પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-28):અમે તમામ રિપોર્ટર કામ પુરૂ કરી, કલેકટર ઓફિસ જવા નિકળ્યા હતા. કારણ હવે અમારે બધાએ અમદાવાદ જવાનું હતું, પણ રાધનપુર બહાર જતા હુમલા થાય છે તેવા સમાચારે અમને ભયભીત કરી મુકયા હતા. અમે રાતના આઠ વાગે કલેકટર ઓફિસ પહોંચ્યા ત્યારે કલેટકર ઓફિસ બંધ થઈ ચુકી હતી, એકદમ અંધારૂ હતું. અમને તેના કારણે વધુ ડર લાગ્યો. અમને રાધનપુરમાં કોઈ મદદ કરી શકે તેમ હતું તો તે કલેટકર અનુરાધા હતા, પણ હવે તો તે પણ જતા રહ્યા હતા. વોચમેનને પુછતાં તેણે પહેલા તો સરકારી જવાબ આપ્યો કે કલેટકર સાહેબ નિકળી ગયા, પણ અમે પત્રકારો છીએ તેવી ખબર પડતા તેણે સૂચન કર્યું કે એક વખત સરકીટ હાઉસ તપાસ કરો કદાચ તેઓ ત્યાં મળી શકે. અમે સરકીટ હાઉસ પહોંચ્યા, મેં રિશેપ્શન ઉપર જઈ કલેકટર અંગે પૃચ્છા કરી તો જવાબ મળ્યો કલેકટર તેમના રૂમમાં છે, મને હાશકારો થયો.

મેં કલેકટરના રૂમનો દરવાજો નોક કરી અંદર પ્રવેશ કર્યો તો મારી નજર ડીએસપી વિનોદ મલ ઉપર પડી, તેઓ મહેસાણાના ડીએસપી હતા અને કલેકટર અુરાધા મલના પતિ છે. કદાચ તેમને ચૂંટણીમાં થયેલા સમાચાર સાંભળ્યા હશે, તેના કારણે તેઓ મહેસાણા રાધનપુર આવ્યા હશે. વિનોદ મલ યુનિફોર્મમાં જ હતા. મેં તેમની સાથે વાત કર્યા પછી કલેકટરને કહ્યું હવે અમારે અમદાવાદ જવું જોઈએ, તેઓ તરત સમજી ગયા, તેમણે બેલ મારી એક પોલીસવાળાને બોલાવ્યો અને સૂચના આપી પત્રકારોને અમદાવાદ સુધી એસ્કોર્ટ કરી મુકી આવો, પોલીસવાળો કલેકટરને સલામ કરી બહાર નિકળ્યા.

હું પણ બહાર નિકળી રહ્યો હતો ત્યારે વિનોદ મલે એક ક્ષણ માટે મને રોક્યો અને અનુરાધા મલને પુછયું તમને લાગે છે કે રાધનપુર પોલીસ સાથે પત્રકારોને મોકલવાનો નિર્ણય યોગ્ય છે. કલેકટર તરત વાત સમજી ગયા, પણ તેમની પાસે બીજી કોઈ વ્યવસ્થા ન્હોતી. વિનોદ મલે મારી સામે જોતા કહ્યું ચિંતા કરશો નહીં મારી સાથે મહેસાણા પોલીસની સ્ટ્રાઈકીંગ ફોર્સ છે તેમને તમારી સાથે મોકલીશ.

થોડીવારમાં મહેસાણા ડીએસપી સાથે આવેલા સ્ટ્રાઈકીંગ ફોર્સના સબઈન્સપેકટર રૂમમાં આવ્યા ડીએસપી મલે સૂચના આપી કે, આ તમામ પત્રકારોને તમે એસ્કોર્ટ કરી મહેસાણા સુધી લઈ જાવો ત્યાર બાદ ગાંધીનગર કંટ્રોલ રૂમને જાણ કરી ત્યાંથી પોલીસ મંગાવી તેમને અમદાવાદ સુધી જવાની વ્યવસ્થા કરો, હું પીએસઆઈ સાથે સરકીટ હાઉસની બહાર આવ્યો, પીએસઆઈએ પોતાની મર્યાદા અને ગંભીરતા સમજાવતા કહ્યું જુઓ રસ્તામાં ખુબ ટોળા છે, મારી જીપ્સી કારમાં માત્ર મારી પાસે સર્વીસ રીવોલ્વર છે. બીજા પોલીસવાળા પાસે કોઈ હથિયાર નથી. હું મારી જીપ્સી તમારી કારની આગળ રાખીશ જ્યાં ટોળું દેખાય હું જીપ્સી તેમની તરફ લઈ જઈશ, ત્યારે તમે મારી જીપ્સીની ઓવરટેક કરી આગળ જતા રહેજો, હું તમારી પાછળ તરત આવી જઈશ તમે ક્યાંય પણ કાર રોકતા નહીં અને તે પ્રમાણે અમે અમદાવાદ આવવા નિકળ્યા.

પીએસઆઈએ કહ્યું હતું તેવો જ માહોલ રસ્તામાં હતો, ઠેર ઠેર ટોળા હતા. હાઈવેના અંધારામં ટોળું માત્ર સામેથી આવી રહેલા વાહનની હેડ લાઈટ અને જીપ્સી ઉપર ઝબકી રહેલી લાલ લાઈટ જ જોઈ શકતું હતું, ટોળું કોણ આવી રહ્યું છે તે નક્કી કરે તે પહેલા પોલીસની જીપ્સી તેમના તરફ જતા તેઓ રસ્તાથી થોડા આધા ખસી જતા હતા અને અમારો ડ્રાઈવર જીપ્સીની ઓવરટેક કરી આગળ જતો હતો. આમ અમે મહેસાણા પહોંચ્યા ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો હતો. હવે ચિંતાનું કોઈ કારણ ન્હોતું, પણ પીએસઆઈ પોતાની કારમાંથી કંટ્રોલરૂમ સાથે વાયરલેસ ઉપર વાત કરી હોવાને કારણે ગાંધીનગર પોલીસની એક કાર અમારી માટે ઊભી હતી. તે અમને અમદાવાદ સુધી મુકવા આવી. મારા અનુભવ પ્રમાણે આવી ચૂંટણી ગુજરાતમાં પહેલા પણ યોજાઈ ન્હોતી અને હજી પણ યોજાઈ નથી. હિંસાની તાકાત ઉપર ચૂંટણી જીતી શકાય તેવું બાપુએ સાબીત કર્યું હતું.

પરિણામ જાહેર થયું પણ તે અપેક્ષીત હતું રાષ્ટ્રીય જનતા પાર્ટીના ઉમેદવાર અને મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા પોતાના હરિફ ઉમેદવાર શંકર ચૌધરીને જંગી મતે પરાસ્ત કરી ચૂંટણી જીતી ગયા હતા. હવે બાપુ સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભાના સભ્ય થયા હતા. પોલીસે રાધનપુરમાં જે બન્યું તેની પોલીસ ફરિયાદ તો નોંધી હતી, પણ હવે બાપુ જ સરકારના વડા હોવાને કારણે તે અંગે રજૂઆત કરવાનો અર્થ અને ન્યાય મળશે તેવી કોઈ અપેક્ષા ખુદ પત્રકારોને પણ ન્હોતી. વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ બાપુ બેફામ થઈ ગયા હતા. કેશુભાઈ પટેલના શાસનમાં જે રીતે આઈએએસની બદલીઓ મયુર દેસાઈ કરતા હતા, તેવી જ રીતે બાપુના શાસનમાં બાપુના ખાસ મલય ઝવેરી આઈએએસની બદલીઓ કરતા હતા. બાપુના નજીકના લોકોએ આર્થિક બાબતોની લૂંટ ચલાવી હતી. ભાજપ જેવી જ સ્થિતિ નિર્માણ થઈ હતી માત્ર એજન્ટો બદલાયા હતા.

રાધનપુરની હારે ભાજપને સ્તબ્ધ કરી દીધો હતો, પોતાને ચાણક્ય માનતા નરેન્દ્ર મોદી તાકાત અને બુધ્ધીમાં બાપુ આગળ ટુંકા પડયા હતા. હિન્દુ નેતા પ્રવિણ તોગડિયાની હિન્દુ ફૌજ બાપુની સત્તા સામે કઈ કરી શકી ન્હોતી. નરેન્દ્ર મોદી પાછા દિલ્હી જતા રહ્યા હતા. હવે તેમને પોતાના સમયનો ઈંતઝાર કરવાનો હતો.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive