પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-20):  નરેન્દ્ર મોદી હજી સાણંદ રોડ ઉપર આવેલા સંસ્કાર ધામમાં બેઠા હતા, પણ તેમનું મન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમાં ચાલી રહેલી પ્રવૃત્તીઓ તરફ હતું. એક ભયંકર કારસાને અંજામ આપવાનું પ્લાનીંગ હતું, કોઈ પોતાના જ માણસો સાથે આવું કરે તેની કલ્પના પણ થઈ શકે તેમ ન્હોતી. નરેન્દ્ર મોદીએ જે યુવાનો સાથે ચર્ચા કરી હતી તેઓ સરદાર પટેલ સ્ટેડિયમમાં ગોઠવાઈ ગયા હતા. તેમનું ધ્યાન સમારંભ કરતા વધુ ભાજપના કેટલાંક નેતાઓ તરફ હતું. તેમાં દત્તાજી ચીરંદાસ અને આત્મારામ પટેલ તરફ વધુ હતું. આ નેતાઓને હવે ભાજપમાં ખજુરિયા તરીકે ઓળખવામાં આવતા હતા. કારણ તેમણે નરેન્દ્ર મોદી સાથે રહેવાને બદલે શંકરસિંહ સાથે વાઘેલા સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જેમાં આખી સરકાર ઉથલી ગઈ, કેશુભાઈને રાજીનામું આપી દેવું પડયું અને મોદીને દિલ્હી જવાની ફરજ પડી હતી. જેનો બદલો લેવાનો આ તખ્તો ઘડાયો હતો.

તા 20મી મે 1996નો દિવસ હતો, બરાબર પાંચ દિવસ પહેલા કેન્દ્રમાં ભાજપની પહેલી વખત સરકાર બની હતી. 11મી લોકસભાનું પરિણામ આવ્યું હતું, પણ કોઈ પણ એક પક્ષને બહુમતી મળી ન્હોતી, પરંતુ ભાજપને બહુમતી નહીં હોવા છતાં તે સૌથી વધુ બેઠક મેળનાર પક્ષ હતો. અટલબિહારી બાજપાઈ 15મી મેના રોજ સરકાર રચવાનો દાવો કરી સત્તાનું સુકાન સાંભળી લીધુ હતું. ભાજપની વ્યૂહ રચના હતી કે એક વખત સરકાર થઈ જાય તો અન્ય સાથી પક્ષો તેમના ટેકામાં આવશે અને તેઓ બહુમતી પુરવાર કરી દેશે. રાષ્ટ્રપતિ દ્વારા બાજપાઈને પોતાની બહુમતી પુરવાર કરવાનો પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તા 31મી મેના રોજ બાજપાઈ લોકસભામાં વિશ્વાસનો મત મેળવવાના હતા. તેની કવાયત દિલ્હીમાં ચાલી રહી હતી, પણ ચૂંટણી થાય તે પહેલા હું અને નરેન્દ્ર મોદી જે જૈન મુનિ પાસે ગયા હતા. તેની વાત હવે સાચી પડી રહી હતી, ભાજપની સરકાર તો બની હતી, પણ બહુમતી મળી ન્હોતી તેના કારણે હજી ભાજપને સરકાર બચાવવાનું સંકટ હતું.

