પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-23): ગુજરાત વિધાનસભામાં કયારેય થઈ ના થઈ હોય તેવી મારા-મારી અને આંધાધુધીના દ્રશ્યો સર્જાયા હતા, વિધાનસભાના માર્શલ હિંસા ઉપર ઉતરી આવેલા ધારાસભ્યોને પકડી પકડી વિધાનસભાની બહાર ધકેલી રહ્યા હતા. બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ ચંદુ ડાભીએ ભાજપની બહુમતી હોવા છતાં ભાજપે વિશ્વાસનો મત ગુમાવી દીધો છે, તેવી જાહેરાત કરી દેતા, ભાજપના ધારાસભ્યો પણ ઉશ્કેરાયા હતા. તેઓ પણ બાપુના સમર્થકો સામે માઈકો તોડી ફેંકી રહ્યા હતા. આખી ઘટના બાપુ તરફથી પુર્વ યોજીત હતી, પણ ભાજપ માટે અનઅપેક્ષીત હતી. જો કે હજી સુરેશ મહેતા સમજી શકયા ન્હોતા કે બાપુ તમામ સ્થાને કુકરી ગોઠવ્યા પછી રમતમાં ઉતર્યા હતા, વિધાસભાની અંદર જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ વિધાનસભાના બીલ્ડીંગની બહાર પણ હતી. ગૃહનિ બહાર ધકેલી દીધેલા ધારાસભ્યો જાણે ગુંડા હોય તેમ એક પછી એક ઓફિસના કાચના દરવાજા તોડી રહ્યા હતા.


 

 

 

 

 

કેટલાક ધારાસભ્યો બીલ્ડીંગની સુંદરતા વધારવા માટે મુકેલા મોટા કુંડાઓ તોડી તોડી ફેંકવા લાગ્યા હતા. જે લોકો વિધાનસભા જોવા માટે આવ્યા તેઓ ડરી ગયા હતા, તેમણે પોતાના પ્રતિનિધિઓનું આવુ હિંસક સ્વરૂપ કયારેય જોયું જ ન્હોતુ. વિધાનસભાની અંદર તોફાન કરતા ધારાસભ્યો સામે નિયમ પ્રમાણે પોલીસ કાંઈ કરી શકતી નથી, કારણ ગૃહની અંદર વિધાનસભા અધ્યક્ષની સત્તા ચાલે અને અને ત્યાં કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે અધ્યક્ષના તાબા હેઠળ માર્શલ હોય છે. માર્શલ જેમને પકડી બહાર ધકેલી રહ્યા હતા, તે ધારાસભ્યો હવે બહાર પણ તોડફોડ કરી રહ્યા હતા. હવે તેઓ બહારની તરફ હોવાને કારણે તેમને નિયંત્રીત કરવાનું કામ પોલીસનું હતું, પોલીસનું કાર્યક્ષેત્ર બહાર તરફ હતું, ડી જી વણઝારા પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા, તેઓ બળ પુવર્ક ધારાસભ્યોને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે તેમને રોકવા તેમને મારી શકાય તેમ ન્હોતુ કારણ તેઓ કોઈને કોઈ પક્ષના ધારાસભ્યો હતા.

આ દરમિયાન આખી ઘટનાનું રીપોર્ટીંગ કરવા ગૃહમાં હાજર પત્રકારોને ખબર પડી કે બહારની તરફ તોફાન શરૂ થયું છે એટલે તેઓ પણ પત્રકાર ગેલેરી છોડી બહાર તરફ રીપોર્ટીંગ કરવા માટે દોડયા હતા. ત્યારે પોલીસ અને ધારાસભ્યો વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું હતું. આજે પણ મને તેની સાચી ખબર નથી કે ખરેખર કોઈના ઈશારે અથવા અનાયસે પોલીસ પત્રકારો તરફ વળી અને તેમણે સામે જે પત્રકાર મળે તેમને પણ મારવાની શરૂઆત કરી દીધી હતી. જેમાં પત્રકારો પણ ઘવાયા હતા, પહેલા ધારાસભ્યો ઉશ્કેરાયા હતા પણ પત્રકારોને પોલીસનો માર પડતા તેઓ પણ ઉશ્કેરાયા અને તે પૈકી કેટલાક ગુસ્સે થયેલા પત્રકારો પણ તોડફોડમાં જોડાઈ ગયા હતા. બધા જ ગુસ્સામાં હતા, પણ કેમ અને કોની ઉપર ગુસ્સો છે તેની કોઈને ખબર ન્હોતી. ધારાસભ્યો વચ્ચે થયેલી મારા-મારીને કારણે ધારાસભ્યો પણ ઘવાયા હતા. જેના કારણે વિધાનસભાની મેડીકલ ટીમે તરત સિવિલ હોસ્પિટલને જાણ કરતા એમ્બ્યૂલન્સ વાન ઘવાયેલા લોકોને લેવા વિધાનસભામાં પહોંચી ગઈ હતી, આ ઘટનાક્રમ લઘભગ એકાદ કલાક ચાલ્યો હશે.

પોતાની પાસે બહુમતી હોવા છતાં ચંદુ ડાભીની વરવી ભૂમિકાને કારણે હવે પોતાનો પક્ષ રજુ કરવા માટે સુરેશ મહેતા પાસે એક જ રસ્તો હતો કે તેઓ રાજ્યપાલ કૃષ્ણપાલસિંહ પાસે જઈ ખરેખર વિધાનસભામાં શું બન્યું તેની જાણકારી આપે અને ફરી વિશ્વાસનો મત લેવાની તક આપે. તેના કારણે સુરેશ મહેતા પણ પોતાના સાથીઓ સાથે રજૂઆત કરવા રાજ્યપાલ ભવન પહોંચ્યા હતા. આ તરફ બધુ જ પોતાના પ્લાનીંગ પ્રમાણે થયું હોવાની ખાતરી હોવાને કારણે શંકરસિંહના ટેકેદાર ધારાસભ્યો સુરેશ મહેતાની સરકાર લધુમતીમાં આવી ગઈ હોવાના દાવા સાથે મહેતા સરકારને બરખાસ્ત કરવાની માગણી સાથે રાજ્યપાલ ભવન પહોંચી ગયા હતા, હવે આ આખી રમતમાં પત્રકારોનું કામ માત્ર રીપોર્ટીંગ કરવાનું હતું, પણ હવે પત્રકારોને પણ માર પડયો અને ઈજા થઈ હોવાને કારણે તેમણે પણ પોતીની સ્વસ્થતા ગુમાવી હતી, ત્યારે જ કોઈએ પત્રકારોને આહવાન કર્યું કે ચાલો રાજ્યપાલ ભવન અને પત્રકારો પણ રાજ્યપાલ ભવન પહોંચ્યા હતા.


 

 

 

 

 

આમ સુરેશ મહેતા, શંકરસિંહ જુથ અને પત્રકારો એક સાથે રાજ્યપાલ ભવન પહોંચ્યા હતા. સુરેશ મહેતાએ એક લેખિત આવેદનપત્ર આપી વિધાનસભામાં શું થયું તેની જાણકારી આપી આખી ઘટનાને કમનસીબ ગણાવી, અધ્યક્ષ ચંદુ ડાભીની ભૂમિકાની ટીકા કરી હતી. તેમનો દાવો હતો કે હજી પણ તેમની પાસે બહુમતી ધારાસભ્યો છે અને તેમની સરકારને વાંધો આવે તેમ નથી, જ્યારે શંકરસિંહ જુથે અને 48 ધારાસભ્યોએ સુરેશ મહેતાની સરકારની વિરૂધ્ધ મતદાન કર્યું હોવાને કારણે મહેતા પાસે બહુમતી રહી નથી તેવા સંજોગોમાં તેમને બરખાસ્ત કરવાની માગણી કરી હતી. જો કે આ બંન્નેના દાવા સામે વિધાનસભા અધ્યક્ષ ચંદુ ડાભીનો રિપોર્ટ સૌથી મહત્વનો હતો. ખરેખર મહેતા પાસે બહુમતી છે કે નહીં તે અંગે તેમણે પોતાનો રિપોર્ટ રાજ્યપાલને સોંપવાનો હતો. જે વિધાનસભાની સચિવની કચેરીમાંથી બહાર કવર દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો. આમ હવે ત્રણે સંબંધી પક્ષની લેખિત રજૂઆત કૃષ્ણપાલસિંહ પાસે આવી ગઈ હતી.

જ્યારે પોતાની રજૂઆત કરવા ગયેલા પત્રકારો કઈ પણ લેખિતમાં લઈ ગયા ન્હોતા, રાજ્યપાલ કૃષ્ણપાલ પત્રકારોને રૂબરૂ મળ્યા, પત્રકારોને થયેલી ઈજાઓ તેમણે જોઈ તેમણે આ પ્રકારનો વ્યવહાર થયો તે અંગે દુઃખ પણ વ્યકત કર્યું, તેમણે પત્રકારોને પોતાની લેખિત રજૂઆત આપવા કહ્યું ત્યારે ઉતાવળમાં એક કોરા કાગળ ઉપર કોઈકે ત્યાં હાજર પત્રકારોની સહિઓ લેવાની શરૂઆત કરી હતી. એકાદ-બે પત્રકારોએ પુછયું પણ ખરૂ કે કોરા કાગળ ઉપર કેમ સહીઓ કરાવો છો, આવેદન કયાં છે ત્યારે તેવો જવાબ મળ્યો હતો કે આવેદન અમે લખી નાખીશું અત્યારે સહી કરી દો પછી આવેદન સાથે સહીવાળો કાગળ જોડી દઈશું, આમ ગુસ્સામાં રહેલા પત્રકારો પાસે કોરા કાગળ ઉપર સહીએ લઈ લેવામાં આવી, જો કે આવેદનમાં જે કઈ લખાવવાનું હતું તેની સહી કરનાર મારા સહિતના પત્રકારોને ખબર ન્હોતી કે બાપુએ પત્રકારાના જુથમાં પણ પોતાના માણસો સામેલ કરી દીધા હતા. હવે શું લખાવવાનું હતું તે અગત્યનું હતું.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં