પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-30): શંકરસિંહના શાસનમાં વઘેલા ભ્રષ્ટાચાર અને તેના કારણે કોંગ્રેસને થઈ રહેલા નુકસાનને કારણે પ્રદેશ પ્રમુખ ખુબ વ્યગ્ર હતા, તેઓ હાઈકમાન્ડને વારં-વાર શંકરસિંહને સમજાવવા માટે વિનંતી કરતા હતા, પણ શંકરસિંહ સતત કોંગ્રેસનું નામ લીધા વગર કોંગ્રેસનો ટેકો હોવા છતાં તેની ટીકા કરી રહ્યા હતા. અમદાવાદના કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરીની હાજરીમાં બાપુએ સરકાર જાય તો જુતે મારે તેવું નિવેદન કરતા સી ડી પટેલ ઉશ્કેરાયા અને તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને અલ્ટીમેટમ આપી દીધુ હતું કે શંકરસિંહ મુખ્યપ્રધાન રહેતા હોય તો હું પ્રદેશ પ્રમુખ રહેવા તૈયાર નથી. કોંગ્રેસ સી ડી પટેલના સ્વભાવથી પરિચિત હતી. એક વખત સી ડી પટેલ નારાજ થઈ જાય પછી તેમને મનાવવા અઘરા હતા. બીજી તરફ સી ડી પણ જાણતા હતા કે ભાજપને સત્તાથી દુર રાખવા માટે બાપુને ટેકો આપવો પડે તે કોંગ્રેસની રાજકીય મજબુરી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે કઈક રસ્તો કાઢવા માટે શંકરસિંહ અને સી ડી પટેલને દિલ્હી ખાતે ચર્ચા કરવા બોલાવ્યા. બાપુ ખુબ અપસેટ હતા. તેમને કોંગ્રેસ હાઈકમાન્ડ ચર્ચા કરવા બોલાવે તે તેમના સ્વભાવને અનુરૂપ ન્હોતુ, પણ કોંગ્રેસના ટેકા વગર તેમની સરકાર ચાલી શકે તેમ ન્હોતી. સાથે સી ડી પટેલ સાથે સંબંધ પણ સારા રહ્યા ન્હોતા, તેના કારણે હાઈકમાન્ડનો નિર્ણય માનવા સિવાય કોઈ રસ્તો ન્હોતો. સી ડી પટેલ અને શંકરસિંહ એક જ વિમાનમાં દિલ્હી જવા રવાના થયા. જો કે તેમની વચ્ચે કોઈ ખાસ રાજકીય ચર્ચા થઈ નહીં. દિલ્હીમાં અહેમદ પટેલની હાજરીમાં મીટીંગનો દૌર શરૂ થયો. સી ડી પટેલ અને બાપુએ એકબીજાના વાંધા અહેમદ પટેલ સામે મુકયા. અહેમદ પટેલે બંન્ને નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ સી ડી પટેલ જીદ લઈ બેઠા હતા કે બાપુ મુખ્યમંત્રી રહેતા હોય તો તેઓ કોઈપણ સંજોગોમાં ટેકો આપી શકે તેમ નથી. અહેમદ પટેલ પાસે હવે કોઈ રસ્તો ન્હોતો. તેમની પાસે એક વિકલ્પ હતો તે તેમણે બાપુ સામે મુકયો.

અહેમદ પટેલે જે વચલો રસ્તો બતાડયો તે સાંભળી બાપુ સ્તબ્ધ રહી ગયા. તેમને અંદાજ ન્હોતો કે કોંગ્રેસ તરફથી આવી કોઈ દરખાસ્ત આવશે. પહેલા તો તે આ દરખાસ્ત સાંભળી ગુસ્સે થઈ ગયા, પોતાની નારાજગી પણ બતાડી અને તમામ સંબંધનો અંત લાવવાની વાત પણ કરી દીધી. અહેમદ પટેલ જે કહી રહ્યા હતા, તે બાપુ માટે અસહ્ય હતું. બાપુનો ગુસ્સો શાંત થયા બાદ અહેમદ પટેલે ફરી તેમને સમજાવતા કહ્યું પ્રમુખ પણ જીદ કરશે અને તમે પણ જીદ કરશો, તો કોંગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ પોતાના પ્રદેશ પ્રમુખને નારાજ કરી તમને ટેકો ચાલુ રાખી શકે તેવી સ્થિતિમાં નથી. વાતચીતમાં સામાન્ય રીતે અત્યંત ધીમા અવાજે વાત કરતા અહેમદ પટેલે પોતે જે કઈ કહેવાનું હતું તે સ્પષ્ટ શબ્દોમાં શબ્દોને ચોર્યા વગર બાપુને સમજાવી દીધી હતું.

હવે નિર્ણય બાપુએ કરવાનો હતો, સાંજની ફલાઈટમાં સી ડી પટેલ અને શંકરસિંહ સાથે અમદાવાદ આવવા માટે નિકળ્યા હતા, ત્યારે તો તેમની વચ્ચે કોઈ જ પ્રકારની વાત થઈ નહીં. હવે બાપુએ નિર્ણય કરવાનો હતો. રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં તેમને પુછનાર કોઈ ન હતું, તેમણે આ અંગે પોતાના રાજકીય સલાહકાર વિષ્ણુ પંડયા સાથે વાત કરી. તેમણે કોઈપણ ઉતાવળીયો નિર્ણય કરવાની ના પાડી. ઉતાવળમાં બાપુને ગુમાવવા સિવાય કઈ ન હતું. ખુબ મનોમંથન થયું અને બાપુએ પોતાના મંત્રીમંડળના સભ્યોના ચહેરા યાદ કરી જોયા, બાપુના મનમાં એક સાથે અનેક વાતો ચાલી રહી હતી. તેમણે પોતાના અંગત સચિવને બોલાવી સૂચના આપી કે આવતીકાલે પત્રકાર પરિષદ બોલાવો, સચિવે તરત માહિતી ખાતાને જાણ કરી કે મુખ્યમંત્રી પત્રકારોને મળવા માગે છે, પણ સચિવ અને માહિતી ખાતાને ખબર જ ન્હોતી કે બાપુ પત્રકારોને કેમ મળવા માગે છે.

સામાન્ય રીતે માહિતી ખાતા પાસે પત્રકાર પરિષદની માહિતી આવી જતી હોય છે. જેના આધારે પ્રેસનોટ તૈયાર કરી મુખ્યમંત્રીના ટેબલ ઉપર મુકી દેવામાં આવે છે, પણ બાપુની આ પરિષદ અંગે કોઈની પાસે કોઈ જાણકારી ન્હોતી. બાપુ દિલ્હી ગયા હતા અને ત્યાર બાદ આ પહેલી પરિષદ હતી એટલે પત્રકારો અંદાજ લગાવી રહ્યા હતા કે દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓ સાથે થયેલી બેઠક અંગે બાપુ કઈ કહેવાના હશે.

શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ શરૂ થતાં જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપી રહ્યા છે, પહેલા તો બાપુ જે કહી રહ્યા છે, તે સાચુ છે તેવું કોઈ માનવા તૈયાર ન્હોતું, પણ બાપુ ખુદ પરિષદમાં કહી રહ્યા હતા, તેના કારણે નહીં માનવાનું કોઈ કારણ ન્હોતું. દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે થયેલી ચર્ચાનો આ નિષ્કર્ષ હતો. જેમાં કોંગ્રેસે શરત મુકી હતી કે જો બાપુ મુખ્યમંત્રી પદેથી હટી જાય તો કોંગ્રસ રાજ્યને આપેલો ટેકો ચાલુ રાખી શકે છે. તે શરતના ભાગરૂપે બાપુએ પોતાની છાતી ઉપર પથ્થર મુકી આ નિર્ણય લીધો હતો. તેમણે મુખ્યમંત્રી થવા માટે અનેક કાવાદાવા ખેલ્યા હતા અને ભાજપને દગો આપી તેઓ મુખ્યમંત્રી થયા હતા, પણ એક કોંગ્રેસ પ્રમુખની જીદને કારણે તેમણે મુખ્યમંત્રી પદ છોડી દેવું પડે તેવી નોબત આવી હતી.

જો કે મુખ્યમંત્રી પદેથી હટયા પછી સત્તાનું રિમોટ તો તેમના જ હાથમાં રહે અને મુખ્યમંત્રીની ખુરશી ઉપર તેમની જ એક કઠપુતળી બેસે તેવી યોજના તેમણે ઘડી કાઢી હતી. બાપુએ મંત્રીમંડળમાં જે સભ્યો હતા, તેમાંથી હવે કોના હાથમાં સત્તાનું સુકાન સોંપી શકાય તેમના નામની વિચારણા કરી ત્યારે ઘણા સિનિયર સાથીઓ હતા. જેમાં આત્મારામ પટેલ અને રાઘવજી પટેલ સહિત અનેક હતા, પણ બાપુને ડર હતો કે એક વખત ખુરશી ઉપરથી ઉતર્યા પછી જેને સત્તાની કમાન સોંપી છે તે જ તેમનો ના રહે તો બધી મહેનત ઉપર પાણી ફરી જાય તેમ હતું, એટલે તેઓ એક એવા નામની તલાશમાં હતા જેમના નામની આગળ માત્ર મુખ્યમંત્રી લખાય, બાકી ખરા અર્થમાં તો તેઓ જ મુખ્યમંત્રી રહે અને તે માટે એક નામ તેમણે પસંદ કરી પણ દિધુ હતું. જેની જાહેરાત તો પોતાના પક્ષમાં અને રાજ્યપાલને કરવાના હતા.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/Meranewsonline/

ટ્વિટર: https://twitter.com/meranewsonline