પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-27): પત્રકારો ઉપર ચૂંટણી દરમિયાન ગુજરાતમાં હુમલો થયો હોય તેવી પ્રથમ ઘટના હતી. શંકરસિંહના ગુંડાઓ આખા રાધાનપુરમાં ફરી વળ્યા હતા, અમારી કાર ઉપર દોઢસો ગુંડાઓએ હુમલો કરી દેતા કારમાં મારી સાથે રહેલા પત્રકાર વિકાસ ઉપાધ્યાય અને દિલીપ પટેલને ખાસ્સી ઈજા થઈ હતી. આ દરમિયાન મંગલસિંહ નામનો એક ગુંડો પોતાની જીપમાં પડેલી રાયફલ લેવા ગયો તે અમારી ઉપર ગોળી ચલાવાનો હતો, તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. અમે બધા જ ખુબ ડરી ગયા હતા પણ ત્યારે ત્યાંથી પસાર થતા પત્રકાર ધિમંત પુરોહિતે અમને માર પડી રહ્યો છે તે જોઈ પોતાની કાર રોકી. આ ઉપરાંત ગામના એક વયોવૃધ્ધ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે અમારી ઉપર હુમલો કરી રહેલા લોકોને રોક્યા અને અમને તરત નિકળી જવાની સલાહ આપી. જેના કારણે અમે ભાગવામાં સફળ રહ્યા હતા. તંત્રની જેમ ચૂંટણી પંચ પણ બાપુના ઈશારે કામ કરતુ હતું. બાપુના ગુંડાઓ એક સપ્તાહ પહેલા રાધનપુર આવી ગયા હતા.

બાપુને ખબર હતી કે ભાજપ પણ પોતાના ગુંડાઓ બોલાવી શકે છે, પણ ચોવીસ કલાક પહેલા બાપુએ ચૂંટણી પંચ પાસે આદેશ કરાવ્યો કે રાધનપુર બહારની કોઈ વ્યક્તિને રાધનપુરમાં પ્રવેશ મળશે નહીં. તેના કારણે પોલીસે રાધનપુરમાં પ્રવેશ કરવાના નાકા ઉપર બેરીકેટ મુકી દીધા હતા. પોલીસ સાથે એક વ્યક્તિ હતી તેમનું નામ લલીત શુક્લ હતું, તે બાપુના ખાસ ટેકેદાર હતા. તેમને પણ ચૂંટણી પંચના અધિકારી તરીકે નાકા ઉપર મુકી દીધા હતા.

તે પોતે પણ ભાજપ અને સંઘના જુના કાર્યકર હોવાને કારણે તેઓ ભાજપના તમામ લોકોને ઓળખતા હતા. લલીત શુક્લ પરવાનગી આપે તેમને જ પોલીસ રાધનપુરમાં પ્રવેશ આપતી હતી. આમ ભાજપ જે ગુંડાઓને લાવી બાપુનો સામનો કરવા માગતુ હતું તે મદદ મળી જ નહીં. અમે સાંતલપુરથી માંડ ભાગ્યા અને રાધનપુર આવવા નિકળ્યા, અમે રાધનપુર પહોંચતા ચોકડી ઉપર જોયું તો બાપુ કોઈ ટીવીવાળાને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. ખાસ્સુ ટોળુ હતું, મને લાગ્યુ કે અમારી ઉપર થયેલા હુમલા અંગે બાપુને ફરિયાદ કરવી જોઈએ.

કારમાંથી ઉતરી હું ટોળા વચ્ચે થઈ બાપુ સુધી પહોંચુ તે પહેલા તેમના સિક્યોરિટી ગાર્ડે મને રોક્યો, જે ગાંધીનગર રિપોર્ટિંગને કારણે મારા પરિચયમાં હતો. ગાર્ડે પોતાનું મોંઢુ મારા કાન પાસે લાવી મને સવાલ પુછ્યો. તમારી ઉપર હુમલો થયો? મને આશ્ચર્ય થયું કે બાપુના સિક્યોરિટી ઓફિસરને કેવી રીતે ખબર પડી? તેણે મારો ચહેરો જોયો અને બાપુ તરફ ઈશારો કરતા કહ્યું તેમણે જ સાંતલપુર તમારી કાર બતાડી હુમલો કરવા કહ્યું, તેમની સામે કોઈ રજૂઆત કરતા નહીં. હું ડઘાઈ ગયો, જે બાપુને હું વર્ષોથી ઓળખતો હતો તે જ બાપુ અમારી ઉપર હુમલો કરાવે! આશ્ચર્ય અને મઝાની વાત એવી હતી કે બાપુએ સરકાર બનાવ્યા પછી તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી નામનો નવો પક્ષ બનાવ્યો હતો. જેના કાર્યાલય મંત્રી જનક પુરોહીત હતા, જનકભાઈની વિનંતીને કારણે બાપુએ રાધનપુર રિપોર્ટિંગ કરવા માગતા તમામ પત્રકારો માટે કાર અને રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી. છેલ્લા દસ દિવસથી અમે જે કારમાં ફરી રહ્યા હતા તે પણ બાપુની સૂચનાથી મળી હતી.

અમારી સંભાળ રાખવા માટે નિમેષ ભટ્ટ નામના કાર્યકરને ફરજ સોંપવામાં આવી હતી. તે રોજ અમને સારી રીતે જમાડતા પણ હતા. અમને દસ દિવસ સારી રીતે રાખ્યા બાદ છેલ્લા દિવસે બાપુએ ધોલાઈ પણ કરાવી દીધી હતી. ત્યાર બાદ રાધનપુર પહોંચ્યા બાદ અમને સમાચાર મળ્યા કે ઠેર ઠેર પત્રકારો ઉપર બાપુના ગુંડાઓએ હુમલો કરી દીધો હતો, જેમાં ઉદય અધ્યારૂ સહિત ઘણા બધા ફોટોગ્રાફર્સ પણ ઘવાયા હતા. અમે બધા દુઃખી અને ગુસ્સામાં હતા. અમે રજૂઆત કરવા માટે આઈજીપી ચિતરંજનસિંગ પાસે ગયા. તેમણે તો અમને જોતા ગાર્ડને હુકમ કર્યો કે તે બધાને ચેમ્બર બહાર કાઢી મુકો તેમણે અમારી ફરિયાદ સાંભળવાનો જ ઈન્કાર કરી દીધો. અમે કલેક્ટર અનુરાધા મલ પાસે ગયા, તેઓ સમજી ગયા. તેમણે ફોન ઉપાડી ચિતરંજન સિંગને સૂચના આપી કે તાત્કાલીક ફરિયાદ નોંધવામાં આવે. બીજી તરફ રાધનપુરના ભાજપ કાર્યાલય ઉપર હુમલો થઈ ગયો. તે જમાનામાં પત્રકારો ફેક્સ દ્વારા પોતાના સમાચાર મોકલતા હતા.

ભાજપ કાર્યાલયથી પત્રકારો ફેક્સ કરતા હતા. અમે ભાજપ કાર્યાલય જવા નિકળ્યા ત્યારે કલેક્ટર અનુરાધા મલે કહ્યું પ્રશાંતભાઈ સ્થિતિ સારી નથી. અમદાવાદ જવાનું હોય ત્યારે મને કહેજો હું વ્યવસ્થા કરાવી દઈશ, તેમનો આભાર માની અમે ભાજપ ઓફિસ જવા નિકળ્યા. રસ્તામાં જોયું તો બાપુના ગુંડાઓ લાકડીઓ અને તલવાર લઈ પ્રવિણ તોગડિયાની પાછળ દોડી રહ્યા હતા. ભાજપ ઓફિસમાં આવી જોયું તો અચાનક અનઅપેક્ષીત રીતે થયેલા હુમલાને કારણે નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ રીસતર ધ્રુજતા હતા. તેઓ અમને વિનંતી કરી રહ્યા હતા આ બધા અંગે તમે જરૂર લખજો. આ તો લોકશાહીની હત્યા થઈ રહી છે. ભાજપ ઓફિસ બહાર રેપીડ એક્શન ફોર્સ આવી ગઈ હતી, તે ભાજપ કાર્યાલય ઉપર પથ્થરો ફેંકી રહેલા લોકોને રોકવાને બદલે ભાજપ ઓફિસ સામે રાયફલ તાકી ઊભા હતા. બધા જ ડરેલા હતા છતાં પત્રકારોએ પોતાની કોપી લખી ફેક્સ કરવાની હતી, ત્યારે જ સમાચાર મળ્યા કે રાધનપુર બહાર જતાં નહીં રસ્તામાં હુમલા થઈ રહ્યા છે.

ચૂંટણી પુરી થયા બાદ રાધનપુર બહાર જવાના બે રસ્તા હતા. એક રસ્તા ઉપર વિપુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઊભા હતા અને બીજા રસ્તા ઉપર ચૈતન્ય શંભુ મહારાજ ટોળા સાથે ઊભા હતા. રાધનપુર બહાર નિકળતી તમામ કારને આ ટોળા રોકતા હતા અને ભાજપની અથવા પત્રકારોની કાર હોય તો તેમને ધોઈ નાખતા હતા. ચારે તરફ આતંક હતો, રાધનપુર આવેલા આઈએએસ અધિકારી નંદા પણ ડરી ગયા હતા. તેમની સાથે તેમનો ગનમેન પણ હતો છતાં તેમનો ડર એટલો હતો કે તેઓ અમને કહેતા હતા કે આપણે બધા સાથે અહિંયાથી નિકળીએ કોઈની હિંમત થતી ન્હોતી કે રાધનપુર છોડી શકે. બીજી તરફ લાંબો સમય રાધનપુરમાં રહેવું પણ હિતાવહ ન્હોતું, ત્યારે મને કલેક્ટર અનુરાધા મલની સૂચના યાદ આવી અને અમે બધા કલેક્ટર ઓફિસ જવાનો નિર્ણય કર્યો.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive