કિરણ કાપુરે (લોકડાઉન વિશેષ : ભાગ - 3): સાબરમતી જેલમાં સવાયા ગુજરાતીની ઓળખ ધરાવતા કાકાસાહેબ કાલેલકરનો અનુભવ :

ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યારે દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદનાં ભૂંગળાં દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે ? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એક સવાલનો જવાબ મળ્યો. બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે!

જેલના અનુભવ એટલે શું હોય ? જેલના અમલદારો સાથેનાં પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.

સન 1923ના ફેબ્રુઆરીનો મંગળ દિવસ હતો. જેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હું ‘યુરોપિયન વોર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો.

એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળ પાછળ હું ચાલ્યો. કેટલીક કીડીઓ વૈતરાકામ કરનાર મજૂરો હતી, અને કેટલીક આગળ પાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી, અને કેટલીક તો વ્યાજ ઉપર જીવનાર શેઠિયાની પેઠે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગોપાર્કની પેઠે પોતાની મુસાફરીનાં બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી. મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પરે બેએક હાથ દૂર મૂકી દીધો. અડધીક ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી, તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપોર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂરો આવીને હાથ દે જ છે  - અરે ભૂલ્યો, પગ દે છે. પણ બોજો કયે રસ્તે ખેંચવો તે વિશે તેઓ જલદી એકમત થતા નથી. તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે. આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટું વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે.

આ કીડીની હાર આવે છે ક્યાંથી એ જોવાનું મને મન થયું અને ધીમે ધીમે હું ચાલ્યો. પાછળની બાજુમાં ઓટલા નીચે એક દર હતું તેમાંથી કીડીબાઈઓની આ વિસૃષ્ટિ નીકળતી હતી. પાસે જ માટીના જેવડો નાનો લાલ ઢગલો દેખાયો. નજીક જઈને જોયું તો તે કીડીઓનું સ્મશાન હતું. ધ્યાનપૂર્વક  નિહાળવામાં થોડોક વખત ગાળ્યા પછી બે કીડીઓ દરમાથી બહાર આવતા નજેર પડી. મડદાં સ્મશાનમાં પેંકી દઈ તેઓ સીધી પાછી ગઈ. કંઈ નહીં તો પાંચ સાતસો મડદાં ત્યાં ભેગાં પડ્યાં હતાં. આ કીડીઓની સમાજરચના કેવી હશે, તેમના સુધરાઈખાતાના નિયમો કેવા હશે, શા હેતુથી આવાં સ્મશાનો તેઓ ગોઠવતી હશે એ વિશે અનેક વિચારો મનમાં આવ્યા. બીજા કયાં કયાં પ્રાણીઓમાં સ્મશાનભૂમિની ગોઠવણ હોય છે અ જાણવાનું મન થયં. મધમાખો વખતે સ્મશાનમાં નક્કી કરતી હશે. મંકોડાઓ તો અલબત્ત કરે જ છે. શા માટે બીજાં પ્રાણીઓમાં એ બુદ્ધિ નથી એ વિશે પણ ઘણાં વિચારો મનમાં આવ્યાં.

[કાકાસાહેબ કાલેલકર લિખિત ઓતરાતી દીવાલો’ પુસ્તકમાંથી]