પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-29): શંકરસિંહ વાઘેલાની સરકારે ટેકો આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેમની તરફેણમાં કોંગ્રેસના બે નેતાઓ હતા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પ્રબોધ રાવળ સાથે જે રીતે ગોઠવણ પાડવી હોય તેમ પડી જતી હતી અને દિલ્હીમાં અહેમદ પટેલ હતા. જ્યાં સુધી રાવળ-પટેલ રહ્યા ત્યાં સુધી બઘુ બરાબર ચાલ્યું, પ્રબોધ રાવળની મુદત પુરી થતી હતી, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ નવા પ્રમુખની શોધમાં હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રમુખ પદ સી ડી પટેલને આપવાનો નિર્ણય કર્યો હતો. અહેમદ પટેલ અને સી ડી પટેલ વચ્ચે પણ સારી મિત્રતા હતી. સી ડી પટેલ ક્યારેય તેમને અહેમદભાઈ તરીકે સંબોધતના ન્હોતા, અહેમદને નજીકના મિત્રો બાબુ તરીકે સંબોધતા હતા અને સી ડી પટેલ તે પૈકીના એક હતા. એક દિવસ અહેમદ પટેલે ફોન કરી સી ડી પટેલને કહ્યું દિલ્હી આવી જાવ, તરત સી ડી પટેલે પોતાના સ્વભાવ પ્રમાણે કહ્યું બાબુ કામ હોય તે બોલ મને દિલ્હી આવવાનું ફાવશે નહીં.

સી ડી પટેલ કોંગ્રેસનો એક એવો નેતા હતો, જે પોતાની તાકાત અને લાયકાત પ્રમાણે કામ કરતો હતો, તેના પોતાના વ્યકિતગત સિધ્ધાંતો હતા. તેમાં તે કોઈ દિવસ બાંધ છોડ કરતા ન્હોતા. ચીમનભાઈ પટેલની સરકારમાં તેમની પાસે ગૃહ વિભાગનો હવાલો હતો. જો કે ચીમન પટેલની સરકાર ચલાવવાની પધ્ધતિમાં સી ડી પટેલની પ્રમાણિક કામગીરી અવરોધક હતી. ચીમનભાઈએ તેમને આડકતરી રીતે ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ, સી ડી સમજ્યા નહીં, સી ડી પટેલના ખાસ મિત્ર રઉફવલ્લીઉલ્લાની લતીફે હત્યા કર્યા બાદ સી ડી પટેલ હાથ ધોઈને લતીફ પાછળ પડી ગયા હતા. આવી અનેક બાબતો હતી જે ચીમનભાઈને કઠી રહી હતી. આખરે એક દિવસ ચીમનભાઈએ સી ડી પટેલને બોલાવી ખાતુ બદલવાની વાત કરી, ગૃહના બદલામાં નાણા અને ઉદ્યોગ જેવું મહત્વનું ખાતું ફાળવવાની તૈયારી બતાડી, પણ તે જ ક્ષણે સી ડી પટેલ સરકારમાંથી રાજીનામુ જતા રહ્યા હતા.

હવે કોંગ્રેસ હાઈકમાન્ડ સી ડી પટેલને નવી જવાબદારી સોંપવા જઈ રહ્યા હતા. જેના કારણે અહેમદ પટેલ તેમને દિલ્હી બોલાવી રહ્યા હતા, સામાન્ય રીતે કોંગ્રેસના કોઈ નેતાને ના પણ બોલાવે તો પણ તેઓ દિલ્હી જવા રાજી હોય છે, પણ સી ડી પટેલ જુદી માટીનો માણસ હતો. અહેમદ પટેલ જેવો કદાવર નેતા દિલ્હી આવવાનું કહી રહ્યો હતો પણ સી ડી મને ફાવશે નહીં તેમ કહી દિલ્હી જવાનો ઈન્કાર કરી રહ્યા હતા. આખરે અહેમદ પટેલે ફોડ પાડતા કહ્યું અરે સી ડી તમને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે. માટે દિલ્હી આવવું પડશે. પહેલા તો સી ડી પટેલે દિલ્હી જઈને પ્રમુખ થવાનો ઈન્કાર કરી દીધો, પણ જ્યારે અહેમદ પટેલે પ્રમુખ થવાની ના પાછળનું કારણ જાણવાનો આગ્રહ રાખ્યો ત્યારે મિત્રતાના દાવે સી ડી પટેલે કહ્યું જો બાબુ પછી તમે મને પાર્ટી ફંડ લાવવાનું કહેશો તો હું કોઈ પાસે ફંડ માંગવા જવાનો નથી. અહેમદભાઈ હસી પડયા, તેઓ સી ડીને વર્ષોથી ઓળખતા હતા. તેમણે કહ્યું જાઓ તમને કોઈ પણ ક્યારેય પણ ફંડની વાત કરશે નહીં.

જે માણસને પૈસા અને હોદ્દાની લાલચ હોય નહીં તેની શંકરસિંહ સાથે કામ કરવુ અધરૂ હતું, ગુજરાતના રાજ્યપાલ કૃષ્ણપાલસિંહને ખુબ મઝા પડી ગઈ હતી, તેઓ શંકરસિંહની સરકારમાંથી આવતી તમામ ફાઈલ ઉપર ત્યારે જ સહી કરતા જ્યારે તેમની શરત પુરી થાય. કહેવાય છે કે કુષ્ણપાલસિંહ મધ્યપ્રદેશના હતા, તેમના પૈસા પોતાના વતન મોકલવા માટે ગુજરાત સરકારનું ખાસ હેલીકોપ્ટર જતુ હતું, પણ હવે સી ડી પટેલ પ્રદેશ પ્રમુખ થયા હતા. બાપુની સરકારને કોંગ્રેસનો ટેકો હતો. સી ડી પટેલ નારાજ થાય તે બાપુની પરવડે તેમ ન્હોતું, પણ સી ડી પટેલને પૈસા અને હોદ્દા કરતા સારૂ કામ થાય અને કોંગ્રેસની શાખ વધે તેમાં રસ હતો, તેના કારણે સી ડી પટેલ શંકરસિંહને મળવાનું ટાળતા હતા. તેઓ પણ બાપુની તમામ કામ કરવાની પધ્ધતિઓ અને અગાઉના પ્રમુખ સાથે બાપુએ કરેલી ગોઠવણ જાણતા હતા.

સી ડી પટેલે પહેલા તબ્બકામાં તો બાપુની સરકાર કેવી રીતે કામગીરી કરી રહી છે તેનો અભ્યાસ કર્યો અને પછી ધીરે ધીરે તેમનો ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર જે રીતે બેફામ થઈ ગઈ છે, તેમાં કોંગ્રેસની આબરૂ બગડી રહી છે. બાપુના ખરાબ અને ભ્રષ્ટ શાસનના છાંટા કોંગ્રેસ ઉપર પડી રહ્યા છે તેવું સી ડી પટેલ દ્રઢપણે માનવા લાગ્યા હતા. બાપુને કોંગ્રેસે ટેકો આપીને ભુલ કરી છે અને તેની કિંમત કોંગ્રેસને ચુકવવી પડશે તેવી રજૂઆત સી ડી પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે કરી હતી. કોંગ્રેસમાં પણ બાપુના જાસુસોની સંખ્યા વિશેષ હતી, તેના કારણે સી ડી પટેલ જે પણ રજૂઆત કરતા હતા તે વાતો બાપુ સુધી પહોંચતી હતી. બાપુને કોંગ્રેસના ટેકાની ગરજ હતી, છતાં બાપુ હવે ભાષણોમાં કોંગ્રેસનું નામ લીધા વગર બેફામ બોલવા લાગ્યા હતા, બાપુને મુખ્યમંત્રી થયાને એક વર્ષ થયું હતું. સી ડી પટેલનો વાંધો બાપુની કાર્યપધ્ધતિ સામે હતો.

સી ડી પટેલ પાર્ટીમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીને આપેલો ટેકો પાછો ખેંચી લેવા માગે છે, તેવી વાત બાપુ સુધી પહોંચી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી હતા, તેઓ એક દિવસના પ્રવાસે આવ્યા હતા. અમદાવાદના કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડમાં તેમની જાહેર સભા હતી. જેમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ આમંત્રણ હતું. આ સભામાં સીતારામ કેસરીની હાજરીમાં કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર બાપુ બોલ્યા સરકાર જતી હોય તો જુતે મારે. આ વાકય સી ડી પટેલને ખુબ ખટક્યું, તેમનો મત હતો કે એક તો શંકરસિંહ કોંગ્રેસના ટેકે ઊભા છે અને કોંગ્રેસને ભાંડે છે, બીજી તરફ સરકાર તો કાયમ માઁ-બાપની ભૂમિકામાં હોય છે. જે મુખ્યમંત્રી સરકારને જુતે મારવાની વાત કરતો હોય તેની સાથે હરગીઝ ઊભા રહી શકાય નહીં. આ સભા પછી સી ડી પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડને એલ્ટીમેટમ આપ્યું કે હવે શંકરસિંહને ટેકો આપવાની બાબતે ફેરવિચારણા કરવાનો નિર્ણય આવી ગયો છે.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive