પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-24): ગુજરાતને ભુતકાળામાં બહુ સારા રાજ્યપાલો મળ્યા હતા, પણ ગુજરાતના રાજકારણનો કાળો ઈતિહાસ લખાવવાનો હતો તેમાં રાજયપાલ કૃષ્ણપાલસિંહની ભૂમિકા મહત્વની સાબીત થવાની હતી. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં પહેલા ખજુરાહો, ત્યાર બાદ આત્મારામ પટેલનું ધોતીયાકાંડ અને હવે વિધાનસભામાં થયેલા દંગલનો તમાશો પ્રજા જોઈ રહી હતી. ભાજપની લડાઈમાં કોઈ બહારની વ્યકિત ન્હોતી. બધા જ પોતાના માણસો હતા, તેઓ જાહેર રસ્તા ઉપર ઊભા રહી એકબીજાના કપડાં કાઢી, બીજાને ચરિત્રહીન સાબીત કરવા પ્રયત્ન કરી રહ્યા હતા. જેમાં બે નવા પાત્રો ઉમેર્યા હતા. જેમાં એક અહેમદ પટેલ હતા, જેમને સ્વભાવીક રીતે ભાજપની સરકાર તુટી જાય તેમાં રસ હતો અને બીજા રાજ્યપાલ કૃષ્ણપાલસિંહ હતા, જેમની અહમ ભૂમિકા હતી જેમને ભાજપ સરકારને બહુમતી ગુમાવી હોવાને નામે પદભ્રષ્ટ કરવાની હતી.

રાજ્યપાલ કૃષ્ણપાલસિંહે કેન્દ્ર સરકારને પાઠવેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સુરેશ મહેતા સરકારે બહુમતી ગુમાવી દીધી છે. જેના કારણે તેમને સરકારમાં રાખી શકાય નહીં. જેમ તેમણે અધ્યક્ષ ચંદુ ડાભીએ બંધ કવરમાં મોકલાવેલો પોતાનો રિપોર્ટ પણ મોકલ્યો હતો. જેમાં ડાભીએ પણ મહેતા સરકાર પાસે બહુમતી હોવાનો ઈન્કાર કરી દીધ હતો, પણ સૌથી અગત્યનો રિપોર્ટ પત્રકારોએ જે કોરા કાગળ ઉપર સહીએ કરી હતી, તે હતો જેમાં પત્રકારો દ્વારા રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં સુરેશ મહેતા સરકાર સામે આરોપ મુકયો હતો કે મહેતા સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. જે રાજ્યમાં પત્રકારો પણ સલામત હોય નહીં, તે રાજ્યમાં પ્રજા કેવી રીતે સલામત રહી શકે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી અને રાજ્યપાલ પણ કોંગ્રેસ દ્વારા મુકવામાં આવ્યા હતા. જેના કારણે કેન્દ્ર સરકારે રાજ્યપાલના રિપોર્ટને બહાલી આપી, મહેતા સરકારને બરખાસ્ત કરી નાખી હતી.

પણ સ્થિતિ એવી હતી કે ગુજરાતમાં ચૂંટાયેલા ધારાસભ્યો હતા, પણ કોઈ પણ પક્ષે સુરેશ મહેતાની સરકાર અલ્પસંખ્યક થયા પછી સરકાર બનાવવાનો દાવો કર્યો ન્હોતો, આ સ્થિતિમાં નવેસરથી ચૂંટણી આપવી જોઈએ, પણ તેમ કરવામાં ભાજપને ફરી વખત ફાયદો થાય તેમ હતો, જેના કારણે ગુજરાત વિધાનસભાને બરખાસ્ત કરવાને બદલે રાજ્યપાલના રિપોર્ટ બાદ તરત ગુજરાત વિધાનસભાને સુક્ષુપ્ત આવસ્થામાં મુકી દેવામાં આવી હતી, આ રમત પણ અહેમદ પટેલ અને શંકરસિંહ વાઘેલાની હતી. સુરેશ મહેતાની સરકાર પડી જતા જે ધારાસભ્યો ભાજપમાં હતા તે પૈકી કેટલાંક બાપુ તરફ ખસી ગયા હતા અથવા તેમને બાપુ સાથે રહેવા માટે પૈસા ચુકવવામાં આવી રહ્યા હતા. બાપુ પોતાની સોગઠીઓ ગોઠવે તે માટે જ વિધાનસભા ભંગ કરવાને બદલે સુક્ષુપ્ત અવસ્થામાં મુકી દેવામાં આવી હતી. ગુજરાતમાં ચૂંટાયેલી સરકાર પડી જતા રાષ્ટ્રપતિ શાસન નાખી દેવામાં આવ્યું હતું. સત્તાના સુત્રો રાજ્યપાલ કુષ્ણપાલસિંહના હાથમાં આવી ગયા હતા. તેઓ કહેતા તે પ્રમાણે તંત્ર કામ કરતુ હતું.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે પ્રબોધ રાવળ હતા. બાપુએ તેમની સાથે પણ વાતચીત શરૂ કરી હતી. સાથે ભાજપના ધારાસભ્યનું ખરીદ વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. બાપુએ બરાબર એક મહિનો મહેનત કરી પોતાની બાજુ સેફ કરી લીધી, ત્યાર બાદ પ્રબોધ રાવળ અને અહેમદને મળી પોતે સરકાર બનાવે તો મદદ કરવાની ખાતરી માગી હતી. અહેમદ પટેલે ઈશારો કરતા શંકરસિંહ વાઘેલા રાજ્યપાલ ભવન પહોંચ્યા હતા, તેમણે પોતાના ટેકેદાર ધારાસભ્યો અને કોંગ્રેસ તરફથી તેમને સરકારને ટેકો હોવાનો દાવો કરી પોતે સરકાર બનાવી શકે છે,  તેવો દાવો કર્યો હતો. જેના આધારે રાજ્યપાલે બાપુને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું, આમ બાપુ કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી શકે તેવો રસ્તો સાફ થયો હતો. ગુજરાતમાં એક મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યા બાદ બાપુએ ઓકટોબર મહિનામાં નવી સરકાર બનાવી હતી. બાપુની મુખ્યમંત્રી થવાની ઈચ્છા આખરે પુરી થઈ હતી.

શંકરસિંહ મુખ્યમંત્રી થતાં, તેમણે પોતાના તમામ માણસો જે ખજુરાહો આવ્યા હતા, તેમને સત્તામાં સારી જગ્યાઓ આપી હતી. જેમાં વિપુલ ચૌધરી ગૃહરાજય મંત્રી થયા હતા. તેમણે તરત બોર્ડ કોર્પોરેશનની પણ રચના કરવાની શરૂઆત કરી દીધી અને તેમને પડદા પાછળથી મદદ કરનારા નાના કાર્યકરોને પણ બોર્ડના ચેરમેન બનાવી દીધા હતા. બાપુને ખબર હતી કે સત્તા આવ્યા પછી તેમને સત્તા સુધી જવા માટે જેમણે પણ મદદ કરી છે તેમને સાચવી લેવા જરૂરી હતા, જે ભુલ ભાજપે કરી હતી તેઓ કરવા માગતા ન્હોતા. આમ જોવા જાવ તો બે વર્ષમાં શંકરસિંહ ભાજપના ત્રીજા મુખ્યમંત્રી હતા. લોકોમાં એક પ્રકારનો ગણગણાટ શરૂ થયો હતો કે ભાજપ વિરોધપક્ષમાં જ સારો તેમને સત્તા સોંપી શકાય નહીં, જો કે બીજી તરફ એક અંડર કરંટ બાપુ સામે પણ હતો. બાપુએ સત્તા મેળવવા માટે જે પ્રપંચ કર્યો તેનાથી લોકો ખુશ ન્હોતા, પણ પ્રજા પણ ગજબની હોય છે, તે મત આપ્યા પહેલા પોતાનું મન કળવા દેતી નથી.

બાપુને સત્તા મળતા તેઓ બેફામ થવા લાગ્યા હતા. તેમના ઘણા પગલા લોકઉપયોગી હોવા છતાં ઘણા પગલાં પોતાના અંગત સ્વાર્થ ખાતર અને પોતાના માણસોને ફાયદો કરાવવા માટેના હતા. જે લોકો જોઈ રહ્યા હતા. બાપુ મુખ્યમંત્રી થયા પણ તેઓ ધારાસભ્યના સભ્ય ન્હોતા. જેના કારણે તેમણે મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા બાદ છ મહિનામાં ચૂંટાઈ આવવું પડે તેમ હતું, જેના કારણે તેઓ કયાંથી ચૂંટણી લડી શકાય તેની તપાસ કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની એક પણ બેઠક ખાલી ન્હોતી. જેના કારણે તેમને કોઈક બેઠક ખાલી કરાવી ચૂંટણી લડવાની હતી અને તે પણ સેઈફ હોવી જોઈએ. કારણ તેમને હરાવવા માટે ભાજપ પણ તમામ જોર લગાવવાનું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ –અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive