પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-22): શંકરસિંહ ભાજપ સાથે છેડો ફાડયા બાદ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે સંપર્ક વધારી દીધો હતો, બાપુ અને પટેલ કઈ તરફ ગુજરાતના રાજકારણને લઈ જઈ રહ્યા છે, તેનો કોઈને અંદાજ ન્હોતો, પણ ત્યારે ગુજરાતના રાજકારણની સ્થિતિ બાપુને અનુકુળ હતી. ગુજરાતના ગર્વનર પદે નરેશ ચંદ્રના સ્થાને કૃષ્ણપાલસિંહ મુકાઈ ગયા, મુળ મધ્યપ્રદેશના વતની અને ચુસ્ત કોંગ્રેસી હોવા છતા સાવ નીમ્નકક્ષાના રાજકારણી હતા, બીજા શબ્દોમાં કહીએ તો બાપુને તમામ રીતે અનુકુળ આવે તેવા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હરિશચંદ્ર પટેલ નખશીથ પ્રમાણિક અને નેક માણસ હતા, મુળ હિન્દુત્વની વિચારધારાને વરેલા વ્યવસાયે એડવોકેટ હતા. વર્ષો સુધી હિન્દુઓના કોર્ટ કેસ મફત લડતા હતા, વિધાનસભામાં ચૂંટાયા પછી કાયદાના જ્ઞાનને કારણે તેમને વિધાસભાનું અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું હતું, કાયદાનો ખા માણસ હતો. વિધાનસભાના નિયમનોની પણ એટલી જ જાણકારી હતી.

પણ બાપુની સદ્દનસીબી હતી કે હરિશચંદ્ર પટેલ ખુબ બીમાર હતા અને સાવ પથારીવશ હતા. દિવસે દિવસે તેમની તબીયત લથડી રહી હતી. તેઓ વિધાનસભામાં આવી શકે તેવી સ્થિતિમાં જ ન્હોતા, શંકરસિંહ વાઘેલા આ સ્થિતિમાં જે ફાયદો લેવાના હતા તેની ભાજપ અને નરેન્દ્ર મોદી કોઈને ખબર પડી જ નહીં. હજી તેમની અંદર મુખ્યપ્રધાન થવાનો અભરખો શમ્યો ન્હોતો. કેશુભાઈ પટેલની સરકાર ઉથલાવ્યા પછી તેઓ પાર્ટી હાઈકમાન્ડ સામે ખોંખારી બોલી શકયા નહીં કે મારે મુખ્યમંત્રી થવું છે, તેના કારણે સુરેશ મહેતા મુખ્યમંત્રી થઈ ગયા હતા. હવે બાપુને ફરી મુખ્યમંત્રી થવાના ઓરતા જાગ્યા હતા. તે માટે તેમણે પુરી તૈયારી પણ કરી લીધી હતી, તે માટે તેમણે અહેમદ પટેલ અને રાજયપાલ કુષ્ણપાલ સિંહનો પણ સંપર્ક કરી લીધો હતો. જેના કારણે એક દિવસ કુષ્ણપાલસિંહને મળવા ભાજપનું એક પ્રતિનિધિ મંડળ ગયું, તેમણે દાવો કર્યો કે તેમનું સંખ્યાબળ 48નું છે, અને તેઓ સુરેશ મહેતાને આપેલો ટેકો પાછો ખેંચી લે છે.

ખરેખર બાપુ પાસે 48 ધારાસભ્યો ન્હોતા, પણ બાપુની આ રમત હતી. ભાજપમાં ફરી એક વખત દોડાદોડી થઈ ગઈ સુરેશ મહેતાની સરકારને માંડ વર્ષ થવા આવ્યું હતું ત્યાં ફરી એક વખત ભાજપની સરકાર પડી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. રાજયપાલ દ્વારા સુરેશ મહેતાને વિશ્વાસનો મત લેવાનો આદેશ આપવામાં આવ્યો, ભાજપે પોતાની પાસે ધારાસભ્યોની સંખ્યા કેટલી છે અને બાપુ પાસે કેટલી છે, તે તપાસ કરી તો સુરેશ મહેતાની સરકારને વાંધો આવે તેવું ન્હોતુ, તેમ છતાં બાપુ દાવો કરી રહ્યા હતા. મહેતા સરકાર પાસે પુરતુ સંખ્યાબળ નથી તેના કારણ ભાજપના નેતાઓ અવઢવમાં મુકાઈ ગયા હતા, ભાજપના નેતાઓ સાચો તાગ મેળવી શકતા ન્હોતા કે ભાજપની સાથે હોવાનો દાવો કરતા ધારાસભ્યો પૈકી ખરેખર ભાજપ પાસે કેટલાં ધારાસભ્યો છે, પણ હવે તો તે વિધાનસભાના ફલોર ઉપર જ નકકી થવાનું હતું, તે માટે સુરેશ મહેતા દ્વારા વિશ્વાસનો મત લેવા માટે વિધાનસભા બોલાવવાની ફરજ પડી હતી.

હવે ખરાખરીનો જંગ થવાનો હતો, ગુજરાત વિધાનસભામાં બાપુ અને સુરેશ મહેતાએ પોતાની તાકાત સાબીત કરવાની હતી, પણ એક મેલી રમત રમાઈ રહી છે, તેનાથી સુરેશ મહેતા જેવા સજ્જન નેતા સાવ અજાણ હતા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં ન્હોતા, પણ તમને મહેતાની ફજેતી થાય તેમા જ રસ હતો. હવે તેઓ અલીપ્ત હોવાનો
દાવો કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભા એક દિવસ માટે બોલાવવામાં આવી હતી. વિધાનસભાને ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, ડી જી વણઝારા ત્યારે ગાંધીનગરના ડીસીપી હોવાના નાતે તેઓ પોતે બંદોબસ્તમાં હાજર રહ્યા હતા, વિધાનસભા શરૂ થયા તે પહેલા એક પ્રશ્ન આવ્યો કે વિધાનસભાના અધ્યક્ષ પદે કોણ બેસે, કારણ અધ્યક્ષ હરિશચંદ્ર પટેલ તો બીમાર હતા, તેના કારણે હવે વિધાનસભાના અધ્યક્ષ પદે નાયબ અધ્યક્ષ બેસવાના હતા. વિધાનસભાની પરંપરા પ્રમાણે ત્યારે નાયબ અધ્યક્ષનું પદ વિરોધ પક્ષને સોંપવામાં આવતું હતું, ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષમાં હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્ય ચંદુ ડાભી નાયબ અધ્યક્ષ હતા જેમણે ગૃહનું સંચાલન કરવાનું હતું.

હરિશચંદ્ર પટેલની ગેરહાજરીમાં અધ્યક્ષની ખુરશીમાં ચંદુ ડાભી બેઠા હતા, તેમણે હવે વિશ્વાસનો મત લેવા માટે સુરેશ મહેતાને આદેશ આપ્યો, ખુલ્લુ મતદાન કરવાનું હતું, પહેલા સુરેશ મહેતાની સરકાર સામે મત આપવા માગતા ધારાસભ્યોએ ઊભા થઈ પોતાનો મત બોલવાનો હતો, એક પછી એક ધારાસભ્ય ઊભા થઈ એક-બે-ત્રણ તેમ કહી મહેતાની વિરૂધ્ધમાં નંબર બોલી રહ્યા હતા, હવે જો મતદાન પુરૂ થાય તો બાપુ પાસે ખરેખર કેટલા મત છે તેનો આંકડો ખબર પડી જાય અને સુરેશ મહેતાની સરકાર પાસે બહુમતી હોવાનું પુરવાર થઈ જાય, પણ જેવો
ત્રીસમો નંબર આવ્યો તેની સાથે બાપુ સમર્થક દ્વારા વિધાનસભામાં તોફાન શરૂ કરી દેવામાં આવ્યું માઈકો તોડી સામેની બેંચ ઉપર ફેંકવાની શરૂઆત થઈ, ફાઈલો ફેંકાવા લાગી અને સ્થિતિને કાબુમાં લેવા વિધાનસભાની સુરક્ષા સંભાળતા માર્શલ વેલમાં દોડી આવ્યા. આ ધમાલ વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલુ હતી, જેના કારણે કોણ કોને મત આપી રહ્યું છે, તે સાંભળવું શકય જ ન્હોતું.

બાપુના સમર્થકો દ્વારા તોફાન શરૂ કરવામાં આવતા સામી બેંચ ઉપર બેઠેલા ભાજપના ધારાસભ્યોએ પણ વળતો પ્રહાર શરૂ કર્યો, તરત જ મુખ્યપ્રધાન સુરેશ મહેતાને આખી રમત સમજાઈ ગઈ, તેઓ સમજી ગયા કે તોફાન ઈરાદાપુર્વક થઈ રહ્યું છે, તેઓ વિશ્વાસનો મત જીતી ગયા છે તે વાત છુપાવવા માટે તોફાન કરી વાતને અવળે પાટે લઈ જવામાં આવી રહી છે, તેમણે તરત પોતાના ધારાસભ્યોને શાંત રહેવાનો ઈશારો કર્યો પણ તેમના ધારાસભ્ય પણ રમત સમજી શકયા નહીં, અને તેઓ પણ હિંસાનો જવાબ હિંસાથી આપવા લાગ્યા હતા. સ્થિતિ એટલી હદે વકરી કે બંન્ને પક્ષના ધારાસભ્યો છુટા હાથની મારા મારી કરવા સામ-સામે આવી ગયા, આ સ્થિતિમાં વિધાનસભાના માર્શલ પાસે ધારાસભ્યોને પકડી પકડી જબરજસ્તી ગૃહ બહાર લઈ જવાની ફરજ પડી હતી. આ આખી પ્રક્રિયામાં વિધાનસભા અધ્યક્ષ ચંદુ ડાભીએ જાહેરાત કરી દીધી કે સુરેશ મહેતા વિશ્વાસનો મત લેવામાં નિષ્ફળ ગયા છે અને તેમની સરકાર લધુમતીમાં આવી ગઈ છે.
(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive