજપ એક ચાલ રમ્યું, શંકરસિંહ સહિત અનેક લોકોને ખબર પડે તે રીતે કેશુભાઈ પટેલ દ્વારા બાપુના એકદમ અંગત આત્મારામ પટેલને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આત્મારામ આમંત્રણ સ્વીકારી જમવા આવશે જ તેવી કોઈ ખાતરી ન્હોતી, પણ તેઓ કેશુભાઈના ઘરે જમવા આવ્યા હતા. કેશુભાઈ પણ આત્મારામના જુના સાથી હતા, બંન્ને નેતાઓ સાથે શ્રીખંડ પુરી જમ્યા હતા. જમ્યા પછી બંન્ને નેતાઓએ પોતાના જુના દિવસો યાદ કરી ખુબ વાતો કરી હતી. કેશુભાઈ હળવેકથી વાતનો મમરો મુકતા કહ્યું પાર્ટીમાં સિનિયર તો તમે છો તેમ છતાં દિલીપભાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવે તે જરા મને કઠ્યું. આત્મારામ કઈ બોલ્યા નહીં, પણ કેશુભાઈએ તેમની દુઃખતી નસ ઉપર હાથ મુકી દીધો હતો. ખરેખર તો બાપુએ મુખ્યમંત્રી ન્હોતું રહેવું તો તમને મુખ્યમંત્રી બનાવવા જોઈતા હતા, તેવું પણ કેશુભાઈ પટેલે કહ્યું હતું.

આખરે આત્મારામે ખુલીને પોતાની નારાજગી વ્યકત કરી, પણ હવે તેમની પાસે બાપુ સાથે રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી તેવી મજબુરી પણ જણાવી હતી. આ વાકય પકડી લેતા જ કેશુભાઈએ દાણો ચાપ્યો કે રાજપા છોડી ભાજપમાં આવવાની વાત કરતો જ નથી. તમે જ્યા છો ત્યાં જ રહો, પણ જો તમે તૈયાર થાઓ તમારા સાથીઓ સાથે ભાજપ તમને ટેકો આપવા તૈયાર છે. તમે મુખ્યમંત્રી થઈ જાવ, ભાજપ તરફથી આવેલી દરખાસ્ત ખોટી ન્હોતી, છતાં આત્મારામે કોઈ જવાબ આપ્યા વગર વિચાર કરવાનો સમય માંગ્યો હતો. આત્મારામ મળવા ગયા તે વાત જગજાહેર હતી, પણ કેશુભાઈ સાથે તેમણે શું ચર્ચા કરી તેની કોઈને ખબર ન્હોતી, પણ શંકરસિંહ પણ માહિર ખેલાડી હતા. તેમણે પણ પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. એક તો તેમને માહિતી મેળવવાની હતી કે, મિટીંગમાં શું થયું છે, અને બીજો તેમનો ગુસ્સો પણ હતો કે આત્મારામ પટેલ કેશુભાઈને મળવા જ શા માટે ગયા હતા. બાપુને ખબર હતી કે તેમની મીટીંગની વાત બહુ જલદી તેમના સુધી આવી જશે.

થોડાક જ દિવસમાં કેશુભાઈ અને આત્મારામ વચ્ચે થયેલી ચર્ચાની માહિતી બાપુ પાસે આવી ગઈ, આ સાંભળી તેઓ છળી પડયા. ફરી એક વખત સત્તા ગુમાવવાના ડર સાથે પોતાના જ માણસો ગદ્દારી કરી રહ્યા છે, તેવો અંદાજ આવવા લાગ્યો હતો. હવે તેના રસ્તા કયા હોઈ શકે તે અંગે બાપુ વિચારવા લાગ્યા હતા, બાપુનું શાસન એક વર્ષ ચાલ્યુ હતું અને દિલીપી પરીખની સરકારને હજી માંડ ચાર મહિના થયા હતા ત્યાં પાછી એક નવી ઉપાધી આવી હતી. ફરી રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ભંગાણનો અંશાર તેમને દેખાઈ રહ્યો હતો, પણ તેમના દિમાગમાં જે પ્લાન આવ્યો તે ગજબનો હતો. જેની મુખ્યમંત્રી દિલીપ પરીખને પણ ખબર ન્હોતી, સરકાર તૂટી જાય તે પહેલા તેમણે પોતાનો પ્લાન અમલમાં મુકવાનો હતો. નજીકના વિશ્વાસુ બે ચાર નેતાઓ સાથે તેમણે વાત કરી અને દિલીપ પરીખને સૂચના આપી કે આગામી બુધવારે મળનારી કેબીનેટની બેઠક કેવડિયા કોલોની રાખવામાં આવે કારણ તે વિસ્તારના પ્રશ્નો પુષ્કળ છે. જેની તેઓ કેબીનેટમાં ચર્ચા કરવાના છે.

દિલીપ પરીખે મંત્રીમંડળના સભ્યોને જાણ કરી કે અગામી કેબીનેટ કેવડિયા કોલોનીમાં છે અને તમામ મંત્રીઓ પોતાની કારમાં કેવડિયા પહોંચી જવાનું છે. કેબીનેટના દિવસે મંત્રી પોતાની સરકાર કારમાં કેવડિયા જવા રવાના થયા. જ્યારે આત્મારામ પટેલને મુખ્યમંત્રી દિલીપ પરીખે જણાવ્યું કે આપણે સાથે હેલીકોપ્ટરમાં કેવડિયા જઈશું. તેથી આત્મારામ અને પરીખ હેલીકોપ્ટરમાં કેવડિયા જવા રવાના થયા હતા. હવે બાપુ જે ગેઈમ કરવાના હતા તે ભયંકર હતી જેની મંત્રીઓને પણ ખબર ન્હોતી.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

 

 

ફેસબુક પેજ: https://www.facebook.com/MeraNewsGuj/

 

 

 

 

ટ્વિટર: https://twitter.com/MeraNewsGujarat