પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-25): ગુજરાતના મુખ્યપ્રધાન થયા પછી શંકરસિંહ વાઘેલા પાસે મોટો પડકાર હતો કે તેમણે છ મહિનાની અંદર ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવાનું હતું, ત્યારે તેમનું ધ્યાન બનાસકાંઠાની રાધનપુર બેઠક તરફ ગયું. આ બેઠક ઉપર અપક્ષ ધારાસભ્ય લવીંગજી સોંલકી ચૂંટાઈ આવ્યા હતા. બાપુએ લવીંગજી સાથે મસલત કરી લીધી અને તેમણે રાજીનામું આપી દીધુ. જેના કારણે ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી કરવાની હતી. શંકરસિંહ વાઘેલાએ તે પહેલા રાધનપુર જીતવા માટેના કાયદેસર અને ગેરકાયદેસર તમામ રસ્તાઓનો અભ્યાસ અને કવાયત કરી લીધી હતી. ભાજપ કોઈ પણ ભોગે બાપુને હરાવવા માટે મહેનત કરી રહ્યું હતું, પેટા ચૂંટણી જાહેર થતાં શંકરસિહ વાઘેલા ઉમેદવારી નોંધાવી હતી.

ભાજપે પોતાની જુની ટેકનીક કામે લગાવી તેમણે શંકરસિંહ વાઘેલા સામે એક યુવાન કાર્યકર શંકર ચૌધરીને મેદાનમાં ઉતર્યા હતા. આ ઉપરાંત દસ જેટલા શંકર નામના ઉમેદવારોને અપક્ષ ઉમેદવારી કરાવી હતી. ભાજપનો પ્રયાસ હતો કે રાધનપુરનો મતદાર નામને કારણે ગુંચવાઈ જાય તો બાપુ હારી જાય પણ ભાજપ ભુલી ગયું કે બાપુ તેમનો પણ બાપ થાય તેવો છે. તેમને ભાજપના તમામ દાવની ખબર હતી, પણ બાપુ જે દાવ ચાલવાના હતા તેનાથી ભાજપ સાવ અજાણ હતું.

બાપુ દરેકને પોતાની હેસીયત બતાડવા માગતા હતા. ચૂંટણીના થોડા દિવસ પહેલા પોલીસે ડૉ. પ્રવિણ તોગડિયાને એક જુના કેસમાં ધરપકડ કરવાનો નિર્ણય કર્યો. આ વાત જાહેર થઈ જતા ડૉ. તોગડિયાએ નિવેદન કર્યું કે, જો પોલીસ મારી ઉપર હાથ નાખશે તો ગુજરાત ભડકે બળશે અને તેની સંપુર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, બાપુ મુખ્યમંત્રી હતા. ડૉ. તોગડિયાનો આ પડકાર સીધો મુખ્યમંત્રી તરીકે તેમને હતો. તેમણે પોલીસને આદેશ આપ્યો કે ડૉ. તોગડિયાને પકડી પુરી દો અને તોફાન થાય નહીં તેની જવાબદારી તમારી રહેશે. પોલીસે એક રાતે ડૉ. તોગડિયાને પકડી લીધા અને કોર્ટમાં રજુ કર્યા. ડૉ. તોગડિયાએ કોર્ટ સામે જામીન માંગવાનો ઈન્કાર કરી કહ્યું હું જામીન માંગીશ નહીં, સરકાર ઈચ્છે તો મને છોડી મુકે, તેના કારણે પોલીસ પાસે તેમને જેલમાં મોકલી આપવા સિવાય કોઈ રસ્તો ન્હોતો.

પ્રવિણ તોગડિયા જેલમાં ગયા, તોગડિયા માનતા હતા કે તેમની ધરપકડ બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હિંસાનો આશરો લેશે, પણ સામાન્ય ગલ્લો બાળવાની ઘટના પણ આખા ગુજરાતામાં કયાં થઈ નહીં. પહેલી વખત વર્ષો પછી ડૉ. પ્રવિણ તોગડિયાની તાકાત ઘટી રહી છે, તેવો અહેસાસ તોગડિયા અને પરિષદ બંન્નેને બાપુએ કરાવ્યો હતો. ડૉ. તોગડિયાએ નિર્ણય તો લઈ લીધો હતો કે તેઓ જામીન લેશે નહીં, બીજી તરફ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું કે કાયદાની જોગવાઈ પ્રમાણે તોગડિયા જામીન મેળવી બહાર આવી શકે છે, પણ રાજ્ય સરકાર તેમની સામે કેસ પાછો ખેંચશે નહીં.

સામે રાધનપુરની ચૂંટણી આવી રહી હતી, જેલમાં બેસી તોગડિયા કાંઈ કરી શકવાના ન્હોતા, તેઓ જેલમાં જ રહે તો બાપુ માટે એક દુશ્મન ઓછો થતો હતો. આખરે કોઈની સમજાવટ બાદ ડૉ. તોગડિયાને કોર્ટમાં અરજી કરી જામીન લેવા પડયા હતા. જેલમાંથી છૂટયા બાદ ડૉ. તોગડિયા રાધનપર પહોંચી ગયા હતા. તેમણે પરિષદના સંપર્કો અને કાર્યકરોને ઉપયોગ કરી કોઈ પણ કિંમતે બાપુને હરાવવા માટે પરિષદની તમામ તાકાત કામે લગાડી હતી.

શંકરસિંહ હારવા જોઈએ તેવું તો નરેન્દ્ર મોદી પણ માનતા હતા. તેઓ દિલ્હી હોવા છતાં તમામ કામકાજ છોડી તેઓ પણ રાધનપુર આવી ગયા હતા. તેમણે પોતાનો કેમ્પ રાધનપુરમાં જ લગાવી દિધો હતો. તેમણે બાપુ કઈ રીતે હારી શકે તેની વ્યૂહ-રચના ઘડી કાઢી હતી. ખરા અર્થમાં લોક નેતા કહી શકાય તેવા અશોક ભટ્ટ પણ રાધનપુર આવી ગયા હતા. આમ ભાજપે પોતાની તમામ તાકાતને રાધનપુરમાં એકત્ર કરી હતી. જેમાં પરિષદ અને સંઘ સહિત તમામ નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે બાપુના કેમ્પમાં પોતાને બાપુના ચાણક્ય તરીકે ઓળખાવતા વિષ્ણું પંડયા હતા, તેમજ ચૈતન્ય શંભુ મહારાજ અને ગૃહરાજ્ય મંત્રી વિપુલ ચૌધરી પણ ત્યાં પોતાની ફૌજ સાથે કેમ્પ કરી બેઠા હતા. તેમની માટે પણ આબરૂના સવાલ હતો. રાધનપુરના નાના મોટા ગામોમાં પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું હતું, બાપુને જીતવા માટે વહિવટી તંત્રને પણ કામે લગાડી દેવામાં આવ્યું હતું. જાણે સરકાર જ ચૂંટણી લડી રહી હોય તેવો માહોલ હતો.

બનાસકાંઠાના કલેકટર તરીકે અનુરાધા મલ હતા અને ડીસીપી તરીકે એ કે પંડયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી પેટા ચૂંટણી લડી રહ્યા હોવાને કારણે તેનું વિશેષ મહત્વ હતું, પત્રકારોનું ધ્યાન પણ તે તરફ હતું. પત્રકારો પણ રાધનપુર આવવા લાગ્યા હતા, હું મારા સાથી પત્રકાર ઉર્વીશ કોઠારી, દિલીપ પટેલ, અભિજીત ભટ્ટ, વિકાસ ઉપાધ્યાય, ધિમંત પુરોહિત, ભાગર્વ પરિખ સહિત અનેક પત્રકારો રાધનપુરમાં એક સપ્તાહ પહેલા પહોંચી ગયા હતા. ખરેખર રાધનપુરમાં શું ચાલી રહ્યું છે, તે સમજવા માટે રાધનપુરમાં જવું અનિવાર્ય હતું, પણ રાધનપુરમાં પહોંચ્યા પછી જે પ્રકારનો પ્રચાર અને વહિવટી તંત્ર કામ કરી રહ્યું હતું તે જોતા જ અંદાજ આવી ગયો હતો કે ચૂંટણીનો દિવસ શાંતિપુર્ણ નહીં હોય. બાપુએ પોતાના ટેકેદારોમાં મોટી સંખ્યામાં ગુજરાતભરના ગુંડાઓ રાધનપુરમાં ઉતારી દીધા હતા. તેઓ ખુલ્લી ગાડીમાં રસ્તા ઉપર નિકળતા હતા, તે જોઈ લાગી રહ્યું હતું કે રાધનપુર ગુજરાતનો નહીં પણ બિહારનો કોઈ ભાગ હોય તેવો ભાસ થઈ રહ્યો હતો.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive