હું પ્રશાંત દયાળ: ભાગ-3:  હું જ્યાં આવીને ઊભો હતો અને મારે પત્રકાર થવું છે તે મારી જીદ હતી. મારા પરિવારમાં કોઈ પત્રકાર ન્હોતું, મારા કોઈ પત્રકાર મિત્રો પણ ન્હોતા અને મારે મારી જીદ પુરી કરવા આગળ વધવાનું હતું. હું જે કરૂ છું તેને જીદ કહેવાય તેની મને બહુ મોડે સુધી ખબર ન્હોતી પણ મારા મમ્મી-પપ્પા કાયમ બોલતા તું બહુ જીદ્દી છે. હું પાંચનો વર્ષ થયો અને મને સ્કૂલમાં મુકવાનો વખત આવ્યો. મારી મમ્મીની તીવ્ર ઈચ્છા હતી કે મારો દિકરો ઈંગ્લીશ મીડિયમમાં ભણે. જો કે તે જમાનામાં એટલે 1970ના દાયકામાં ખાનગી અંગ્રેજી શાળાઓ ન્હોતી. ઈંગ્લીશ સ્કૂલમાં ભણવુ હોય તો માત્ર ભારત સરકારની સેન્ટ્રલ સ્કૂલ હતી. એક જ શાળા હોવાને કારણે તેમાં પ્રવેશ મેળવવો ખુબ અઘરો હતો. મમ્મી ઓફિસથી આવે એટલે ઈંગ્લીશની ચોપડી લઈ મને અંગ્રેજીમાં પક્ષીના નામ, રંગો, કવિતા શીખવાડે કારણ કે પ્રવેશ લેવા માટે મારે એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હતી. મને બહુ ગુસ્સો આવતો હતો. કોઈ પાંચ વર્ષના બાળક સાથે આવુ કરે તેવા વિચાર આવતા? પરાણે મેં ટેસ્ટ આપી અને મારા ખરાબ નસીબ કે હું પાસ પણ થઈ ગયો. મેં તમને પહેલા કહ્યું હતું કે સંદેશના દરવાજામાં ઊભા રહીએ એટલે એક લાલ કલરની સરકારી ઈમારત દેખાતી હતી તે મારી સેન્ટ્રલ સ્કૂલ હતી. જેમાં મને પહેલા ધોરણમાં પ્રવેશ મળ્યો હતો. અમે ત્યારે અમદાવાદના મેઘાણીનગરના સરકારી મકાનમાં રહેતા. એક રૂમ-રસોડાનું ત્રીસવારનું મકાન, ત્યારે મારે નાના ભાઈનો જન્મ થઈ ગયો હતો એટલે ચાર માણસનો પરિવાર તે ઘરમાં રહેતો હતો. મારા ઘરથી સ્કૂલ લગભગ પાંચ કિલોમીટર દૂર હતી. સ્કૂલમાં જવા અને પાછા આવવા માટે એક મુસ્લિમ ચાચા પોતાની ઘોડાગાડી લઈ આવતા હતા. પહેલા તો મને સ્કૂલમાં જવાનો જ કંટાળો આવતો હતો અને પછી સ્કૂલ છુટે એટલે ઘરે જવાનું ગમતુ ન્હોતુ.

હું સ્કૂલેથી છુટી ઘરે જતો પણ મારા નહીં, કારણ મમ્મી –પપ્પા નોકરી કરતા હોવાને કારણે અમને એક મરાઠી દાદી તેમના ઘરે સાચવતા હતા, જેમને અમે આજી (દાદી)ના નામે સંબોધતા હતા. ઘરે જઈએ પણ મમ્મી મળે નહીં તો ઘરે શું કામ જવાનું તેવો મને પ્રશ્ન થતો, આજી ખુબ સારા હતા, મને અને મારા ભાઈને ખુબ સાચવતા પણ મારે મમ્મી જોઈતી હતી. મેં આ સમસ્યાનો અંત લાવવા એક રસ્તો શોધી કાઢ્યો, સ્કૂલ છુટે પછી ઘરે જવું પડે નહીં તે માટે હું સ્કૂલના ધાબા ઉપર સંતાઈ બાકોરામાંથી ઘોડાગાડીવાળા ચાચાને જોતો હતો, તે બિચારા ઉંમર લાયક માણસ મને શોધ્યા કરતા હતા. આખરે થાકીને તે બીજા છોકરાઓને લઈ જતા રહેતા હતા. ગાડીવાળા ચાચા પણ કંટાળી ગયા, તેમણે મારી મમ્મીને કહ્યું બહેન આપકે બાબા કો હમ નહીં લે જાયેગે રોજ છીપ જાતા હૈ. મને હતું કે ઘોડાગાડી બંધ થશે તો સ્કૂલે જવાનું પણ બંધ થઈ જશે, પણ તે મારી મા હતી, તેણે કહ્યું કંઈ વાંધો નહીં પ્રશાંત હવે બસમાં સ્કૂલે જશે. મારી ઉંમર ત્યારે પાંચ વર્ષની જ હતી. પાંચ વર્ષનું બાળક પાંચ કિલોમીટર દૂર એકલુ એએમટીએસની બસમાં કેવી રીતે જઈ શકે તેવો પ્રશ્ન મારા પપ્પાને થયો, પણ મારી મમ્મીએ કહ્યું તેને બસમાં જ સ્કૂલે જવુ પડશે અને પછી રોજ સવારે સાત વાગ્યે મમ્મી તૈયાર કરી મેઘાણીનગરના બસ સ્ટેન્ડ ઉપર આવે અને બસમાં હું ચઢી જઉ પછી તે જતી રહે, પણ સ્કૂલ છુટે ત્યારે એકલા બસમાં ચઢવાનું અને બસ પણ આગળથી ભરાઈ આવે તો પણ બસની પાછળ દોડી, ટોળામાં ઘુસ મારી બસમાં ચઢી જવાનું, ત્યારે બસનું એક તરફનું ભાડુ દસ પૈસા હતું. મને રોજ વીસ પૈસા ભાડા પેટે મળતા હતા. સ્કુલે જતી વખતે ટિકિટ લઈ લેતો પણ પાછા ફરતી વખતે કંઈક ખાવાની ઈચ્છા થાય પણ પૈસા લાવવા ક્યાંથી પણ ફરી મારા બાળ માનસમાં વિચાર આવ્યો સ્કૂલ છુટે એટલે દસ પૈસા હોય તે પગમાં પહેરાલા બુટના મોજામાં સંતાડી દેવાના અને બસ આવે એટલે તેમા ચઢી જવાનું. કંટક્ટર જ્યારે ટિકિટ માટે આવે ત્યારે દયામણો ચહેરો કરીને કહેવાનું કે અંકલ પૈસા પડી ગયા, તે નાનો બાળક સમજી મને ટિકિટ વગર મુસાફરી કરવા દે. આ બધુ કરવા છતાં મારે ઘરે જઉ ત્યારે મમ્મી જોઈતી હતી. એક દિવસ સ્કૂલ છુટી પછી મેં નક્કી કર્યુ કે ઘરે જવું જ નથી. મમ્મી પાસે જવું છે. મમ્મી કઈ ઓફિસમાં નોકરી કરે છે તેની કંઈ ખબર ન્હોતી પણ લાલદરવાજા એક બહુમાળી મકાન છે તેમાં મમ્મીની ઓફિસ છે એટલી ખબર હતી. એકાદ વખત તે દસમાળનું મકાન પણ મેં જોયું હતું. સ્કૂલની બહાર નીકળી એક માણસને પુછ્યું લાલદરવાજા ક્યાં આવ્યું તેણે સ્કૂલની બહાર નીકળો એટલે ડાબી તરફ જવાના રસ્તા ઉપર ઈશારો કરતા કહ્યું આ તરફ. હું સ્કૂલ યુનિફોર્મમાં પીઠ પાછળ સ્કૂલ બેગ ટીંગાડી અને ડાબી તરફ ચાલવા લાગ્યો. કેટલું ચાલવું પડશે? લાલદરવાજા ક્યારે આવશે? કંઈ જ ખબર ન્હોતી, પણ ચાલવા લાગ્યો. અડધો કલાક ચાલ્યો પછી બહુમાળી મકાન આવ્યું.

દસ માળની ઊંચી ઈમારત, ત્યારે અમદાવાદની એક માત્ર સૌથી ઊંચી ઈમારત હતી. ઈમારતની નીચે ઊભા રહી વિચાર કર્યો મમ્મી ક્યાં હશે? પાછા આ ઈમારતમાં એ-બી-સી બ્લોક હતા. મમ્મીને તો શોધવી જ પડશે પણ કેવી રીતે તેની ખબર ન્હોતી. થોડીવાર ત્યાં ઊભો રહ્યો. એક માણસ મને ક્યારનો જોઈ રહ્યો હતો, તે મારી પાસે આવ્યો તેણે મને પુછ્યું દિકરા ક્યાં જવુ છે? મેં કહ્યું મમ્મી પાસે, તેણે પુછ્યું ક્યાં છે તારી મમ્મી? હું પાંચ વર્ષનો હતો ક્યાં છે મમ્મી મને કેવી રીતે ખબર હોય, મેં ઈમારત તરફ ઈશારો કર્યો, તે પણ મુંઝાઈ ગયો. આ દસ માળની ઈમારતમાં એક ડઝન કરતા વધુ સરકારી કચેરીઓ આવેલી હતી. આ છોકરાની મમ્મી ક્યાં નોકરી કરતી હતી કેવી રીતે ખબર પડે, પણ તે સારો માણસ હતો. તેણે મારી આંગળી પકડી અને કહ્યું ચાલ, તેણે પહેલા માળથી એ-બી-સી બ્લોકથી મારી મમ્મીને શોધવામાં મારી મદદ શરૂ કરી. તે દરેક ઓફિસમાં જઈ પુછતો આ છોકરાની મમ્મી અહીં કામ કરે છે? બધા પહેલા મારી સામે જોતા અને ના પાડી દેતા. આમ કરતા કરતા અમે આઠમે માળ પહોંચ્યા અને મેં મારી મમ્મીને કામ કરતા જોઈ. મને જાણે મારી કોઈ કિંમતી વસ્તુ મળી ગઈ હોય તેવો આનંદ થયો. મેં જ્યારે આઈ કહી તેને બુમ પાડી ત્યારે પહેલા તો તેને સાચું લાગ્યુ નહીં તેને લાગ્યું કે પ્રશાંતનો અવાજ ક્યાંથી આવ્યો, પણ મને જોતા તેને ફાળ પડી કે હું તેની ઓફિસ સુધી કેવી રીતે પહોચ્યો. પેલા માણસે આખી વાત કરી. મમ્મીએ તેનો આભાર માન્યો પણ મમ્મી તે દિવસે ખુબ ડરી ગઈ હતી. રસ્તામાં મને કંઈ થઈ જતું તો? મને કોઈ ઉપાડી જતું તો? વગેરે પ્રશ્નોએ તેને ડરાવી દીધી હતી. મારા પપ્પા પણ ત્યાં જ નોકરી કરતા હતા, તેઓ પણ ત્યાં દોડી આવ્યા. મમ્મી-પપ્પા મને જોઈ ખુશ થવાને બદલી ચિંતામાં પડી ગયા હતા. જ્યારે અમરેલી રહેતા મારા દાદા-દાદીને ખબર પડી ત્યારે તે મારા મમ્મી-પપ્પાને ખુબ વઢ્યા અને તેમણે કહ્યું હવે અમે પ્રશાંતને અમારી સાથે અમરેલી લઈ જઈશું અને હું અમરેલી ગુજરાતી સ્કૂલમાં દાખલ થયો.

(ક્રમશ:)

અગાઉના ભાગ

હું પ્રશાંત દયાળ ભાગ-1: હું ગેરેજમાં નોકરી કરતો હતો, સંદેશમાં ઇન્ટર્નશીપ કર્યા સિવાય કોઈ અનુભવ ન્હોતો 

હું પ્રશાંત દયાળ ભાગ-2: ‘તમે ત્યાં જઇને કહેજો સાહેબ મારે પગાર જોઈતો નથી એટલે તમને કામ મળી જશે’