પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-26): બનાસકાંઠાના ડીએસપી ગામે ગામ જતા હતા. જે ગામના લોકો ભાજપ તરફી મતદાન કરશે તેવી આશંકા હોય તો પણ ડીએસપી પંડયા જઈ લોકોને ગાળો આપતા ધમકાવતા અને કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી બાપુને જ મત મળવો જોઈએ તેવી ધમકી પણ આપતા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં આવું થતું નથી, પણ ચૂંટણીના ચાર-પાંચ દિવસ પહેલા અમે રાધનપુરથી એકાદ કલાકના અંતરે આવેલા દહેગામમાં ગયા ત્યારે ગામના લોકોએ અમને પંડયા દ્વારા આ પ્રકારની ધમકી આપ્યા હોવાની ફરિયાદ કરી હતી. તે જ રાતે અનાયસે અમારો ભેટો ડીએસપી પંડયા સાથે રાધનપુરમાં થઈ ગયો. જ્યારે અમે તેમની સામે આ પ્રકારની ફરિયાદ હોવાની વાત કરી તો તેમણે ગૌરવ લેતા કહ્યું બાપુ માટે તો તેઓ કઈ પણ કરવા તૈયાર છે. એટલુ જ નહીં તેમણે તો અમને વિનંતી કરી કે અમારે પંડયાની આ પ્રકારની કામગીરીનો ઉલ્લેખ બાપુ સામે પણ કરવો જોઈએ જેથી કરી બાપુ તેમને શાબાશી આપે. મેં ગુજરાતના રાજકારણમાં તંત્ર આ પ્રકારે પોલીસ ખુલ્લે આમ સરકારનો ભાગ બની જાય તેવું જોયું ન્હોતું.

બાપુ દ્વારા ચૂંટણી જીતવા માટે તમામ શામ-દામ અને દંડનો સંકોચ વગર ઉપયોગ કરવામાં આવ્યો હતો, ગ્રામિણ વિસ્તારમાં ચૂંટણી હોય ત્યારે તમામ પક્ષના પૉલિંગ એજન્ટો રાતે જ બુથ ઉપર પહોંચી જતા હોય છે. તે રાતે પણ બાપુ અને ભાજપના પૉલિંગ એજન્ટો પોત પોતાના મતદાન બુથ ઉપર પહોંચી ગયા હતા. રાતના બાર વાગ્યા હશે ગાંધીનગરથી લો એન્ડ ઓર્ડરનો હવાલો સંભાળતા આઈજીપી ચિતરંજનસિંગ એસઆરપી જવાનોની ગાડીઓ સાથે આવી પહોંચ્યા. આઈજીપી કેમ આવ્યા છે, તેની કોઈને ખબર ન્હોતી. મોડી રાતે આઈજીપી સિંગ રાઘનપુરમાંથી રવાના થયા બધાએ માની લીધુ કે તેઓ ગાંધીનગર પાછા ગયા ગયા, પણ સવાર પડી ત્યારે ભાજપના નેતાઓના ફોન રણકવા લાગ્યા, એક એક ગામથી ફોન આવવા લાગ્યા હતા. રાતે ચિતરંજનસિંગ એક એક બુથ ઉપર પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને તેમણે ભાજપના તમામ પૉલિંગ એજન્ટોને ઉપાડી લીધા હતા, આમ મોટા ભાગના બુથમાં માત્ર બાપુના એજન્ટો હતા અને તંત્ર તો તેમના ઈશારે જ કામ કરતુ હતું, તેના કારણે તોઓ બુથમાં ઈચ્છે તેવું કરી શકતા હતા.

ભાજપને ખબર પડી કે તેમના પૉલિંગ એજન્ટો ગાયબ થઈ ગયા છે ત્યારે ઘણું મોડું થઈ ચુક્યું હતું. કારણ સવારે આઠ વાગે તો મતદાન શરૂ થવાનું હતું અને ગ્રામિણ વિસ્તારમાં કિલોમીટર દુર મતદાન મથક હોવાને કારણે હવે નવા એજન્ટો મોકલી શકાય તેમ ન્હોતા. અમે પત્રકારો અલગ અલગ ટીમો બનાવી ચૂંટણી પ્રક્રિયાનું રિપોર્ટીંગ કરવા નિકળ્યા હતા, ત્યારે એક બુથ ઉપર અમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેકટર તરૂણ બારોટનો ભેટો થઈ ગયો. તેઓ બંદોબસ્ત માટે આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ ત્યાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના કોન્વેય સાથે આવી પહોંચ્યા, જો કે બાપુનું ધ્યાન હજી અમારી તરફ ન્હોતું. તેઓ કારમાંથી ઉતરી સીધા બુથમાં દાખલ થયા, તેમને આશ્ચર્ય થયું તે બુથમાં પૉલિંગ એજન્ટ હતા. તેમણે પરિચય માંગ્યો અનેક એજન્ટો પોતાનો પરિચય ભાજપના એજન્ટ તરીકે આપતા તેમનો પીત્તો ગયો હતો. તેમણે ચૂંટણી અધિકારી અને પોલીસની હાજરીમાં તેને કહ્યું ભાઈ તારા પગ ઉપર ચાલતા જવું હોય તો હમણાં જ બુથ છોડી દે અને તે એજન્ટ ડરી ગયો અને બુથ છોડી જતો રહ્યો.

આ ઘટના અમે અમારી નજર સામે જોઈ, તે જ વખતે બાપુનું ધ્યાન અમારી તરફ ગયું, તેમને અંદાજ આવી ગયો કે અમદાવાદથી આવેલા પત્રકારોની હાજરીમાં જે બન્યું તે યોગ્ય ન્હોતું, તેમણે તરત વાત વાળી લેવા માટે ઈન્સપેકટર તરૂણ બારોટને કહ્યું બારોટ આ બધા આપણા મહેમાનો છે તેમનું ધ્યાન રાખજો. ત્યાંથી બાપુ સાંતલપુર જવા માટે રવાના થયા. અમારે પણ તે તરફ જવાનું હતું અમે પણ તે સાંતલપુર તરફ જવા રવાના થયા, અમારી કારની આગળ બાપુનો કોન્વેય જતો હતો, પણ તે ખુબ ધીમો ચાલતો હતો સાંતલપુર આવતા બાપુ રસ્તા ઉપર ઊભા રહેલા તેમના ટેકેદારોને મળવા માટે રોકાયા. અમે તેમના કોન્વેયને ઓવરટેક કરી આગળ નિકળી ગયા કારણ અમારે ઘણા ગામોમાં જવાનું હજી બાકી હતું, ત્યારે અંદાજે બપોરનો એક વાગી રહ્યો હતો. ચૂંટણીનો માહોલ જોતા સમજ આવી રહી હતી કે બાપુએ જે રીતરસમ આપનાવી છે તેના કારણે તેઓ જીતી જશે. લગભગ બધા જ ગામોમાં આવી જ સ્થિતિ હતી. ભાજપવાળા પાસે બાપુનો દોષ કાઢવા સિવાય કોઈ રસ્તો ન્હોતો.

બપોરના ત્રણ વાગ્યા હશે, અમે પાછા રાધનપુર જવા માટે નિકળ્યા અમે સાંતલપુર આવ્યા હતા. તે રસ્તે અમારે પાછા આવવાનું હતું, રસ્તામાં અમને ઠેર ઠેર લોકો રોકતા હતા અને અમે પત્રકારો તરીકેની ઓળખ આપી એટલે શું લાગે છે ચૂંટણીમાં? તેવા સમાચાર પુછતા હતા. અમે સાંતલપુર આવ્યા તેની સાથે એક ટોળાએ અમારી કારને રોકવાનો ઈશારો કર્યો અમારા માટે સહજ હતું. બાપુ જે ટોળાની સાથે વાત કરતા હતા તે જ ટોળુ તે હતું. અમારી કાર રોકાઈ, તેની સાથે કેટલાક કદાવર લોકો કાર પાસે આવ્યા તેમણે અમને પુછ્યું કયાંથી આવો છો અમે કહ્યું પત્રકાર છીએ, પરિચય આપતા જ એક માણસે ડ્રાઈવરનો દરવાજો ખોલી ડ્રાઈવરને રીતસર કારમાંથી ખેંચી લીધો અને કારની બહારથી મોટો અવાજ સંભળાયો સાલા ભાજપીયા છે મારો અને લોકો અમારી ઉપર બંન્ને તરફથી મારવા માટે તૂટી પડયા હતા, કારમાં અમે પાંચ પત્રકારો હતો અને દોઢસો લોકો અમને મારી રહ્યા હતા.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive