પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-21): સરદાર પટેલ સ્ટેડિયમમાં ઘટના ભાજપ સહિત શંકરસિંહ વાઘેલા માટે આઘાતજનક હતી, જો બાપુ પોતાના માણસોનું રક્ષણ કરી શકતા નથી, તો તેમની સાથે રહેવાનો અર્થ નથી. હવે બાપુ માટે બોલવું અનિવાર્ય બન્યું હતું. તેમણે ભાજપની નેતાગીરીની આકરા શબ્દોમાં ટીકા કરી. તેમને ઝઘડો ભાજપ સાથે ન્હોતો, પણ તેમને ઝઘડો મોદી સાથે હતો. છતાં તેમણે મોદીના નામ વગર ભાજપની ટીકા કરવાની શરૂ કરી, જેના કારણે ભાજપની સ્થિતિ કફોડી બની ગઈ હતી. ભાજપને તેમનો જ પ્રદેશ કક્ષાનો નેતા ભાંડી રહ્યો હતો. બાપુ જાહેરમાં જે ટીકા કરી રહ્યા હતા, તે વાત તેઓ પક્ષની આંતરિક મીટીંગમાં પણ કહી શકતા હતા, પરંત શંકરસિંહનું આ પગલુ ગણતરીપૂર્વકનું હતું. તેમણે પણ ભાજપને તિલાંજલિ આપવાની યોજના બનાવી હતી, પણ તેઓ ગણતરીપુર્વક આગળ વધી રહ્યા હતા. તેઓ પણ પક્ષના સિનિયર નેતા હતા. તેમને ખબર હતી કે તેઓ જાહેરમાં જે બોલી રહ્યા હતા, તે ઈનહાઉસ પણ કહી શકતા હતા, છતાં કેમ આવો વ્યવહાર કરી રહ્યા હતા.

શંકરસિંહને ભાજપના અનેક નેતાઓએ શાંત રહેવાની વિનંતી કરી રહ્યા હતા, પણ તેઓ વધારેને વધારે આક્રોશ વ્યકત કરી રહ્યા હતા. ભાજપની નેતાગીરી પાસે હવે બાપુ સામે આકરા થવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. બીજી તરફ નરેન્દ્ર મોદી દિલ્હી અને હિમાચલ પ્રદેશની વચ્ચે ફર્યા કરતા હતા અને જાણે તેમને આખી ઘટના સાથે સ્નાન સુતકનો સંબંધ નથી તેવો દેખાવ કરતા હતા. પણ ગુજરાતની ઘટનાની જીણી-જીણી માહિતી તેમની પાસે રહેતી હતી. તેમનું ધ્યાન તો ગુજરાતમાં જ હતું, જે યુવાનો આત્મારામ પટેલના ધોતિયાકાંડમાં સામેલ હતા, તેઓ સતત પોલીસથી બચવા માટે ફરી રહ્યા હતા. તેમની મદદે હવે મનોજ ભીમાણી આવી ગયા હતા. ગુજરાત હાઈકોર્ટના સિનિયર વકિલોની સલાહ લઈ જેમના નામે ગુનો નોંધાયો હતો તે તમામને ગુજરાત અને ગુજરાત બહાર રહેવાની વ્યવસ્થા મનોજ ભીમાણી કરતા હતા. કેટલાક કાર્યકરોને હાઈર્કોર્ટ મારફતે પોલીસ સામે હાજર કરાવવામાં આવતા હતા.

શંકરસિંહ વાઘેલા બેફામ નિવેદનોને કારણે પાર્ટી હાઈકમાન્ડે બાપુને શીસ્તભંગની નોટિસ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નોટિસ આપવામાં પણ મોદીની અહંમ ભૂમિકા હતી. તેઓ કોઈ પણ ભોગે બાપુને ભાજપમાંથી રવાના કરવા માગતા હતા, પણ આશ્ચર્ય તે વાતનું હતું કે બીજી તરફ ખુદ બાપુ પણ ઈચ્છતા હતા કે તેમને ભાજપ પક્ષમાંથી કાઢી મુકે, તે માટે બાપુ પણ તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા હતા. જો કે હવે બાપુ એક નવી ચાલ ચાલી રહ્યા હતા, તેની જાણકારી બાપુના અત્યંત નજીકના વ્યકિતઓને પણ ન્હોતી. હા બાપુનો આખો ગેમ પ્લાન તેમના રાજકીય ચાણક્ય વિષ્ણુ પંડયા જાણતા હતા. પક્ષના બંધારણને બરાબર સમજતા નખશીખ સંઘીય વિષ્ણુ પંડયાને ખબર હતી કે ભાજપ હવે કેવા અને કઈ દિશાના પગલા લેશે અને બાપુ તે પ્રમાણે જ વ્યવહાર કરતા હતા. બાપુના નિવેદનને કારણે ભાજપ દ્વારા બાપુને કારણ દર્શક નોટિસ આપવામાં આવી. બાપુના સમર્થકો માટે આ ઘટના આઘાતજનક હતી પણ બાપુ તો જાણે આ પ્રેમ પત્રની રાહ જોતા હતા, તેઓ મનોમન નોટિસ બાદ ખુશ થયા હતા.

બાપુને નોટિસ મળી તે ઘટનાએ ગુજરાતના રાજકારણના માહોલને ગરમ બનાવી દીધુ હતું, હવે બાપુ શું જવાબ આપશે તેની ઉપર બધાની નજર હતી, બાપુને પત્રકારો રોજ મળતા હતા પણ બાપુ તેનો અંદાજ આપતા ન્હોતા કે તેઓ શું કરી રહ્યા છે. હવે તે પોતાના સમર્થકો માટે લડી રહ્યા છે તેવા માહોલ તેમણે ઊભો કર્યો હતો. ભાજપમાંથી એક બહુ મોટો વર્ગ તેમની તરફ ખસી રહ્યો હતો. જેઓ નરેન્દ્ર મોદીથી નારાજ હતા અને જેમની પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી હતી તેવા ભાજપીઓની સંખ્યા બાપુ સાથે વધી રહી હતી. હવે તેમના જ સમર્થકોની નજર બાપુ તરફ હતી બાપુ નોટિસનો જવાબ શું આપશે તેની ઉપર બધો આધાર હતો. બાપુએ 20મી મેના રોજ સ્ટેડિયમમાં થયેલી ઘટના બાદ પાર્ટી સામે રણશીગું ફુકયું હતું. આ આખો ઘટના ક્રમ બરાબર ત્રણ મહિના સુધી ચાલ્યો હતો, આ ત્રણ મહિના રોજ બાપુના નિવેદન આવતા, સામે પક્ષે ભાજપના નેતાઓ પોતાની વાત રજુ કરતા હતા. સુરેશ મહેતાને આ સ્થિતિમાં પોતાની સરકાર પણ ચલાવવાની હતી.

તા 20મી ઓગષ્ટનો દિવસ હતો, બાપુએ પોતાના સમર્થકને એકત્ર કર્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં બાપુના ટેકેદારો અને પત્રકારો આવ્યા હતા, પણ હવે બાપુ શું જવાબ આપશે તેની ઉપર આધાર હતો. બાપુ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને તેમણે કહ્યું ચાલો આપણે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે જઈએ, અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલયથી માત્ર પાંચસો મીટર દુર નહેરૂબ્રીજના નાકે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા આવેલી છે બાપુ પોતાના ટેકેદારો સાથે ત્યાં પહોંચ્યા, પહેલા તેમણે યાજ્ઞિકની પ્રતિમાને માળા પહેરાવી અને ત્યાર બાદ ભાજપે આપેલી નોટિસ ખીસ્સામાંથી કાઢી જાહેરમાં ફાડી નાખી હતી. આમ હવે તેમણે ભાજપની નોટિસને જાહેરમાં ફાડી ભાજપ સાથેના તેમના તમામ સંબંધનો કાયમી અંત આણ્યો હતો. આ ઘટના સમગ્ર માટે આઘાતજનક હતી. હવે ભાજપના બે ફાડિયા થવાનું લગભગ નીશ્ચિત હતું, પણ તેના કરતા પણ મોટી ઘટના હજી ઘટવાની બાકી હતી, પણ બાપુએ તેનો અંદેશોય કોઈને આવવા દિધો ન્હોતો.

(ક્રમશ:)