એક તરફ કેન્દ્રની નેતાગીરી કેન્દ્ર સરકારમાં પોતાને બહુમતી મળે તેવા પ્રયાસ કરી રહી હતા, ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં માંડ બચેલી રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાય તેવી યોજનાને અંજામ આપવા જઈ રહ્યા હતા. ભાજપને પહેલી વખત કેન્દ્રમાં સરકાર થઈ હોવાનો ગુજરાત ભાજપ ઉત્સવ મનાવી રહ્યું હતું. તે જ વખતે યોજનાને પાર પાડવા નરેન્દ્ર મોદી સાથે મનોજ ભીમાણી અને અમિત શાહ સતત સંપર્કમાં હતા. સમારંભમાં ખુબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આવ્યા હતા. સમારંભ લગભગ રાતના આઠ વાગે પુરો થયો. વીવીઆઈપી ગેટથી નેતાઓ બહાર નિકળી રહ્યા હતા, ત્યારે નરેન્દ્ર મોદીના ઈશારે આવેલા યુવાનો વીવીઆઈપી ગેટ તરફ આગળ વધ્યા અને અચાનક ગેટ તરફ કોલાહલ અને દોડા દોડી થવા લાગી પહેલા તો લોકો અને ત્યાં હાજર પોલીસને પણ થોડીક ક્ષણો ખબર પડી નહીં કે શું થઈ રહ્યું છે અને કોલાહલ કેમ થઈ રહ્યો છે, પણ ત્યારે જીવ બચાવવા માટે બાપુના સમર્થક નેતાઓ સ્ટેડિયમની બહાર ગેટ તરફ ભાગી રહ્યા હતા. તેમની પાછળ કેટલાંક યુવાનો પકડો પકડો, મારો મારોની બુમો પાડતા દોડી રહ્યા હતા.

નેતાઓની કાર પાર્કિંગમાં પાર્ક હતી પણ જીવ બચાવવા માટે તેઓ પોતાની કાર તરફ જવાને બદલે રસ્તા ઉપર દોડી ગયા હતા. તેમને હતું કે પોલીસ સહિતની બીજી મદદ તેમને મળી રહેશે. નેતાઓની પાછળ દોડી રહેલા યુવકોના હાથમાં પેટ્રોલ પણ હતું, આટલી ક્રુરતા ભરેલી યોજના હતી. પોતાના જ માણસોને જીવતા સળગાવી દેવાના હતા. સત્તા માટે આટલી હિનતાભર્યું કૃત્ય અચરાવાના હતા. કેટલાક યુવકો નેતા દત્તાજી સુધી પહોંચી ગયો, તેઓ દત્તાની પકડવા માગતા હતા. તેમને પકડી મારવા માગતા હતા. એક તબ્બકે તો તેઓ પકડાઈ ગયા, તેમના કપડાં ફાટી ગયા, તેમને ખુબ માર્યા પણ ખરા ત્યારે એક એએમટીએસ બસ ત્યાંથી પસાર થઈ રહી હતી. પચાસી વટાવી ચુકેલા દત્તાજીએ હિંમત કરી નજીકથી પસાર થઈ રહેલી બસમાં ચઢી ગયા, જેના કારણે તેઓ થોડાક માટે બચી ગયા હતા. આ યુવકો બાપુના જે માણસો મળે તેને મારી રહ્યા હતા. જો કે ત્યાં સુધીમાં તો પોલીસને અંદાજ આવી ગયો હતો, તો બાપુના સમર્થક જેટલા નેતાઓ હતા, તેમને રક્ષણ આપી ત્યાંથી લઈ જવાનો પ્રયત્ન કરી રહી હતી. ચારે તરફ આંધાધુધી ફેલાઈ ગઈ હતી, નાસભાગમાં પોલીસને પણ સમજ આવતી ન્હોતી કે કોને મદદ કરવાની છે અને કોને પકડવાના છે. થોડાક સમય પહેલા જે ભાજપ શીસ્તની વાત કરતો હતો તેની આબરૂના લીરા ઉડી ગયા હતા.

તે જ વખતે હિંસા ઉપર ઉતરી આવેલા યુવકોનું ધ્યાન ઉત્તર ગુજરાતના સિનિયર અને વયોવૃધ્ધ નેતા આત્મારામ પટેલ તરફ ગયુ. તેઓ ખજુરાહો ગયેલા ધારાસભ્યો પૈકી એક હતા. ટોળું તેમની તરફ દોડયું, પોલીસે પણ જોયું કે ટોળું દોડયું. પોલીસ આત્મારામ કાકાની મદદે આવી પણ ટોળાની સંખ્યા પોલીસ કરતા વધુ હતી. ટોળુ કાકાને ચોંટી પડયું, તેમની ઉપર હુમલો કરી દીધો, પટેલ નેતા આત્મારામ તો પોતાનો બચાવ પણ કરી શકે તેવી સ્થિતિમાં ન્હોતા, ટોળું હલકટ થઈ ગયું હતું. તેમણે કાકાનું ધોતીયું ખેંચી કાઢયું એક ઉમંર લાયક વ્યકિત સાથે હેવાનીયત ભર્યો વ્યવહાર થયો. મુખ્યમંત્રી સુરેશ મહેતા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેઓ મુખ્યમંત્રી હતા અને તેમના જ નેતાઓ સાથે ધૃણાસ્પદ વ્યવહાર થયો હતો. હવે તેઓ સમજી ગયા હતા કે બાપુ અને મોદી તેમને શાંતિથી સરકાર ચલાવવા દેશે નહીં. તેમની લડાઈ ભાજપને ખતમ કરી નાખવાની હતી, પણ મુખ્યમંત્રી તરીકે તેમણે જે કરવું જોઈએ તે કર્યું, પોલીસને આદેશ આપ્યો કે જવાબદાર તમામ સામે પગલાં ભરો, તો કોઈ પણ નેતાનો ટેકેદાર હોય પણ તેની સામે કાર્યવાહી કરો.

પોલીસનો વધુ કાફલો સ્ટેડિયમ તરફ દોડી આવ્યો જેના કારણે નરેન્દ્ર મોદીના ઈશારે આવેલા યુવાનોને સ્ટેડિયમ છોડી દેવાની ફરજ પડી, તેમને મન તેમણે બહું મોટું કામ કર્યું હતું. તેઓ પોતાનો હિન્દુત્વના પ્રખર હિમાયતી સમજી રહ્યા હતા, તેઓ પોતાના તમામ કામને દેશ અને હિન્દુત્વ માટે કરેલા કામ માની રહ્યા હતા. તેમને ખબર ન્હોતી કે તેઓ તો માત્ર નરેન્દ્ર મોદીના ઈશારે હાલતી-ચાલતી કઠપુતળી છે. હમણાં મોદીને તેમની જરૂર હતી માટે તેમને ખોળામાં બેસાડયા હતા, પછી કયાંક કચરામાં તેઓ પણ પડયા હશે. સ્ટેડિયમમાંથી ભાગ્યા પછી કાર્યકરો સંસ્કાર ધામ જવા રવાના થયા, તેમને હતું કે નરેન્દ્ર મોદી તેમની પીઠ થાબડશે અને શાબાશી આપશે. તેમણે ખજૂરિયાઓને પાઠ ભણાવ્યો હતો. કાર્યકર યુવકો સંસ્કાર ધામ પહોંચ્યાં તેમણે જોયું તો નરેન્દ્ર મોદી જે રૂમમાં રહેતા હતા ત્યાં ઘોર અંધારૂ હતું, બહાર ચોકીદાર બેઠો હતો, તેને પુછયું નરેન્દ્રભાઈ કયાં છે, ચોકીદારે જવાબ આપ્યો તેમની ફલાઈટ હતી તેઓ હમણાં હિમાચલ પ્રદેશ જવા નિકળી ગયા છે. નરેન્દ્ર મોદી તેમને છોડી જતા રહ્યા હતા, યુવકો ગભરાઈ ગયા, તેમને અંદાજ આવી ગયો કે હવે પોલીસ આપણને શોધશે-પકડશે પણ તેમને મદદ કરનાર હમણાં કોઈ ન્હોતુ.

(ક્રમશઃ)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ – fb.com/MeraNewsGuj/ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

ખજુરાહોના અગાઉના ભાગ વાંચવા અહીં ક્લિક કરો- http://www.meranews.com/catgories/exclusive